Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આશ્રય તમારો મેં તો આનંદ સાથ લીધો,
ને પ્રેમ પાળવાનો છે કોલ દિવ્ય દીધો;
વિશ્વાસ પૂર્ણ મુજને તે દિનથકી થયો શો !
જીવન સદાય મારું સંભાળશો તમે તો.

ચિંતા નથી હવે કૈં ને ભીતિયે ટળી છે,
સંતાપ છે શમ્યા સૌ દારિદ્રયતા મરી છે;
આનંદ આંગણામાં દિનરાત આ થયો હો !
જીવન સદાય મારું સંભાળશો તમે તો.

એ વાતમાં જ કેવી છે શાંતિ, તેમ કેવા
સંતોષની છે જમના ગંગા પવિત્ર રેવા !
મારાસમો મહીમાં સાચે કૃતાર્થ છે કો’ ?
જીવન સદાય મારું સંભાળશો તમે તો.

રક્ષા કરી સદાયે ને ભાવથી ભરીને,
હોડી કિનારે લેશો તોફાનને તરીને;
શાશ્વત તમારી સાથે ઉત્સવ, મહા મને તો,
જીવન સદાય મારું સંભાળશો તમે તો.

(૨૮-૯-૧૯૫૭, શનિવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit