if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કાદવમાં કમળ નથી પ્રકટતાં એવું થોડું છે ? કાંટાની આજુબાજુ થઈને જ ગુલાબની કોમળ પાંખડીઓ પોતાનું પ્રસન્ન ને પ્રેરક સ્મિત વેરતી પ્રકટી કે ખીલી ઊઠે છે.

આકાશના અસીમ, અગાધ અંધકારમાં, ચંદ્ર તથા તારાગણ પોતાની પરમ દીપ્તિથી પ્રકાશી ઊઠે છે.

રણમાં વનસ્થલી, અને ક્ષારથી ભરેલી મહોદધિમાં મોતીની સૃષ્ટિ થાય છે, એ પણ સર્વવિદિત છે.

એવી રીતે ઘોર કહેવાતા કલિકાળમાં પણ, ભારતમાં એવા એવા મહામહિમાવાન, સાચા સંતપુરૂષોનો ઉદય થઈ રહ્યા છે, જેમના દર્શન શ્રવણથી આપણને અત્યંત આનંદ થાય છે. ધર્મને સંસ્કૃતિના એ સૂત્રધારો, ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં જ્યોતિર્ધર બનીને જીવી રહ્યા છે. દેશને માટે એ ગૌરવરૂપ છે.

છેલ્લાં સો વરસોમાં એવા જે કેટલાક વિરલ જ્યોતિર્ધરો થયા, એમાંના એક શ્રી રમણ મહર્ષિ.

એ તો મહાન હતાં જ. પરંતુ એમના જીવનકાળ દરમિયાન, એમના આશ્રમમાં એક બીજા મહાપુરૂષ આવતા - યોગી રામૈયા. એ પણ સાધનાની સિદ્ધિની ઊંચી કોટિએ પહોંચ્યા હતા. રમણાશ્રમમાં એ અવારનવાર આવીને દિવસો સુધી નિવાસ કરતા. સાધારણ રીતે સૌના તરફ નિર્વિકાર કે નિશ્ચલ ભાવે જોનારા મહર્ષિ, યોગી રામૈયા પ્રત્યે અત્યંત પ્રેમ રાખતા ને રામૈયા હોલમાં પ્રવેશતા ત્યારે એમને નિહાળીને સ્મિત કરતા.

પોલ બ્રન્ટન નામે ભારતના યોગીપુરૂષોની શોધમાં આવેલા પરદેશી જિજ્ઞાસુને, યોગી રામૈયાનું પ્રથમ દર્શન ત્યાં જ થયું. શ્રી રમણ મહર્ષિના આશ્રમમાં રામૈયાને જોઈને એ ખૂબ જ પ્રભાવિત થયા. એ આવેલા તો રમણ મહર્ષિના સાન્નિધ્યમાં થોડોક વખત રહીને શાંતિ મેળવવા માટે પરંતુ રામૈયાના દર્શનથી એમને થયું કે આ પણ કોઈ સામાન્ય પુરૂષ નહિ, પણ પુરૂષરત્ન કે સાધકદશાને વટાવીને સિદ્ધાવસ્થાએ આરૂઢ થયેલા કૃતકામ સંતપુરૂષ છે. એમના દર્શનને એમણે પોતાનું પરમ સૌભાગ્ય માન્યું, અને મનમાં એમનો વિશેષ સંપર્ક સાધવાનો સંકલ્પ કર્યો.

રામૈયા પણ એમની તરફ ટકટકી લગાવીને જોઈ રહ્યા.

એક દિવસ સવારે ભોજનાદિથી નિવૃત્ત થઈને, પોલ બ્રન્ટન પોતાના ઉતારા પર આવ્યા, ને બારણું ઉઘાડીને ઉતારામાં પ્રવેશ કરવા પ્રવૃત્ત થયાં ત્યાં તો ભયભીત બની ગયા. એમની છાતીના ધબકારા વધી ગયા. અંદર જવાની એમની હિંમત ના ચાલી અને બહાર આવીને બારણાં પાસે જ ઊભા રહ્યા. શું કરવું એ ના સમજાવાથી, કિંકર્તવ્યવિમૂઢ બનીને એ આમ તેમ જોવા લાગ્યા.

એટલી વારમાં ત્યાંથી યોગી રામૈયા પસાર થયા. રમણ મહર્ષિની પાસેથી વિદાય થઈને, એ બાજુના અરૂણાચલ પર્વત પરની વિરૂપાક્ષી ગુફામાં જવા તૈયાર થયા હતા.

પોલ બ્રન્ટનને બહાર ઊભેલા જોઈને એ એમની પાસે આવ્યા. પોલ બ્રન્ટનની ઓરડીમાં દૃષ્ટિપાત કરીને એ બધી વાત સમજી ગયા. એ ડર્યા વિના સીધા જ આગળ વધ્યા, એટલે બ્રન્ટને કહ્યું કે અંદર ક્યાં જાવ છો ? અંદર તો સાપ છે !

ખરેખર, ઓરડીમાં પડેલા બ્રન્ટનના બિસ્તરા પર કાળો ભમ્મર જેવો સાપ પડ્યો હતો. એટલે જ બ્રન્ટનની હિંમત પડી ભાંગી હતી. સાપ જેવા ઝેરીલા પ્રાણીનો એમને વિશ્વાસ નહોતો આવતો. કદાચ કરડી પડે તો ?

પણ યોગી રામૈયાને સાપનો કે કશાનો ક્યાં ભય હતો ?

એ તો સીધા અંદર ચાલ્યા. સાપે એમને દેખીને મસ્તક ઊંચું કર્યું રામૈયાએ કમંડલમાંથી પાણી લઈને એના પર છાંટ્યું. અને પછી જાણે કોઈ આજ્ઞાંકિત સેવક હોય તેમ, સાપ સડસડાટ કરતો બહાર નીકળ્યો, તથા પર્વત તરફ ચાલ્યો ગયો.

સાપ ગયો ત્યારે બ્રન્ટનને નિરાંત થઈ.

પરંતુ યોગી રામૈયાની અસાધારણ શક્તિએ એમને આશ્ચર્યચકિત કરી દીધા.

એક મનુષ્યની અંદર શું આટલી બધી શક્તિ હોઈ શકે ? પોતે એ શક્તિનું વર્ણન શાસ્ત્રોમાં વાંચ્યું હતું છતાં પણ એમાં શ્રદ્ધા ન હતી થઈ. આજે એ શક્તિથી સંપન્ન મહાપુરૂષો પણ છે! એવા મહાપુરૂષોના દર્શનની ઈચ્છાથી જ પોતે આ વિશાળ દેશનું પરિભ્રમણ આરંભ્યું હતું ને ? એ મહાપુરૂષોની સ્મૃતિ કરાવનાર શ્રી રમણ મહર્ષિના દર્શનથી તો એમને આનંદ થયો હતો, પરંતુ યોગી રામૈયાનું દર્શન પણ એમને માટે ઓછું આનંદદાયક ના થયું. આવા મહાપુરૂષોની માતૃભૂમિ ભારત માટે એમને માન ઉત્પન્ન થયું.

આ બધું કેવી રીતે શક્ય બન્યું તે વિશે એમણે રામૈયાને પ્રશ્ન કર્યો, તો ઉત્તરમાં રામૈયાએ સ્મિત કર્યું. રામૈયા મૌનવ્રત્ત પાળતા હતા. છતાં પણ એમણે આંગળીથી નીચે જમીન પર લખ્યું. વાસુદેવ: સર્વમ્ ઈતિ

એટલે કે સંસારમાં જે છે તે બધું પરમાત્મા જ છે. એ ભાવનાના પ્રતીકરૂપે જીવન જીવવાથી ભેદભાવનો અંત આવે છે, ભય ભાંગી જાય છે, રાગદ્વેષ થતા નથી, ને નિર્વેરતા સહજ બને છે.

ભારતના પ્રાચીન યોગસામર્થ્યના અર્વાચીન સંસ્કરણ સમા એ મહાપુરૂષની વાતને સાનમાં સમજી બ્રન્ટનને અત્યંત આનંદ થયો. યોગી રામૈયા તો અરૂણાચલ પર્વત તરફ જવા માંડ્યા, પરંતુ પોલ બ્રન્ટન પણ એમના સાન્નિધ્યની ઈચ્છાથી એમની પાછળ પાછળ ચાલી નીક્ળ્યા.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.