સાપ પવન ખાઈને પેટ ભરે છે, પશુ ઘાસ ખાય છે ને પૃથ્વી પર પથારી કરે છે; તેમ તું પવનનું પ્રાશન કરીને પેટ ભરે, પૃથ્વી પર પથારી કરે, ને ઔષધિનો આહાર કરે, તો પણ શું? વિવેક ને પ્રેમ ના પ્રગટે ને બંધનમાંથી મુક્તિ ના મેળવે, તો તે શું કામનું?
માછલી જળમાં જ જન્મે છે ને મરે છે, ને રણ રેતીથી રંગાઈને ઊઘાડાં રહે છે; તેમ તું નદીમાં ન્હાયા કરે, શરીરે રાખ ચોળે, ને તદ્દન નવસ્ત્રો ફરે, તો પણ શું? સમજ ને શાંતિ ના પ્રગટે ને વાસના, વિકાર ને અહંકાર ના શમે, તો તે શું કામનું?
પશુ ઊભાં ઊભાં ખાય છે, તેમ તું કરપાત્રી થઈને ઊભો ઊભો ખાવા માંડે, ને કેટલાક હિંસક જીવો જંગલમાં એકલા ફર્યા કરે છે તેમ વનમાં એકલો જ વિહાર કરે તો પણ શું? સુમનની જેમ તારામાં સાત્વિકતા, શીલ ને સંયમની સુવાસ ના પ્રગટે, ને મમતા ને મદ ના મરે, તો શું કામનું?
તને કેમ કરીને સમજાવવું કે શાંતિ એ સાધનાનો પ્રાણ ને પ્રેમ તેનું ફાલેલું ફૂલ છે! પૂર્ણતાની અવસ્થાનું અમૃતફળ તારી સાધનામાંથી ના પ્રગટે, ત્યાં સુધી તારું દળદળ ક્યાંથી ટળે, ને જીવનની જડતા ક્યાંથી મરે?
- શ્રી યોગેશ્વરજી