Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જ્ઞાનેશ્વર મહારાજ, તમને વારંવાર પ્રણામ !

સિદ્ધ યતીન્દ્ર સંતમુનિ સેવે માને દેવો તેમ,
માનવની તો ભાવભક્તિ ના ચરણે હોયે કેમ;
અમર તપસ્વી હે મુક્તાત્મા બહુરૂપી બહુનામ !
જ્ઞાનેશ્વર મહારાજ, તમને વારંવાર પ્રણામ !

આજ તમારે મંદિર આવ્યો, અતિથિ બનતાં હું,
અકિંચન છતાં અનુરાગભર્યો, ભાવભરેલો છું;
સત્કાર તમે કરો સ્નેહથી રાખી હૈયે હામ;
જ્ઞાનેશ્વર મહારાજ, તમને વારંવાર પ્રણામ !

નથી તમારા જેવા કોઈ આ જગમાં યોગી,
અખંડ યૌવનવાન વળી છો સિદ્ધિના ભોગી;
કર્યા તમે તો કૈંક જગતમાં અચરજ જેવા કામ;
જ્ઞાનેશ્વર મહારાજ, તમને વારંવાર પ્રણામ !

અવગુણસાગર તોયે આપું અંજલિ હું : પ્રેમે,
રાગ હૃદયનો કહી શકું ના શબ્દોમાં કેમે;
મનોરથ બધા પૂર્ણ કરી દો કાપી ક્લેશ તમામ,
જ્ઞાનેશ્વર મહારાજ, તમને વારંવાર પ્રણામ !

અરજ સુણી લો ‘પાગલ’ની ને પૂર્ણ કરી દો આશ,
અશક્ય નથી કશુંય તમોને હે અખંડ અવિનાશ;
કૃપાસુધા ઢાળી દો સૌ પર યોગી હે કૃતકામ,
જ્ઞાનેશ્વર મહારાજ, તમને વારંવાર પ્રણામ !

(૮-૧૨-૧૯૫૭, રવિવાર. માગશર વદ ૧, આલંદી)

– © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit