વસંતની વહેલી સવારે મને એક સ્વપ્નું આવ્યું. જાણે હું ઋષિમુનિની સભામાં પહોંચી ગયો. ત્યાં ઋષિઓએ મને પૂછ્યું: ‘શું તમે પૃથ્વી પર જવા તૈયાર છો? માનવ શરીર ધારણ કરવા શું તમે તૈયાર છો?’
મેં કહ્યું: ‘માનવશરીર ધારણ કરીને પૃથ્વી પર જવાથી શું થશે ? શું કોઈ વિશેષ હેતુ સરી શકશે ?’
તેમણે કહ્યું: ‘જરૂર, કોઈને મદદ કરાય, પ્રભુના ગુણાનુવાદ ગવાય, ને પ્રભુની ઝાંખી કરાય.’
ને તેમની સભામાં મેં કહ્યું કે: ‘હું પૃથ્વી પર જરૂર જઈશ, ને માનવ બનીને લોકોને કહીશ કે મુશ્કેલીઓ હોવા છતાં માનવજીવન એટલા માટે જ જીવના ને ચાહવા જેવું છે.’
ને સ્વપ્નું ઊડી ગયું, ત્યારે જ મને ખબર પડી કે હું તો પૃથ્વી પર જ હતો, ને ઈશ્વરે મારી મારફત કદાચ આ જ હેતુ સિદ્ધ કરવા ધાર્યો હતો.
-શ્રી યોગેશ્વરજી