Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંગીતના સરોદની સાથે પ્રભુની સ્તુતિ શરૂ થઈને મંદિરનું વાતાવરણ સુમધુર બની રહ્યું. ગાયકો ખૂબ આનંદમાં ગાવા લાગ્યા ને દર્શકો તાલ દઈને તેમને સાથ આપવા માંડ્યા. પર્વતના પ્રદેશના પ્રદેશમાં આવેલા મંદિરમાં સંગીતની સુરાવલિ સાથે સ્તુતિ શરૂ થઈ.

એકાદ કલાકની સ્તુતિથી વાતાવરણ સજીવ બની ગયું. રોજનો કાર્યક્રમ પૂરો કરીને ગાયકો વિદાય થયા, ને દર્શકો પણ વીખરાવા લાગ્યા. મેં પણ પ્રભુને પ્રણામ કરીને ચાલવા માંડ્યું. ત્યાં તો મારા ચરણ અચાનક અટકી ગયાં.

મંદિરની બહારના દરવાજા આગળ એક વૃદ્ધા બે હાથ જોડીને ઊભી હતી. એને જોઈને મારું અંતર અનુરાગથી અંજાઈ રહ્યું. એની મૂક સ્તુતિ ગાયકોની સંગીતમય સ્તુતિથી ચઢિયાતી લાગી : પ્રાણને વધારે પ્રમાણમાં સ્પર્શી ગઈ.

- શ્રી યોગેશ્વરજી