if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જેનામાં નિર્ભયતા છે, પ્રેમ છે, પવિત્રતા છે, ને નિઃસ્વાર્થતા છે, તેને ડરાવી કે ડગાવી શકે એવી એકપણ શક્તિ આ સંસારમાં નથી. એ ઉત્તમ ગુણો વડે વિભૂષિત થયેલો એક જ આત્મા, સમસ્ત બ્રહ્માંડને પણ ડોલાવી શકે છે. માટે પવિત્ર બનો, સેવાભાવી થાવ, અને બહાદુર બનો. અને પછી જુઓ કે જગત તમારાં ચરણોમાં ઝૂકે છે કે નહિ. તમારા વેદો અને તમારા ઉપનિષદો પણ પોકારી પોકારીને કહે છે કે, मा  भी અર્થાત ભય ના રાખશો. નિર્ભય બનીને આ સંસારમાં વિચરણ કરજો. પરંતુ નિર્ભય બનવું એ કાંઈ રમતવાત છે કે ? ડરપોક કદી નિર્ભય બની શકે છે ? નિર્ભય બનવા માટે બલ જોઈએ, આત્મબલ જોઈએ, અને એટલા માટે જ જે શાસ્ત્રો ભય ના રાખવાનો ઉપદેશ આપે છે, તે જ શાસ્ત્રો બળવાન બનવાની પણ ભલામણ કરે છે. बलं उपास्व બળની ઉપાસના કરો, અથવા તો બધી જાતની નબળાઈઓને ખંખેરી કાઢીને આત્મબળની મૂર્તિ બનો.

એ શબ્દોનો ઉદ્ ઘોષ કરનાર વેદાંતકેસરી વીર વિવેકાનંદ પહેલેથી જ એ ઉપદેશની મૂર્તિરૂપ હતા. લગભગ છ વરસ સુધી એમણે દેશમાં એક અજ્ઞાત પ્રવાસી તરીકે પરિભ્રમણ કર્યું. એ વખતનો એક પ્રસંગ એમની અંદર રહેલા એ ગુણોને પ્રકટ કરવા માટે પૂરતો થશે.

એ વખતે વિવેકાનંદ રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા. ડબામાં એમની સાથે બીજા ત્રણ અંગ્રેજ યુવાનો બેઠા હતા. વિવેકાનંદને જોઈને એ યુવાનો હસતા ને મશ્કરી કરતા હતા. વિવેકાનંદ એમની ભાષાને સમજતા. છતાં પણ જાણે કે ન સમજતા હોય તેમ, કોઈ પણ પ્રકારનો ઉત્તર આપ્યા વિના, શાંતિથી બેસી રહેલા. વિવેકાનંદના ભગવાં વસ્ત્રો અને એમના ઊતરી ગયેલા વદનને જોઈને ઠઠ્ઠામશ્કરી કરનારા એ અંગ્રેજોને જોઈને સ્વામીજીને કાંઈનું કાંઈ થઈ ગયું. અંગ્રેજીમાં ઉત્તર આપવાનું એમને માટે મુશ્કેલ ન હતું. છતાં પણ એ ઉત્તર નહોતા આપતા. પેલા અંગ્રેજ યુવાનોને એમ હતું કે સ્વામીજી અંગ્રેજી નથી જાણતા. એટલે એ વિવેકાનંદની ને ભારતની આધ્યાત્મિકતાની ઠેકડી ઉડાવ્યે જતા’તા.

રેલવે આગળ ને આગળ દોડ્યે જતી હતી.

એમ કરતાં કોઈક સ્ટેશન આવી પહોંચ્યું.

ટ્રેન ઊભી રહી એટલે વિવેકાનંદે સ્ટેશન માસ્ટર પાસે પાણી માગ્યું.

સ્ટેશન માસ્ટરે પાણી આપ્યું. વિવેકાનંદે પાણી પીધું અને ટ્રેન ફરી ઉપડી.

પરંતુ વિવેકાનંદની સ્ટેશન માસ્ટર સાથેની વાતચીત સાંભળીને, પેલા અંગ્રેજ યુવાનોને થયું કે સ્વામીજી તો અંગ્રેજી જાણે છે.
બસ. પછી તો કહેવું જ શું ?

એમને ભારે દિલગીરી થઈ.

છેવટે એમણે કહેવા માંડ્યું : સ્વામીજી ! અમે તમારી આટલી બધી મશ્કરી કરી તે છતાં પણ તમે કેમ કશું ન બોલ્યા ? અને મૂંગા રહ્યા ?

વિવેકાનંદ હવે બોલી ઊઠ્યા : ‘છોકરાઓ ! તમારા જેવા મૂર્ખશિરોમણીઓને મળવાનો અવસર મારા જીવનમાં આ કાંઈ પહેલો નથી. એટલે હું તમારા જેવાથી ટેવાઈ ગયો છું. પછી શું બોલું ?’

પેલા અંગ્રેજો તો ધૂંઆપૂંઆ થઈ ગયા. વિવેકાનંદને મારવાને માટે તૈયાર થયા.

પરંતુ વિવેકાનંદ પણ ક્યાં પાછા પડે એવા હતા ?

ઝબ્બાની બાંયને ઊંચી ચડાવીને એ પણ સામનો કરવા માટે તૈયાર થયા. અને પછી તો શું ? એમનું માંસલ, તેજોમય શરીર જોઈને, પેલા યુવાનો સામનો કરવાનો વિચાર માંડી વાળીને, પોતપોતાની સીટ પર બેસી ગયા.

નિર્ભયતા અને બળનો વિજય થયો. પશુબળનો નહિ, પરંતુ આત્મબળનો.

આગળના સ્ટેશને વિવેકાનંદ ઊતરી પડ્યા.

એ જ મહાપુરૂષે પોતાની પ્રતાપી વાણીમાં આગળ પર કહેલું : ઊઠો. કમર કસો. અને બધી પ્રકારની નિર્વીર્યતાને ફગાવી દઈને આત્મોન્નતિના માર્ગમાં આગળ વધો. તમારી ઉન્નતિના માર્ગમાં આવતા મહંતો, ભટ્ટાચોર સાધુઓ, અને વહેમો તથા કુરિવાજોને ઊખેડી ફેંકી દો.

એવા મહાપુરૂષના મુખમાંથી જ એવી વાણી નીકળી શકે અને લોકોના પર અસર પણ તે જ કરી શકે. નિર્ભયતા ને પવિત્રતા એ વિવેકાનંદનો જીવનમંત્ર હતો. આજે એ મંત્રની જરૂર છે. પહેલા કરતાં જરાય ઓછી નહિ, પરંતુ વધારે પ્રમાણમાં.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.