if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તુલસીકૃત રામાયણના સુંદરકાંડમાં એક પ્રસંગ આવે છે. પ્રસંગ નાનો છે, પરંતુ મર્મની દૃષ્ટિએ મોટો છે એટલે એને રજૂ કરીએ છીએ. આજના સંજોગોમાં અને બીજા બધા જ સંજોગોમાં એ પ્રસંગ ઘણો ઉપયોગી થાય એવો છે.

વિભીષણ રામચંદ્રજીનો શરણાગત બન્યો, અને રામચંદ્રજીએ પ્રસન્નતાના પારાવારમાં વિભીષણને સત્કારવા સારું સમીપવર્તી સમુદ્રનું સલિલ મંગાવીને અત્યંત પ્રેમપૂર્વક રાજતિલક કર્યું.

એ પછી સુગ્રીવ અને વિભીષણને પૂછ્યું કે વિશાળ વારિથી ભરેલા સમુદ્રને કેવી રીતે તરવો ? જુદી જુદી જાતના મગર, સાપ તથા માછલાં અને બીજાં જલચર, જીવોથી ભરપૂર સમુદ્રને પાર કરવાનું કામ કોઈ રમત વાત નથી. અને જ્યાં સુધી સમુદ્રને પાર ન કરાય ત્યાં સુધી સામે કાંઠે પહોંચાય નહીં. અને સામે કાંઠે ન પહોંચાય ત્યા સુધી લંકાની અશોક વાટિકામાં રહેતી સીતાને પાછી પણ કેવી રીતે મેળવાય ? એ પ્રમાણે બધી જ યોજના પડી ભાંગે, કોઈ પણ કામમાં સફળ ન થવાય. માટે સૌથી પહેલાં તો સમુદ્રને તરવા માટેનો માર્ગ શોધવો જોઈએ.

વિભીષણે રામચંદ્રજીને કહ્યું કે જો તમે ધારો તો તમારા એક જ બાણથી કરોડો સિંધુને પણ સૂકવી શકો એમ છો, એટલે સિંધુને પાર કરવાની તમારે ચિંતા કરવાની જરૂર નથી. છતાં પણ શાસ્ત્રોમાં એવી નીતિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જો શાંતિથી પતતું હોય તો શસ્ત્રોનો આધાર ન લેવો. શાંતિપૂર્વકની વાટાઘાટોથી જે સમાધાન થાય છે તે ઉત્તમ હોય છે. માટે તમે સિંધુની પાસે જઈને પ્રાર્થના કરો, તેમ જ પ્રાર્થના દ્વારા એને સમજાવવાનો પ્રયાસ કરો, કે એ તમને માર્ગ કરી આપે. સાગર આમ પણ શાંતિવાદી, મર્યાદામાં રહેનારો, ને મિત્રતાની ભાવનાવાળો છે, એટલે તમારી વાતને જરૂર માનશે, એવો મને તો વિશ્વાસ છે. છેવટે તે કોઈ ઉપાય તો બતાવશે જ કે જેનું આલંબન લઈને આપણે તેને તરી જઈશું.

રામચંદ્રજીને વિભીષણની સલાહ ગમી.

એમણે કહ્યું : પ્રારબ્ધ જો અનુકૂળ હોય તો રસ્તો નીકળી પણ જાય.

પરંતુ લક્ષ્મણને વિભીષણની વાત ના રુચી. એટલે એ બોલી ઊઠ્યો : પ્રારબ્ધનો શો ભરોસો ? દૈવ કે પ્રારબ્ધને આધારે કાંઈ બેસી ન રહેવાય. ધનુષ્ય પર બાણ ધારણ કરો એટલે સમુદ્ર આપોઆપ સીધો થઈ જશે. સમુદ્રને સૂકવી નાખો એટલે રસ્તો આપોઆપ મળી જશે.

પણ રામચંદ્રજી આરંભમાં જ એવું ઉગ્ર પગલું ભરે તો તે રામચંદ્રજી શેના ? એ તો મૈત્રીભાવથી ભરેલા ને વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માનનારા હતા. કોઈક શાંતિવાદી કરે એવી રીતે એમણે સાગરની સામે અહિંસક સત્યાગ્રહ કરવાનો વિચાર કર્યો. સત્યાગ્રહ ? હા, સત્યાગ્રહ. રામાયણ વાંચશો તો તમને જણાશે કે સત્યાગ્રહ જમાના જૂનો છે અને અહિંસક પ્રતિકારના સંબંધમાં પણ એવું જ છે. તે પણ પ્રાગૈતિહાસિક કાળથી ચાલ્યા આવે છે. પછી તે વ્યક્તિગત હોય કે સમષ્ટિગત તેની વાત જુદી છે.

રામચંદ્રજીએ તો સમુદ્રના તટ પર દર્ભાસન બિછાવ્યું, અને એના પર આસીન થઈને સમુદ્રને વિનવવાની શરૂઆત કરી. સમુદ્રનો હૃદયપલટો કરવાની એમની ઈચ્છા હતી. એ ઈચ્છાથી પ્રેરાઈને પૂરા ત્રણ દિવસ સુધી એ ભૂખે ને તરસે એક જ આસન પર બેસી રહ્યા. પરંતુ સમુદ્રનું રુંવાડુંય ન હાલ્યું. બધો જ પરિશ્રમ માથે પડ્યો કે નકામો ગયો ત્યારે એમની ધીરજ ખૂટી, અને હાથમાં ધનુષ્ય ધારણ કરીને એ બોલ્યા કે ત્રણ ત્રણ દિવસના અનુભવને અંતે મને પદાર્થપાઠ મળ્યો છે કે નિર્માલ્ય માણસોને કશું જ નથી મળતું. જ્યાં સુધી ભય કે બહાદુરી ન બતાવો ત્યાં સુધી જે જડ છે તે તમારી સાથે પ્રીતિ કરતા જ નથી. તે શાંતિની ભાષાને નથી સમજતા. મિત્રતા ને સ્વાર્થની સિદ્ધિ પૂરતી જ મહત્વની માને છે તથા તમારી ભલમનસાઈનો ગેરલાભ લેવા સદાય તૈયાર રહે છે. તે તમારી શાંતિને તમારી નબળાઈ માને છે અને વાટાઘાટોને કે સમાધાન કરવાની વૃત્તિને ખુશામત સમજે છે, તેમજ એમના પગ મજબૂત કરવાની ને એને વિસ્તારવાની તક ગણે છે.

શઠની સામે સત્યનો આગ્રહ ભલે હોય, પરંતુ શસ્ત્રનો સંન્યાસ કે શરણે થવાની વૃત્તિ ન હોય. એનો તો વીરને છાજે એવી રીતે હિંમતપૂર્વક મુકાબલો કરવાનો હોય. ત્યારે જ એ નમે, આપણી ગણતરી કરે, સામે ચઢીને વાટાઘાટો કરવા આવે, અને શાંતિના કોલકરાર કરે. ત્યારે જ એ બધાને માટે બાધ્ય બને તે સિવાય તો એ આપણને લેખામાં પણ ના ગણે તેમજ ડગલે ને પગલે પદદલિત કે અપમાનિત કરે. આપણને તો ઠીક પરંતુ આપણી સાથે સંકળાયેલા બીજા બધાની જિંદગીને, સ્વતંત્રતાને, સુખાકારીને, સમૃદ્ધિ કે સંપત્તિને અને સંસ્કૃતિને જોખમમાં મૂકી દે. એવા જડ ને શઠનો વિશ્વાસ ન કરાય. એમના વચન ને વર્તનમાં વધારે પડતો ભરોસો ન મૂકાય. તેમજ એમની સાથેના વ્યવહારમાં ગાફેલ પણ ન રહેવાય. ધીમે ધીમે ને ક્રમેક્રમે એ પોતાનો અધિકાર વધારતા જાય, અને આખરે એક દિવસ જો એવા ને એવા જ અતિ ભલા ને ગાફેલ રહીએ તો આપણા સર્વ સત્તાધીશ બની જાય. ગુલામી ને લાચારીની કિંકર્તવ્ય વિમૂઢતાની બેડીમાં આપણે એવા તો જકડાઈ જઈએ કે વાત નહીં. એમાંથી મુક્તિ મેળવવાનું તો શું પરંતુ મુક્તિ મેળવવાના પ્રયાસો કરવાનું પણ આપણને ભારે થઈ પડે.

રામચંદ્રજીની વિચારસરણી કે નીતિનું એ પરિવર્તન લક્ષ્મણને રુચ્યું, ખૂબ જ રુચ્યું. રામચંદ્રજીના વચન સાથે એ સંમત થયો.

રામચંદ્રજીએ કહ્યું : લક્ષ્મણ ! અગ્નિની વર્ષા કરનારું બાણ મારીને, સિંધુને હું ઘડીના છઠ્ઠા ભાગમાં જ સૂકવી નાખું છું. શઠની સામે વિનય, કુટિલની સાથે પ્રીતિ, કંજૂસની સાથે ઉદારતા, મમતા કે આસક્તિવાળાની સાથે જ્ઞાનની વાર્તા, લોભી પાસે વૈરાગ્ય અને ક્રોધી તથા કામીની પાસે શાંતિનો ઉપદેશ કે શ્રીહરિની કથા જેમ નિરર્થક થાય છે, તેમ સિંધુની પાસે પ્રાર્થના ને તપ વ્યર્થ છે.
બસ પછી તો શું ?

રામચંદ્રજીએ ધનુષ્ય ચઢાવ્યું.

એના પ્રભાવથી જલ શોષાવા લાગ્યું, ને જલચરોનો સમૂહ આકુળવ્યાકુળ બની ગયો.

પછી તો સમુદ્ર ગભરાયો.

પરિસ્થિતિ સમજી જઈને તેણે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું, અને સોનાના થાળમાં ભાતભાતનાં રત્નો, માણેક, મોતી, વગેરે લઈને અભિમાનને તિલાંજલિ આપીને એ રામચંદ્રજીની આગળ ઉપસ્થિત થયો. પોતાના અવિનય તથા પોતાની જડતાને માટે એણે માફી માગી.

પછી તો વાનરોની સેના પાર ઊતરે તેવો ઉપાય એણે તરત જ બતાવી દીધો. એણે કહ્યું કે તમારી સેનામાં નલ અને નીલ નામના બે ભાઈઓ છે. તેમણે બાલ્યાવસ્થામાં ઋષિનો આશીર્વાદ મેળવ્યો છે. એ આશીર્વાદને લીધે, તેમના સ્પર્શ કરેલા પથ્થરો પાણીમાં તરશે. એ રીતે સમસ્ત સમુદ્રને સેતુ બાંધીને પાર કરી શકાશે. એ કાર્યમાં હું પણ મારાથી બનતી સહાય કરીશ.

શ્રી રામનાં શ્રીચરણોમાં પ્રણામ કરીને, એ પછી, સમુદ્રે વિદાય લીધી.

રામચંદ્રજીએ નલ તથા નીલની મદદથી સમુદ્ર પર સેતુને બાંધ્યો અને વાનરોની સેના સાથે સામે કિનારે મુકામ કર્યો.

રામાયણની આ કથાનો સાર શાંતિથી સમજવા જેવો છે. કથાને રચાયે તો વરસો વીતી ગયાં છે, પરંતુ એનું રહસ્ય હજુ પણ જૂનું નથી થયું. જીવન જીવવાની કળાનું એમાં સરવૈયું છે. હૃદયમાં જડ, શઠ, અપરાધીને માટે સહેજ પણ દ્વેષ કે તિરસ્કારનો ભાવ રાખ્યા વિના, તેની સામે કેવી હિંમત ને બહાદુરીપૂર્વક મોરચો માંડી શકાય છે, એ વાત પણ શ્રીરામચંદ્રજીએ પોતાના વર્તન દ્વારા સિદ્ધ કરી બતાવી છે. એને આપણે જીવનમાં વણી લઈએ તો જરૂર લાગે ત્યાં ને ત્યારે પ્રતિકાર કરીએ, પરંતુ જેનો પ્રતિકાર કરીએ છીએ તેને માટે સદ્ ભાવની લાગણી પણ જાળવી રાખીએ.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.