સંસ્કારોના સિંચનનો - જીવનને સુંદર બનાવવાનો સર્વોત્તમ સમય કયો ? શાસ્ત્રો અને સંતો કહે છે કે શૈશવનો, કિશોરાવસ્થાનો કે યુવાવસ્થાનો સમય. ભર્તૃહરિ મહારાજે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ વૈરાગ્યશતકમાં કહ્યું છે કે :
યાવત્સ્વસ્થમિદં શરીરમરુજં યાવચ્ચ દૂર જરા ।
યાવચ્ચેન્દ્રિયશક્તિરપ્રતિહતા યાવત્ક્ષયો નાયુષઃ ॥
આત્મશ્રેયસિ તાવદેવ વિદુષા કાર્યઃ પ્રયત્નો મહાન ।
પ્રોદીપ્તે ભવને પ્રકૂપખનનં પ્રત્યુદ્યમઃ કીદ્રશઃ ॥
એટલે કે જ્યાં સુધી શરીર સ્વસ્થ અને શક્તિશાળી છે, વૃદ્ધવસ્થા દૂર છે, ઈન્દ્રિયોની શક્તિ અકબંધ છે, અને આયુષ્યનો ક્ષય નથી થયો, ત્યાં સુધી આત્મોન્નતિ અથવા આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરવો જોઈએ. ઘરને આગ લાગે ત્યારે કૂવો ખોદવાની પ્રવૃત્તિ કરવાથી કંઈ નથી વળતું.
શૈશવ, કૌમાર્ય અને યૌવન જીવનનો ઉષઃકાળ છે. જીવનની વસંત છે. એનો ઉપયોગ કરીને ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારની સમુન્નતિ સાધી શકાય. એ સમયના સંસ્કારો સમસ્ત જીવનપર્યંત કામ કરે છે, જીવનમાં ચિરસ્થાયી અથવા વજ્રલેપ જેવા બને છે. એટલા માટે જીવનના એ સ્વર્ણસમયને સાચવી લેવો અને સુધારવો આવશ્યક છે. આપણે ત્યાં તો કહેવામાં આવે છે કે, માતાના ઉદરમાં જ ભાવિ શિશુનું સંસ્કારનિર્માણ થાય છે. એથી આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે પતિપત્ની શરીરસંબંધ માટે પ્રવૃત્ત બને તે સમયના સંકલ્પો અથવા મનોભાવો ભાવિ શિશુના જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. સંસ્કારોનાં મૂળ એટલાં બધાં ઊંડા છે. છતાં પણ સામાન્ય રીતે એટલું કહી શકાય કે, કિશોરાવસ્થા ને યુવાવસ્થા જીવનના સંસ્કારનિર્માણની, આધ્યાત્મિક અભ્યુત્થાનની અગત્યની અવસ્થા છે. બુદ્ધ, મહાવીર, જ્ઞાનેશ્વર મહારાજ, શંકરાચાર્ય, ગુરુ નાનકદેવ અને સમર્થ રામદાસના જીવનમાં એ અવસ્થાનાં વિકાસનાં સર્વોત્તમ, સર્વશ્રેયસ્કર સુપરિણામો જોવા મળે છે.
આમ તો જીવનના અંતસમય સુધી જીવનસુધારની તક છે, આધ્યાત્મિક અભ્યુદયનો અવસર છે. માનવ છેલ્લી ઘડીએ જાગે તો પણ પોતાનું કલ્યાણ કરી શકે છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી આત્મોન્નતિની આશા રહેલી છે. એ છતાં પણ જે વહેલો જાગે છે ને કાર્ય કરવા માંડે છે, એ સહેલાઈથી ને વહેલી તકે આત્મોત્કર્ષને સાધી લે છે. એની પાસે અધિક સમય રહે છે એમાં શંકા નથી. જીવનનો ઉત્તરકાળ અથવા અંત સમય એની જીવનસાધનાની સિદ્ધિનો શાંત, સુખમય, સફળ સાર્થક સમય બની રહે છે. માટે આત્મોન્નતિના માર્ગે જેટલા વહેલા જાગીને આગળ વધાય એટલું આવકારદાયક છે, આશીર્વાદરૂપ છે.
ઉત્તિષ્ઠ જાગ્રત. ઊઠો, પ્રમાદને દૂર કરીને પુરુષાર્થી બનો ને વિવેકના જગતમાં જાગો. આજથી, અત્યારથી જ જાગ્રત બનો.
- શ્રી યોગેશ્વરજી