if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાંસારિક સુખોપભોગની લાલસા, અને એ લાલસાની પૂર્તિ માટેના ભરચક પ્રયાસ, આ યુગમાં જોવા મળે છે એવું નથી. રામાયણ, મહાભારત અને ભાગવત કાળમાં પણ એવી લાલસા અને એ લાલસાની પરિતૃપ્તિ માટેના પ્રયાસો દૃષ્ટિગોચર થતા હતા. એની ઝાંખી આપણને એ કાળની પરંપરાગત કથાઓ પરથી સહેજે થઈ રહે છે.

એ કથાઓ છે જૂની, પરંતુ એમનું રહસ્ય આજે પણ એટલું જ ઉપયોગી છે. એ દૃષ્ટિબિંદુથી જોઈએ તો એ નિત્યનવી છે. એમની અંદર જે પદાર્થપાઠ ભર્યો છે, તે પહેલાની જેમ આજે પણ એટલો જ કિંમતી છે. એમની અંદર એવી પ્રાણદાયક પ્રેરણાસ્પદ સામગ્રી ભરેલી છે જે પ્રત્યેક દેશ, કાળ, કે વ્યક્તિને કામ લાગે. એટલા માટે જ એ કથાગ્રંથોને નિત્યનૂતન, ચિરંજીવ અને સનાતન કહેવામાં આવે છે. યુગો બદલાય છે, પરંતુ એમનું આકર્ષણ નથી ઓસરતું. એમનું જીવનઉપયોગી તત્વ જર્જરિત પણ નથી બનતું અને એના પ્રત્યે અરુચિ પણ નથી થતી.

ભાગવતમાં એવી જ એક જીવનોપયોગી રહસ્યથી ભરપૂર કથા છે.

યયાતિ રાજાએ ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાની સુંદર અને પ્રાણપ્રિયા પત્ની સાથે અનેક પ્રકારના ભોગવિલાસ કર્યા. એ ઉપરાંત અનેક પ્રકારના સુખોપભોગનો આસ્વાદ લીધો. રાજા યુવાન હતો, અને યુવાનીને આંધળી કહે છે એ સાચું હોય કે નહિ, પરંતુ રાજાને માટે તો એ સાચું ઠર્યું. કારણ કે કોઈપણ પ્રકારના ઊંડા વિવેક કે વિચાર વિના એ સંસારરસના પ્રમત્ત પ્રવાહમાં તણાવા માંડ્યાં. યુવાની અને સુખોપભોગ વિના સંસારમાં બીજું કાંઈ હોય જ નહિ એવી રીતે વર્તવા લાગ્યા.

પરંતુ યુવાની કાંઈ સ્થાયી થોડી છે ?

જીવનની કોઈ યે અવસ્થા અને સમસ્ત જીવન પણ સ્થાયી નથી. માણસ એથી ભરમાઈને ભાન ભૂલે છે, એ એનું અજ્ઞાન છે. ચોમાસાના દિવસો દરમિયાન નદીમાં આવતાં ઘોડાપૂર જેવી માદક, આકસ્મિક અને તોફાની યુવાનીના પૂર આખરે ઓસરી જાય છે. યુવાનીનો ભાન ભૂલાવનારો કે ભ્રાંત કરનારો કામચલાઉ ચળકાટ શમી જાય છે અને વૃદ્ધાવસ્થાના ઓળા જીવનમાં ઊતરી પડે છે.

સમસ્ત સૃષ્ટિ જ જ્યાં એ ક્રમનું અનુકરણ કરતી હોય ત્યાં રાજા યયાતિ એમાંથી કેવી રીતે બાકાત રહી શકે ? કુદરત એને બાકાત રાખી શકે જ કેવી રીતે ? રાજા હોય કે રંક હોય. અને વિદ્વાન હોય કે અવિદ્વાન, કુદરતના કાનૂન તો સૌને લાગુ પડે છે. દરિદ્ર કે અમીર કોઈપણ એની અસરમાંથી છૂટી શકતા નથી.

યયાતિ રાજા વૃદ્ધાવસ્થાનો શિકાર બન્યા. એટલે એમના શરીરની તથા એમની ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ. તો પણ એમની ભોગલાલસા નહોતી મટી. એ તો હજી અતૃપ્ત જ હતી, ને દિવસે દિવસે વધતી જતી હતી. વૃદ્ધાવસ્થા પણ બે જાતની હોય છે, ને ? શરીરની તથા મનની. શરીર વૃદ્ધ થાય પણ મન ન થાય તો ઉપાધિ કરે કે આફત આણે છે, યયાતિને માટે એ જ સમસ્યા ઊભી થઈ. એને થયું કે મારી વૃદ્ધાવસ્થા લઈને કોઈ મને બદલામાં યુવાવસ્થા આપી શકે તો હું લાંબો વખત લગી સંસારના ભોગો ભોગવી શકું.

પરંતુ એવી રીતે પોતાની યુવાવસ્થાનો વિનિમય બીજું કોણ કરી શકે ?

રાજાના મોટા તથા વચલા પુત્રે તો એ માટે ઘસીને ના પાડી. પરંતુ સૌથી નાનો પુત્ર માની ગયો. એણે રાજાની વૃદ્ધાવસ્થા સ્વીકારીને પોતાની યુવાની સમર્પિત કરી.

બસ. પછી તો શું કહેવું ?

રાજા યયાતિ એ નવપ્રાપ્ત યૌવનને લઈને ફરી પાછા ભોગવિલાસમાં ડૂબી ગયા.

પરંતુ લાંબા વખતના ઈન્દ્રિયોપભોગ પછી પણ એને તૃપ્તિ ન થઈ ત્યારે એને વિષયો પરથી કંટાળો આવ્યો. એનું મન ઉપરામ થઈ ગયું. એને થયું કે ઈન્દ્રિયોની વિશાળ વાસનાભૂખને શાંત કરી શકાય એમ છે જ નહિ. એની લાલસા વધતી જાય છે. એટલે એનો ત્યાગ કરવો એ જ બહેતર છે. કામનાઓના ઉપભોગથી શાંતિ મળતી નથી, પરંતુ અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધતો જ જાય છે, તેમ કામના વધતી જાય છે. એવો વિવેકરૂપી સૂર્યોદય એના અંતરઆકાશમાં પ્રગટ થયો. આ રહ્યો એ વિવેકને વ્યક્ત કરતો શ્લોક -

न काम: कामभोगानामुपभोगेन शाम्यति ।
हविषा कृष्णवत्मै व भूय एवाभिवर्धते ॥

યયાતિએ પુત્રને બોલાવીને એની યુવાવસ્થા પાછી સોંપી ને વૃદ્ધાવસ્થા લઈ લીધી.

ભોગોમાં દોષબુદ્ધિ, જોઈને એમની અંદરથી મનને ઉપરામ કરવું એ જ માત્ર આત્યંતિક શાંતિનો સાધનામાર્ગ છે. ભાગવતની આ કથા આપણને એ રહસ્યમંત્રનો ઉપદેશ આપે છે. એ કથા વરસોથી વહેતી આવે છે. પરંતુ કેટલાકે એ મંત્રને જીવનમાં ઉતાર્યો છે તે પ્રશ્ન છે. જે ઉતારશે તે શાંતિ મેળવશે એ ચોક્કસ છે. ભોગની પણ ત્યાગથી જ શાંતિ મળે છે એ શાસ્ત્રોનો આદેશ છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.