if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહર્ષિ દયાનંદ સરસ્વતીનું બુદ્ધિબળ તો ઊંચું હતું જ, પરંતુ શરીરબળ પણ ઉત્તમ હતું. એ વેદોના પારદર્શી પ્રકાંડ પંડિત હતા અને વેદમંત્રોના રહસ્યને સારી પેઠે સમજતા હતા. એ તો ખરું જ, પરંતુ શરીરે પણ એ એવા જ સુદૃઢ ને સ્વસ્થ હતા. नायमात्मा बलहीनेन लभ्यः । આત્માની પ્રાપ્તિ નિર્બળ માણસને નથી થતી એ ઉપનિષદ વચનના અનુસંધાનમાં એ કહેતા કે શરીરબળ અને આત્મબળ બંનેની આવશ્યક્તા છે. બેમાંથી એકની ઉપેક્ષા કર્યે ના ચાલે.

અને એવું કહીને એ બેસી ના રહ્યા, પરંતુ એ કથનની જીવંત મૂર્તિ બન્યા હતા. નિયમિત વ્યાયામ તથા બ્રહ્મચર્યના પાલનથી એમણે ઉત્તમ પ્રકારની શરીરસંપત્તિ એકઠી કરેલી, જે એમને કેટલીયવાર કામ લાગેલી. એ કહેતા કે નિર્બળ શરીર ને નિર્બળ મન બંને આદર્શ જીવન જીવવા માગનારા મનુષ્યને માટે કલંકરૂપ છે, અને ખાસ કરીને યુવાનોએ તો એમાંથી મુક્તિ મેળવવી જ જોઈએ. યુવાનો અને યુવતીઓએ એમના શબ્દોમાંથી ઘણું શીખવા જેવું છે.

એમના શરીરબળની ઉત્તમતાનો એક પ્રસંગ યાદ આવે છે.

એ વખતે એ કાશીમાં નિવાસ કરતા, ને ધર્મોપદેશ પણ કરતા રહેતા.

એ વખતે એમના કેટલાક વિરોધી લોકોએ એમને મારી નાખવાનો વિચાર કર્યો, અને બેત્રણ કુસ્તી કરનારા પહેલવાનોને એમની સાથે કુસ્તી કરવા તૈયાર કર્યા.

દયાનંદ સરસ્વતી ગંગાકિનારે સ્નાનાદિ કરી રહ્યા હતા ત્યાં પેલા પહેલવાનો આવી પહોંચ્યા.

દયાનંદ પાસે એમણે કુસ્તી કરવાની માગણી કરી.

મહર્ષિ દયાનંદ એમના આવવાનું કારણ સમજી ગયા. એમની બૂરી દાનતથી વાકેફ થતાં એમને વાર ના લાગી. છતાં પણ એમણે શાંતિ રાખી.

થોડીવાર પછી પોતાના ભીના વસ્ત્રને નીચોવીને એમણે કહેવા માંડ્યું : ‘તમે મને કુસ્તી કરવાનું આમંત્રણ આપો છો પરંતુ પહેલાં મારે તમારી યોગ્યતા તો જોવી જોઈએ ! તમારામાંથી જે કોઈ આ કપડાંને નીચોવીને એમાંથી પાણી કાઢી આપે એની સાથે હું કુસ્તી કરવાની તૈયારી કરું.’

પહેલવાનોને પોતાનો દાવ સફળ થયેલો લાગ્યો. એમને થયું કે કપડાને નીચોવીને પાણી કાઢવું એમાં શું ? એ તો હમણાં જ જોતજોતામાં કરી નાખીશું. અને એ પછી....

એમાંના એક પહેલવાને કપડાને નીચોવવા માંડ્યું પરંતુ એના આશ્ચર્ય વચ્ચે પાણીનું ટીપું પણ ના નીકળ્યું.

બીજા પહેલવાનોએ પ્રયત્ન કરી જોયો, પરંતુ તેમના પ્રયત્નની પણ એ જ દશા થઈ.

પહેલવાનો વીલે મોઢે એક બાજુ ઉભા રહ્યા.

ત્યારે મહર્ષિ દયાનંદે કપડાને લઈને નીચોવ્યું તો તેમાંથી પાણીની ધારા નીકળી પડી.

પહેલવાનો સ્તબ્ધ બની ગયા.

દયાનંદે કહ્યું : ‘તમારામાં કપડાને નીચોવવાની જ શક્તિ નથી તો મારી સાથે કુસ્તી કેવી રીતે કરી શકશો ? કુસ્તી તો બરોબરિયાની સાથે જ હોય.’

પહેલવાનો નાહિંમત બનીને, કુસ્તી કરવાનો વિચાર માંડી વાળીને પાછા ફર્યા.

એવું જ અપ્રતિમ એમનું આત્મબળ હતું.

એકવાર રાતે એ પોતાના ખંડમાં સુવાની તૈયારી કરતા હતા ત્યારે વિપક્ષીઓના મોકલેલા બે માણસો તલવાર લઈને એમને મારવા આવી પહોંચ્યા.

એમને જોઈને દયાનંદે સહેજ પણ ડર્યા કે ગભરાયા વિના જોરથી હુંકાર કર્યો. એ સાંભળીને એક માણસ નાસી ગયો, ને બીજો ધ્રુજવા લાગ્યો. એની તલવાર નીચે પડી ગઈ.

દયાનંદે એ તલવાર લઈને કહ્યું : ‘હવે તારૂં મસ્તક ઉડાવી દઉં તો તને કોણ બચાવી શકે તેમ છે ? પરંતુ હું સંન્યાસી છું એટલે તારા જેવો નહિ થઉં. જો તને જવા દઉં છું. હવેથી આવું કામ ના કરતો.’

પેલો માણસ વિદાય થયો ને દયાનંદનો ભક્ત બની ગયો. એણે આવા પ્રતાપી પુરૂષને આજ સુધી જોયા ન હતા.

એ મહાપુરૂષના જીવનમાંથી વર્તમાન પ્રજાએ ઘણું ઘણું શીખવા જેવું છે. દેશને બેઠો કરવા ને જીવનને સમૃદ્ધ ને સુખી કરવા એ બંને બળને કેળવવાની જરૂર છે: શરીરબળ અને આત્મબળ અથવા કહો કે ચારિત્ર્યબળ.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.