શિવપુરાણના પાંત્રીસમા તથા છત્રીસમા, એમ બે અધ્યાયમાં ગણપતિ અને કાર્તિક સ્વામીની કથા છે. એ કથા અત્યંત રોચક અને સારવાહી છે.
શંકરના પુત્ર ગણપતિ અને કાર્તિક સ્વામીને લગ્ન કરવાની ઈચ્છા થઈ. એ ઈચ્છા એમણે શંકર અને પાર્વતીની પાસે પ્રદર્શિત કરી.
શંકર તથા પાર્વતીને પણ બંને પુત્રો પર પ્રેમ હતો. બંનેનું લગ્ન કરવાની એમને પણ ઈચ્છા તો હતી જ. છતાં પણ બંનેની કસોટી કરીને બંનેની યોગ્યતા જાણવાનો એમણે વિચાર કર્યો.
એ વિચારથી પ્રેરાઈને એમણે કહ્યું કે તમારા બંનેમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સૌથી પહેલો પાછો આવશે તેનુ લગ્ન પહેલું કરીશું.
એ પ્રસ્તાવ સાંભળીને કાર્તિક સ્વામી તો પૃથ્વીની પરિક્રમા કરવાને માટે તરત જ નીકળી પડ્યા. પરંતુ ગણપતિ ત્યાં જ બેસી રહ્યા. એમણે વિચાર કર્યો કે મારું શરીર શ્થૂલ હોવાથી પૃથ્વીની પરિક્રમા તો શું, પણ લાંબુ ચાલી પણ નહિ શકાય.
એમણે તો એક બીજું જ કામ કર્યું. સ્નાનાદિથી નિવૃત્ત થઈને પોતાનાં માતાપિતાને એમણે આસન પર બેસાડ્યાં, અને એમની પૂજા કરીને સાત વાર પ્રદક્ષિણા કરી, પોતાના લગ્નને માટે પ્રાર્થના કરી.
માતાપિતાએ ગણપતિને કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની સૂચના કરી તો એમણે સ્પષ્ટીકરણ કર્યું કે મેં એક વાર નહિ પરંતુ સાત વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી. શાસ્ત્રોમાં કહ્યું છે કે માતાપિતામાં સર્વે તીર્થો વાસ કરે છે, અને એમની પૂજા તથા પ્રદક્ષિણા કરનારને સમસ્ત પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે, એ વચનનો મેં અમલ કર્યો છે. એટલે મારે સ્થૂલ પૃથ્વીની પ્રદક્ષિણાની આવશ્યકતા નથી રહેતી.
એવા સ્પષ્ટીકરણથી શિવપાર્વતી પ્રસન્ન થયાં. ગણપતિની સૂક્ષ્મ સમજશક્તિની એમણે પ્રશંસા કરી અને એમના લગ્નની તૈયારી કરી. વિશ્વરૂપની સિદ્ધિ તથા બુદ્ધિ નામની બે કન્યાઓ સાથે ગણપતિનો વિવાહ થયો.
શિવપુરાણની એ કથાનું હાર્દ સમજવા જેવું છે. मातृदेवो भव, पितृदेवो भव અર્થાત્ માતાને દેવતા બરાબર માનો, પિતાને દેવતા બરાબર જાણો, એમ કહીને વેદ તથા ઉપનિષદકાળના ભારતીય મહાપુરૂષોએ માતાપિતાની સેવાનો સનાતન સંદેશ પૂરો પાડ્યો જ છે. પરંતુ પાછળથી પુરાણકાળમાં પણ એ ઉપદેશના આધાર પર કહેવાયેલી આવી કેટલીક નાનીમોટી કથાઓ દ્વારા એની પ્રેરણા પૂરી પાડવામાં આવી છે. એ પ્રેરણાને ઝીલીને સૌએ માતાપિતાની સેવા કરવાની છે. માતા ને પિતાને મહાન તીર્થરૂપ કહ્યાં છે. એમનો મહિમા ઘણો મોટો છે. એમનો ત્યાગ, ઉપકાર અને બાળકોના જીવનઘડતરમાં અપાયેલો એમનો ફાળો ઘણો કીમતી છે. એ હકીકતને યાદ રાખવાની જરૂર છે. એમની સ્થૂલ પૂજા કરીને બેસી નથી રહેવાનું પરંતુ એમના સદુપદેશ પ્રમાણે ચાલીને એમને સુખશાંતિ આપવા પ્રયાસ કરવાનો છે. માતાપિતાના પરમભક્ત ગણપતિને એમની પ્રસન્નતાના પરિણામરૂપે સિદ્ધિ ને બુદ્ધિ જેવી સહચરી મળી, તેમ માતાપિતાની સેવાથી સદ્ બુદ્ધિ તો સાંપડે જ છે પણ સાથેસાથે સિદ્ધિ, સંપત્તિ, શાંતિ તથા સુખાકારી ને સમુન્નતિનો રસ્તો પણ ખુલ્લો થાય છે. એવો સંકેત પણ આ નાની સરખી કથા પરથી સહેજે મળી રહે છે. એ સંકેત આપણે સમજીશું ખરા !
- શ્રી યોગેશ્વરજી

