બોધિની પ્રાપ્તિ પછી ભગવાન બુદ્ધ સંસારમાં શાંતિનો સનાતન સંદેશ ફેલાવવા નીકળ્યા ત્યારે માર્ગમાં એમણે બકરાનું ટોળું જોયું. એ ટોળામાં એક બકરું સૌથી પાછળ અને લથડતી ચાલે ચાલતું હતું. એને દેખીને એમના દિલમાં કરુણા પેદા થઈ. બકરાવાળાને એમણે પૂછ્યું તો એણે ખુલાસો કર્યો કે બકરાને પગે ઈજા પહોંચી હોવાથી એ બરાબર નથી ચાલી શકતું, એટલે પ્રેમ અને કરુણાથી પ્રેરાઈને એ બકરાને એમણે પોતાના ખભા પર ઊંચકી લીધું.
પછી એમને ખબર પડી કે એ બકરાં તો રાજા બિંબિસારના યજ્ઞમાં બલિ થવા માટે જતાં હતાં. એથી તો એમનું હૈયું હાલી ઊઠ્યું.
દયાથી દ્રવિત થઈને એ પોતે બકરાંના ટોળા સાથે રાજા બિંબિસારના યજ્ઞમંડપમાં જઈને બોલ્યાઃ ‘આ નિર્દોષ જીવોને છોડી દઈને બદલામાં મારો સ્વીકાર કરો. હું મારું બલિદાન આપવા તૈયાર છું.’
બુદ્ધ ભગવાનની એવી અનુકંપાભરી વાણીથી પ્રેરીત થઈને, રાજાએ બકરાંને છોડી દીધાં એટલું જ નહિ, પરંતુ પોતાના રાજ્યમાં યજ્ઞમાં થતી હિંસા કાયમને માટે બંધ કરવાની આજ્ઞા પણ કરી દીધી.
ભગવાન બુદ્ધે પોતાની હૃદયસ્પર્શી વાણીને વહેતી કરતાં એ અવસર પર કહ્યું કે પ્રત્યેક પ્રાણીને પોતાનું જીવન પ્યારું અને સૌથી વધારે પ્યારું છે. જે કોઈને જીવન આપી નથી શકતો તેને જીવન લેવાનો પણ અધિકાર નથી.
દયા ને પ્રેમની મૂર્તિ, અહિંસાધર્મને જીવનમાં આચરી બતાવનાર અને એનો સંદેશ દેનાર બુદ્ધની એ કથા મને એટલા માટે યાદ આવે છે કે એમની જન્મભૂમિ નેપાલથી એક સમાચાર આવ્યા છે. ઘડીભર માટે તો એમ થઈ જાય છે કે આ હકિકત નેપાલની છે ? અને જો એમ હોય તો, અહિંસા અને પ્રેમના મહાન પયગંબરનો પ્રેમ ને દયાનો સંદેશ એ માતૃભૂમિએ જ છોડી દીધો ?
હિંદુસ્તાન દૈનિકના ત્રીજી ડિસેમ્બર, ૧૯૬૪, ગુરુવારના અંકમાં સમાચાર છે કે ‘યુદ્ધદેવીને પ્રસન્ન કરવાને માટે દસમી ડિસેમ્બરે પશ્ચિમી નેપાલના એક પ્રાચીન હિંદુ મંદિરમાં ઉચ્ચ નેપાલી હિંદુ પૂજારીઓ દ્વારા પાંચ હજાર પાડાઓનું ધાર્મિક અનુષ્ઠાન સહિત બલિદાન આપવામાં આવશે. ધાર્મિક અનુષ્ઠાન સહિત આપવામાં આવેલા બલિદાનના પાડાઓનું માંસ ગરીબોને વહેંચવામાં આવશે.’
‘નવી દિલ્હી પહોંચતા સમાચારો અનુસાર, જ્યારથી લાલ ચીને અણુબોમ્બનો ધડકો કર્યો છે ત્યારથી ચીન અધિકૃત તિબેટની સાથેની સરહદને લીધે નેપાલી લોકો અણુયુદ્ધના પ્રચારથી ચિંતીત છે.’
‘પાડાઓના આ બલિદાનનો ઉદ્દેશ મલેશિયા તથા હોંગકોંગની બ્રિટિશ ફોજોના હજારો ગુરખા સૈનિકોની અણુયુદ્ધથી રક્ષા કરવાનું છે. ગુરખા સૈનિકો ભારતીય ભૂમિસેનામાં પણ છે.’
‘નેપાલના મહારાજાએ બલિદાનને માટે સો પાડાનું દાન કર્યું છે. આ ધાર્મિક સમારોહમાં લગભગ પચાસ હજાર નેપાલી ભાગ લેશે.’
વર્તમાનપત્રના આ સમાચાર સાચા હોય તો અત્યંત કમનસીબ અને દુઃખદ છે. ૧૯૬૪ના જમાનામાં પણ આવી સામૂહિક પશુહત્યા હયાતિ ધરાવે છે, એને રાજાનો સહકાર મળે છે, અને એવી હત્યાને ધાર્મિક સમારોહ તરીકે ઓળખવામાં આવે છે એ હજુ માનવોનો અમુક ભાગ કેટલો પછાત કે જંગલી મનોદશામાં જીવી રહ્યો છે તેની ખાતરી કરાવે છે. ભગવાન બુદ્ધના નામે અને જીવદયાના નામે આવી હિંસા બંધ થાય અને એને કોઈ પ્રોત્સાહન ના આપે પરંતુ લાગતાવળગતા સૌ એનો વિરોધ કરે એવું આપણે ઈચ્છીશું. ગુરખા સૈનિકોની રક્ષા આવી રીતે નહિ થઈ શકે. એથી યુદ્ધદેવી પ્રસન્ન પણ નહિ થાય. વીતી ચૂકેલા ઈતિહાસમાંથી કોઈ પાઠ શીખાયો હોય તો માણસે આવી ક્રૂર ક્રિયામાંથી કાયમને માટે મુક્તિ મેળવવી જોઈશે. ત્યારે જ સંસારમાં શાંતિ સ્થપાઈ શકશે. આજે તો આ કરુણ સમાચાર વાંચીને થાય છે કે ભગવાન બુદ્ધની ભૂમિ - માતૃભૂમિ આ જ છે કે બીજી ? માણસે અઢી હજાર જેટલાં વરસનો ઈતિહાસ શું વિસારી દીધો અને એમાંથી કોઈ જ પદાર્થપાઠ ના લીધો ? નિર્દોષ પશુઓની કતલ કદાપી શાંતિ નથી આપી શકતી, ને પ્રજાને પશુધનથી વંચિત કરે છે, એ હકિકત જેટલી જલદી સમજી લેવાય એટલી જરૂરી છે. નેપાળ તો પ્રગતિશાળી રાજ્ય કહેવાય છે, ને ત્યાંના રાજા પણ આધુનિક શિક્ષાસંપન્ન તેમજ વર્તમાન વિશ્વમાં વિચરી ચૂકેલા છે, છતાં પણ એ આવી ક્રિયાઓને સાથ આપે છે એ વિચિત્ર છે. શું આ જ પ્રગતિની પારાશીશી છે ?
- શ્રી યોગેશ્વરજી