ભૂખ્યા માણસને ઘણે વખતે ભોજન મળ્યું તેથી તે પ્રસન્ન થયો. પણ ભાગ્યની ગતિ જુદી જ હતી. જમવાની શરૂઆત કરે તે પહેલા જ તેની આગળ એક કંગાળ માણસ ઉપસ્થિત થયો, ને ભોજનની ભિક્ષા માંગવા માંડ્યો.
ભૂખ્યો માણસ ઉદાર હતો. મળેલું ભોજન તેણે ભિક્ષુકને અર્પણ કરી દીધું. તે દિવસે તે ભૂખે પેટે જ સૂઇ રહ્યો.
વહેલી સવારે તેણે સ્નાન કર્યું, ને મંદિરના દેવતાને માટે ફૂલ લેવા એક આશ્રમના ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ફૂલ લેવાની શરૂઆત કરતાં જ આશ્રમના સાધુએ અવાજ કર્યો:
‘એ મુસાફર, જોજે ફૂલ તોડતો. આ કાંઈ સાર્વજનિક બગીચો નથી.’
સાધુના શબ્દો સાંભળીને, તેનો રોષ જોઈને તે બહાર નીકળ્યો. આશ્રમની બહાર આવીને તેણે ઉપર જોયું તો દરવાજા પર મોટા અક્ષરોમાં લખેલું હતું: ‘વિરક્તાશ્રમ, આશ્રમમાં કેવળ વિરક્ત ને આત્મનિષ્ઠ સંતો જ સંચાલકની રજાથી રહી શકે છે.’
- શ્રી યોગેશ્વરજી