if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

યોગી ભર્તૃહરિએ પોતાના વૈરાગ્યશતકમાં કહ્યું છેઃ

यत्रानेकः कवचिदपि गृहे तत्र तिष्ठत्यथैको
यत्राप्येकस्तदनु बहवस्तत्र चान्ते न चैकः ।
इत्यं चेमै रजनिदिवसौ दोलयनि द्वविवाक्षो
कालः काल्या भुवनफलके क्रीडति प्राणिशारैः ॥

અર્થાત્ એક ઘરમાં અનેક માણસો હતાં ત્યાં એક જ દેખાય છે. જ્યાં એક માણસ હતો ત્યાં કેટલાય થયા અને અંતે કોઈ પણ બાકી ના રહ્યું. એવી રીતે રાત અને દિવસના બે પાસા ફેંકતો કાળ પ્રાણીઓરૂપી સોગટીઓથી સંસારરૂપી વિશાળ સનાતન ચોપાટ પર કાળ સાથે ક્રીડા કરે છે.

એ કાળક્રીડાનું એક વિશેષ ચક્ર પૂરું થયું. એના વિશાળ રંગમંચ પરના એક અનોખા અભિનયનો અંત આવ્યો. એનો એક અંક પૂરો થયો. એની ઉપર કામચલાઉ પડદો પડી ગયો. એક વર્ષ -અલબત્ત માનવીય ગણના પ્રમાણેનું એક વર્ષ - પૂરું થયું. નૂતનવર્ષ અથવા બેસતા વર્ષનું એ પર્વ યુગોથી ઉજવાઈ રહ્યું છે તો પણ પુરાણું નથી થયું, નીરસ નથી બન્યું અથવા ઓછું આકર્ષક નથી રહ્યું. આજે પણ એને એવા જ અવનવા આનંદપૂર્વક ઉજવવામાં આવે છે. રોજ મોડા ઉઠનારા માણસો આજના પવિત્ર પર્વ દિવસના માહાત્મયનું સ્મરણ કરીને શાસ્ત્રમર્યાદાનું પાલન કરતા હોય તેમ બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી ગયા હશે, સ્નાનાદિથી નિવૃત્ત થયા હશે, અથવા સાલમુબારક કહીને પ્રસન્ન થયા હશે. નાના-મોટાને પગે લાગ્યા હશે અથવા એમને પ્રણામ કરીને એમના શુભાર્શીવાદ મેળવીને ધન્ય બન્યા હશે. નવા વસ્ત્રો પહેરવાનું, મિષ્ટાન્ન જમવાનું ને મિત્રો મુરબ્બીઓ ને પૂજ્ય પુરુષોને મળવાનું આજે સવિશેષ ધ્યાન રખાયું હશે. આજનો દિવસ એવી રીતે આનંદનો ને ઉત્સવનો હશે.

કાળચક્રનું એક વિશેષ વર્ષ પુરું થયું ને એક વિશેષ વર્ષ આરંભાયું. આપણે એનો ઉત્સવ કરીએ તે બરાબર છે. ઉત્સવ કરવાનો આપણને અધિકાર છે. આપણો સ્વભાવ છે પરંતુ એથી આગળ વધીને આપણે ચિંતન પણ કરવું જોઈએ અથવા કહો કે આત્મનિરીક્ષણ. વીતેલા વરસનો વિચાર કરીને એની સફળતાઓનું સરવૈયું કાઢીને, એના ગુણદોષોનો હિસાબ કરીને ક્ષતિઓને દૂર કરવાનો ને વિશેષતાઓને વધારવાનો, અશુભમાંથી મુક્તિ મેળવવાનો ને શુભને વધારે ને વધારે પ્રમાણમાં સુદૃઢ કરવાનો સંકલ્પ કરીએ, કાર્યક્રમ ઘડીએ અને એને વફાદાર રહીએ. આપણા જીવનના આદર્શોનું સ્મરણ કરીએ, જે લક્ષ્યાંકોની સિદ્ધિ કરવાના સંકલ્પો સેવ્યા છે તેમને સફળ કરવાના સંકલ્પો કરીએ. વીતેલા વર્ષના રાગદ્વેષો, મતભેદો, ને મનભેદો, ઈર્ષ્યાઓ ને મદમત્સરોને દફનાવી દેવાની કોશિશ કરીએ. જીવનને નવા વર્ષ દરમિયાન નવો આકાર આપવાનો નિર્ણય લઈએ, તો નૂતન વર્ષ સાચોસાચ નૂતનવર્ષ બની શકે ને કેલેન્ડરમાં જ ના રહે પરંતુ જીવનમાં મૂર્તિમંત બને. નૂતનવર્ષમાં માનવમાત્રને માટે એવી રીતે ઘણી ઘણી શક્યતાઓ રહેલી છે. એમને સાકાર કરીએ તો નૂતનવર્ષનો ઉત્સવ સફળ બને. બાકી તો કાળદેવતા પોતાનું કાર્ય કર્યે જાય છે, અને એક દિવસ નૂતન વર્ષની પરંપરા પણ પૂરી થશે. કારણ કે એનો ઉત્સવ કરવા માટે આપણે હોઈશું પણ નહિ.

આજના પવિત્ર પર્વ દિવસે કેવળ હાથ ના મેળવીએ, હૈયા પણ મળે એવું કરીએ. કેવળ મુખમાંથી જ મંગલ શબ્દોચ્ચાર ના કરીએ, અંતરને પણ અભિલાષાઓથી અલંકૃત ને શુભ ભાવનાઓથી ભરપૂર કરીને બોલતું કરીએ. આજે આંખમાં જ ચમક ના હોય, અંતરમાં અને આત્મામાં પણ હોય. વસ્ત્રપરિધાન કેવળ બહારનાં જ ના હોય, અંદરના - સદવિચાર, સદભાવ ને સત્કર્મોનાં - પણ હોય ને સાલ મુબારક બને ને બરબાદ ના થાય એને માટેનું અનુકૂળ મંગલમય આચરણ કરવાનો નિરધાર કરીએ. નૂતન વર્ષ આપણે માટે જ નહિ બીજા બધાને માટે, વધારેમાં વધારે માનવોને માટે, સમસ્ત રાષ્ટ્ર ને સંસારને માટે, સુખશાંતિ સમૃદ્ધિદાયક ક્લેશવિદારક, કલ્યાણકારક નૂતન વર્ષ બને એવું આપણે ઈચ્છીએ. આજના દિવસ દરમ્યાન જે ચેતના, ઉત્સાહ, સદભાવ ને તરવરાટ દેખાય છે તે આવતીકાલે શમી ના જાય પરંતુ કાયમ રહે, દિનપ્રતિદિન ઉત્તરોત્તર વધ્યા કરે, અને એવી રીતે નૂતન વર્ષ આજના દિવસ પૂરતું મર્યાદિત નહિ પરંતુ  કાયમનું બને એને માટે આપણે પ્રમાણિકપણે પ્રયત્નો કરીએ.

દિવાળી ને નૂતન વર્ષના પર્વો એકમેકની સાથે સંકળાયેલા છે. દિવાળી વર્ષનો છેવટનો દિવસ અને લક્ષ્મીપૂજનનો ઉત્સવદિવસ મનાય છે. એ દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે. માણસે એવી રીતે પોતાના વીતેલા વરસના જીવનરૂપી ચોપડાને પૂરાપૂરો તપાસવો જોઈએ, ને જમા-ઉધારના પાસાનો પૂરેપૂરો વિચાર કરવો જોઈએ.

દિવાળીના દિવસે ઘરમાં ને ઘરની બહાર દીવા કરવામાં આવે છે. એ દીવા શાને માટે છે ને શેના છે ? માનવના જીવનમાં, દિલ અને દિમાગમાં એવા જ દીવા પ્રગટાવવાના છે. સ્નેહના, ક્ષમાના, દયાના, શીલના, સંયમના, જ્ઞાનના, સંપના, સદભાવના ને સેવાભાવનાં દીવા. જ્યાં જ્યાં અવિદ્યારૂપી આસુરી સંપત્તિનો અંધકાર છે ત્યાં ત્યાંથી તેને દૂર કરવાનો છે, ને નવા પ્રકાશને પ્રગટાવવાનો છે. આપણે જે બહારના દીવા કરીએ છીએ તે એની દીક્ષા માટે છે. આપણી અંદર પણ એવા દીવા થવા જોઈએ. સંપ, સ્નેહ, સહકારના એવા દીવા સમાજમાં પણ સર્વત્ર થવા જોઈએ. એને માટે આપણે આપણી શક્તિના પ્રમાણમાં બીજાને મદદરૂપ થવાનું વ્રત લેવું જોઈએ. સમાજમાં જ્યા જ્યાં નિરક્ષરતા, દીનતા, ભેદભાવ, દુઃખ અને એવા બીજા અંધકારના અવશેષ છે ત્યાં ત્યાંથી તેમને દૂર કરીને પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરવો જોઈએ.

દિપક આત્માનું પણ પ્રતીક છે. આત્માને શસ્ત્રોમાં જયોતિસ્વરૂપ - જ્યોતિઓનો જ્યોતિ કહ્યો છે. એ જ્યોતિને ઓળખવા માટે પવિત્ર, પ્રેમમય, પ્રકાશિત જીવન જોઈએ. એને સારું સમજપૂર્વકની સાધના જોઈએ. દિપક પ્રકટાવીને, મંદિરમાં અખંડ દિપક રાખીને ને દિપકની ઉપાસના કરીને આપણે આત્માનું સ્મરણ કરીએ છીએ અને આત્માના સાક્ષાત્કારનો સંકલ્પ સેવીએ છીએ ખરા ? એવો સંકલ્પ ના સેવતા હોઈએ તો સેવવો જોઈએ. તો જ દિપાવલીનો ઉત્સવ સાર્થક ઠરી શકે.

પેલા ભક્તકવિએ કેટલું સુંદર ને સાચું કહ્યું છેઃ

દીવો કરો રે દીવો કરો
દિલમાં દીવો કરો,
કૂડા કામક્રોધને પરહરો રે ... દિલમાં.

દયા દિવેલ પ્રેમ પરણાયું લાવો
માંહી સુરતાની દિવેટ વણાવો,
પછી બ્રહ્મઅગ્નિને ચેતાવો રે ... દિલમાં.

દીવો અણભે પ્રગટે એવો,
ટાળે તિમિરના જેવો,
એને નેણે તો નીરખી લેવો રે ... દીલમાં.

સાચા દિલનો દીવો જ્યારે થાશે
ત્યારે અંધારુ મટી જાશે,
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે ... દિલમાં.

દાસ રણછોડ ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઉઘડ્યું તાળું,
થયું ભોમંડળમાં અજવાળું રે ... દિલમાં.

આપણા પરંપરાગત પર્વોને આવી જાગૃતિપૂર્વક ઉજવીએ તો કેટલો બધો લાભ થાય ? દિવાળી ને નૂતનવર્ષનો આનંદ એકાદ-બે દિવસ પૂરતો મર્યાદિત રહેવાને બદલે રોજનો બની જાય. જીવન ઉજજ્વળ અને અવનવું થાય.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.