Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આધાર એક મારે સંસારમાં તમારો.

માતાપિતા કુટુંબી સંસાર હોય સારો,
વૈભવ વિલાસ કીર્તિ વિદ્યાતણો ઝગારો;
નીરસ બધું – તમે તો છો પ્રાણ એક મારો;
આધાર એક મારે સંસારમાં તમારો.

જીવું તમારે માટે, યાદી કરું તમારી,
તમને ભજું સ્તવું ને યારી કરું તમારી;
જીવનતણા સુકાની, પ્રેરક બનીને પાળો;
આધાર એક મારે સંસારમાં તમારો.

કોને કહોને સેવું, દિલથી ચહુંય કોને,
સિદ્ધો સમગ્ર દેવો દેખાય દિવ્ય છોને,
કોઈ તમારા જેવું દૈવી નથી, વિચારો;
આધાર એક મારે સંસારમાં તમારો.

કેવી કરો છો રક્ષા, સંભાળ લો છો મારી,
છોડો પળે મને ના, એવી કરી છે યારી,
પ્રેમીને કાજ જીવન આખું તમે તો હારો,
આધાર એક મારે સંસારમાં તમારો.

પામી તમોને મારો આતમ કૃતાર્થ છે આ,
માણી કૃપા તમારી જીવન રસાળ છે હા !
‘પાગલ’ થઈ તમારો પામી ગયો કિનારો,
આધાર એક મારે સંસારમાં તમારો.

(૨૯-૮-૧૯૫૭, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit