Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાગરે ઝરણને કહ્યું : ‘મારી વિશાળતાનો તને ખ્યાલ નથી. તારા જેવાં કરોડો ઝરણાં ભેગાં થાય તો પણ મારી બરાબરી ના કરી શકે. મારી શક્તિ ને સાહ્યબીનો તને ખ્યાલ નથી. મારી અંદર કેટકેટલા મોતી ભર્યાં છે તેની તને કલ્પના પણ ક્યાં છે ? ને આ વરસાદી વાદળની કાયા પણ મારામાંથી જ તૈયાર થઈ છે. હું ના હોત તો માનવ જીવનમાં મહત્વનું મનાતું મીઠું પણ ક્યાંથી મળી શકત?’

ઝરણે શાંતિથી સ્મિત કરતાં કહ્યું: ‘ભાઈ સાગર, તું ઘણો વિશાળ છે તેની મને ખબર છે. પણ જે મહાન છે તે પોતાની શક્તિનો ગર્વ કરે છે ખરા? બાકી ખરી હકીકત તો એ છે કે તું ખારો છે. તરસ્યાની તરસ તારાથી નહિ પણ મારા જ પાણીથી મટી શકે છે. જીવનથી એટલી સેવા થાય છે તેનો પણ મને સંતોષ છે. ગર્વને ગાળી નાખવા માટે કુદરતે તને ખારો બનાવ્યો છે, ને અમને દીનતા ને નિરાશાથી દૂર રાખવા મધુરતાનું દાન કર્યું છે, એમ મને લાગે છે.’

એ સાંભળીને સાગર શાંત થઈ ગયો. કહે છે કે તેની શાંતિ હજી મટી નથી. તો પણ પુરાણા સંસ્કારની પ્રબળતાને લીધે કોઈકોઈવાર તે મદમાં આવીને તોફાને ચઢી જાય છે ખરો.

- શ્રી યોગેશ્વરજી