પુરાણોમાં શિવના કામદહનની વાત છે.
તારકાસુરે પોતાના બાહુબળના પ્રભાવથી પૃથ્વી તથા સ્વર્ગમાં ત્રાસ ફેલાવેલો. દેવતાઓએ એને હરાવવા માટે એની સાથે વારંવાર યુદ્ધ કર્યું છતાં પણ એ હાર્યો નહિ અને એનો આતંક વધતો જ ગયો.
તારકાસુરથી ત્રાસેલા દેવતાઓ છેવટે બ્રહ્માની પાસે ગયા.
બ્રહ્માએ એમને કહ્યું કે તારકાસુર અતિશય પરાક્રમી તથા અજરામર છે. એનો નાશ શંકરના પુત્ર સાથેના ભીષણ યુદ્ધ દ્વારા જ થઈ શકશે.
પરંતુ શંકર તો સર્વસંગપરિત્યાગી બનીને સમાધિ ધારણ કરીને બેઠા હતા. એમને સમાધિમાંથી જાગ્રત કેવી રીતે કરવા ? એ જ્યાં સુધી જાગ્રત ના થાય ત્યાં સુધી એમની સાથે લગ્ન માટેની વાતચીત કેવી રીતે કરી શકાય ?
બ્રહ્માએ દેવતાઓને ઉપાય બતાવ્યો કે શંકરની સમાધિ સહેલાઈથી તૂટે એવી નથી. એમની સુદીર્ઘ સમાધિનો અંત આણવા માટે જો કામદેવને મોકલવામાં આવે તો ધાર્યું કામ થઈ શકે.
દેવતાઓએ કામદેવ પાસે પહોંચીને શંકરની સમાધિમાં ભંગ પાડવાની વિજ્ઞપ્તિ કરી ત્યારે શરૂઆતમાં તો કામદેવે અનિચ્છા પ્રદર્શિત કરી પરંતુ પછી દેવતાઓના તથા સમસ્ત સંસારના હિતસાધનમાં સહાયક થઈ શકાશે એ વિચારથી પ્રેરાઈને દેવતાઓને મદદ કરવા એ તૈયાર થયો.
પુષ્પોના ધનુષ્ય સાથે એણે શંકર ભગવાન જ્યાં સમાધિમાં રત હતા તે એકાંત વનમાં પ્રવેશ કર્યો.
પોતાનો પ્રભાવ ફેલાવીને એણે સમસ્ત સંસારને મંત્રમુગ્ધ ને મોહિત કર્યો. એ વખતે સંસારની દશા કેવી બની ગઈ ? બ્રહ્મચર્ય, વ્રત, સંયમ, ધીરજ, ધર્મ, જ્ઞાન ને વિજ્ઞાન, જપતપ, વિવેક, વૈરાગ્ય ને સદાચાર, બધું જ જાણે કે પલાયન થઈ ગયું. સિદ્ધ, વિરક્ત, મહામુનિ તથા યોગી પણ કામવશ બની ગયા તો પછી સાધારણ માણસનું તો કહેવું જ શું ?
પોતાના બાણમાંથી એણે ઉપરાઉપરી અનેક બાણ માર્યાં. તેને લીધે શંકરની સમાધિ તૂટી તો ખરી, પરંતુ ક્ષુબ્ધ થયેલા શંકરે કામદેવતા તરફ દૃષ્ટિ ફેંકીને પોતાનું ત્રીજું નેત્ર ઉઘાડ્યું કે તરત જ કામદેવ ભસ્મિભૂત થઈ ગયો. એના ભસ્મિભૂત થવાથી સંપુર્ણ સૃષ્ટિ કામમુક્ત બની ગઈ.
કામના નાશથી તેની સ્ત્રી રતિ વિલાપ કરવા લાગી. તે જોઈને શંકરે તેને કહ્યું કે હવેથી કામદેવતાનું નામ અનંગ રહેશે અને શરીર રહિત હોવા છતાં તે સૌને વ્યાપશે. વળી યદુકૂળમાં કૃષ્ણાવતાર થશે ત્યારે કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્ન તારો પતિ થશે.
શંકરે ત્રીજું નેત્ર ઉઘાડીને કામદેવને ભસ્મ કર્યો તે ત્રીજું નેત્ર શું છે તે જાણો છો ? એની કલ્પના કરી શકો છો ? એ નેત્ર એટલે સદ્ બુદ્ધિનું, સંયમનું, પ્રજ્ઞાનું, અથવા પરમાત્માને માટેના પ્રેમનું નિર્મળ નેત્ર. આત્માનુસંધાન સાધવાથી, અંદરની દુનિયામાં ડૂબકી મારવાથી, પરમાત્માનો પ્રેમ વધારવાથી ને પરમાત્માનો પરિચય કરવાથી એ નેત્ર ઉઘડે છે, અને વધારે ને વધારે નિર્મળ બને છે. એવા નેત્રથી સંપન્ન માનવ શંકર એટલે કે કલ્યાણકારક દેવતા જેવો બને છે. એને કામવાસના વ્યાપી કે વિચલિત નથી કરી શકતી. આત્મજ્ઞાન અથવા પરમાત્માનો પ્રેમ જ્યાં જાગે છે ત્યાં કામ નથી રહી શકતો. એટલે જ કહ્યું છે કે જ્યાં રામ હોય છે ત્યાં કામની સત્તા નથી રહેતી. એટલે કામવાસનામાંથી મુક્તિ મેળવવા માટે પરમાત્માનું શરણ લઈને જીવનને રામમય, પરમાત્મપરાયણ, કરવાની જરૂર છે. એ ઉપાય જ સર્વોત્તમ છે સૌથી અકસીર ઠરે છે.
- શ્રી યોગેશ્વરજી

