Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક સાચી બનેલી પ્રાચીન કથા છે. ગામની એક સન્નારી ખૂબ જ ચિંતાતુર બનીને આજુબાજુ સર્વત્ર શોધ કરી રહેલી. એના ઘરને બંધ કરીને કલાકો પહેલાં એ બહારગામ ગયેલી. ઘરની કૂંચી ક્યાં મૂકવામાં આવી છે તેની માહિતી ના મળવાથી એ અસ્વસ્થ થઈને સઘળે શોધખોળ કરવા માંડી, પરંતુ કુચીનો પત્તો ના લાગ્યો, ત્યારે નિરાશ બની. એ જ વખતે કોઈએ એને જણાવ્યું કે તારા ગળામાં શું લટકે છે ?  એણે જોયું તે એ કુંચી જ હતી. એના આશ્ચર્ય અને આનંદનો અંત ના રહ્યો. એના ઘરને ઉઘાડીને એણે એમાં પ્રવેશ કર્યો.

માનવ પણ આજે શાંતિની શોધમાં છે. શાંતિની પ્રાપ્તિ માટે એ ચારે તરફ પુરૂષાર્થ કરે છે તો પણ એને સંપૂર્ણ સનાતન શાંતિ નથી સાંપડતી. અનેક પ્રકારના પ્રયત્નો પછી એને સમજાય છે અથવા કોઈ સ્વાનુભવસંપન્ન સત્પુરૂષ દ્વારા સમજાવામાં આવે છે કે, જે શાંતિને પોતે શોધે છે અથવા ઝંખે છે એ તો એની અંદર જ છે. એની કૂંચી એની પાસે જ છે. પોતાના દિલમાં ડોકિયું કરવાથી અને આત્માની સાથે અનુસંધાન સાધવાથી એ શાંતિની સંપ્રાપ્તિ સહેલાઈથી, સંપૂર્ણપણે થઈ શકે તેમ છે.

ઉપનિષદ કહે છે :

એકોવશી  સર્વભૂતાન્તરાત્મા, એકં  રૂપં  બહુધા યઃ  કરોતિઃ ।
તમાત્મસ્થં યેડનુપશ્યંતિ ધીરાસ્તેષાં શાંતિઃ શાશ્વતી નેતરેષામ્ ॥

અર્થાત્ જે એક છે, સૌના શાસક છે, ભૂતોના અંતરાત્મા છે, એક હોવા છતાં અનેક રૂપોને ધારે છે, એમને અંતરાત્મામાં અવલોકે છે, તેમને શાશ્વતી શાંતિ સાંપડે છે. બીજાને નથી સાંપડતી.

નિત્યોડનિત્યાનાં ચેતનશ્વેતનાનાં, એકો બહુનાં યો વિદ્ધાતિ કામાન્ ।
તમાત્મસ્થ  યેડનુપશ્યંતિ  ધીરાસ્તેષાં  સુખં  શાશ્વતં  નેતરેષામ્ ॥

એટલે કે અનિત્ય પદાર્થોમાંથી નિત્ય, અચેતનમાં ચેતન, એક હોવા છતાં અનેકની આકાંક્ષાઓની પૂર્તિ કરનારા પરમાત્માને જે બુદ્ધિમાન પુરુષો પોતાની અંદર પેખે છે તેમને જ સનાતન સુખ સાંપડી શકે છે. બીજાને નથી સાંપડી શકતું.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયના ઉપસંહાર વખતે કહેવામાં આવ્યું છે કે ઈશ્વર સર્વ ભૂતોનાં હૃદયપ્રદેશમાં વિરાજે છે. એ પોતાની માયાથી જીવોને યંત્ર પર આરૂઢ હોય તેમ ફેરવે છે. એ ઈશ્વરનું સર્વભાવે શરણ લો. એમના અસાધારણ આલૌકિક અનુગ્રહથી સર્વોત્તમ સનાતન શાંતિની તથા અવિચલ પરમપદની પ્રાપ્તિ થશે.

ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદેશોઙર્જુન તિષ્ઠતિ ।
ભ્રામયન્ સર્વભૂતાનિ યંત્રરૂઢાનિ માયયા ॥
તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારતં ।
તત્પ્રસાદાં પરાશાંતિ સ્થાનં પ્રોસ્યસિ શાશ્વતમ્ ॥

એ શ્લોકોનો સૂચિતાર્થ સ્પષ્ટ છે. પરમાત્મા પરમ શાંતિસ્થ હોવાથી, એમના પ્રત્યે અભિમુખ બનવામાં ના આવે, એમની સાથે સંબંધ રાખવામાં અને એમને ઓળખવામાં ના આવે ત્યાં સુધી સંપૂર્ણ સનાતન સાંતિ સાંપડી શકે નહિ. શાંતિના મંગલ મંદિરને ખોલવાની કૂંચી માનવની પોતાની પાસે છે. એની અંદરનો આત્મા શાંતિસ્વરૂપ છે. એની પાસે જેટલા પ્રમાણમાં પહોચવામાં આવે એટલા પ્રમાણમાં શાંતિથી સંપન્ન બની શકાય. શાંતિનું સાચું રહસ્ય એ જ છે.

- શ્રી યોગેશ્વરજી