તાપથી સંતપ્ત પ્રવાસી પંથમાં બેસીને પોકારો પાડવા લાગ્યો. અરે, કોઈ છાયા તો બતાવો, મારે છાયાની આવશ્યકતા છે. શીતળ છાયાની આવશ્યકતા છે. મને કોઈ ઘટાદાર વિશાળ વૃક્ષની પાસે તો પહોંચાડો.
પ્રવાસીની પાસે જ, એના પંથની એક તરફ જ વિશાળ ઘટાદાર વૃક્ષ હતું. એની શીતળ છાયામાં જઈને શાંતિ મેળવવાનું જ શેષ હતું. ત્યાં જવાનું પ્રવાસીના હાથમાં હોવા છતાં એ પોકારો પાડીને બેસી રહેલો. એવી રીતે પોકારવાથી એ વૃક્ષ પાસે પહોંચી શકે અને એને છાયા પણ મળી શકે ?
આજે સંસારમાં ચારે તરફ અશાંતિના ઓળા ઉતરેલા છે. માનવ સંપૂર્ણપણે સુખી નથી. સુખની શોધમાં છે. પરંતુ એ સુખ એને સાંપડે કઈ રીતે ? પડછાયાની પાછળ પડવાથી પ્રકાશ નથી મળતો. પ્રકાશની તરફ અભિમુખ બનવાથી પ્રકાશ, પ્રકાશવાન પદાર્થ અને પડછાયાની પ્રાપ્તિ આપોઆપ થાય છે. જેનામાં સુખશાંતિ આનંદ છે, એટલું જ નહિ, પરંતુ જે સ્વયં સુખસ્વરૂપ, શાંતિસ્વરૂપ, પરમાનંદસ્વરૂપ છે તે પરમાત્મા પ્રત્યે અભિમુખ બનવાથી જ જીવન સુખમય, શાંત, સુસંવાદી, સ્થિર, સંપૂર્ણ, સાર્થક કે ધન્ય બને છે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પરંતુ વિષયાસક્ત, વિષયાભિમુખ મન એ વાતને ભૂલી જાય છે, અને યાદ રાખે તો પણ એ પ્રમાણે વર્તતું નથી. એને લીધે દુઃખી થાય છે ને ક્લેશ, અશાંતિ તથા બંધનોને અનુભવે છે. સમીપમાં જ રામભક્તિની સુરસરિતા કે સ્વર્ગગંગા છે તો પણ પિપાસુ પ્રાણ ઝાકળના બિંદુની કામના કરે છે. ધૂમ્રસમૂહને નિહાળીને તૃષાર્ત ચાતક, વરસાદનું વારિવાળું વાદળ સમજી બેસે છે. વિષયોમાં સુખ નથી છતાં તેમાં સુખ સમજે છે.
ઐસી મૂઢતા યે મનકી
હરિ રામભક્તિ સુરસરિતા આશ કરત ઓસકન કી ... ઐસી
ધૂમ્રસમૂહ નિરખી ચાતક જ્યોં તૃષિત જાનિ મતિ ધન કી
નહિ તહીં શીતલતા ન વારિ પુનિ હાનિ હોત લોચનકી ... ઐસી.
પરમાત્મા પ્રત્યે અભિમુખ થવાથી જ સુખશાંતિ સાંપડે છે. પરમાત્માથી વિમુખ બનવાથી દુઃખ મળે છે. શાસ્ત્રો અને સંતોએ એ અનુભવ વાતને અવારનવાર કહી બતાવી છે. માનવ એને જીવનવ્યવહારમાં વણી લે એટલી જ વાર છે.
પ્રકૃતિના પંથે પ્રયાણ કરનારો માનવપ્રવાસી પ્રશાંતિની શોધમાં છે. પ્રસન્નતાની ઈચ્છા રાખે છે. એણે પ્રકૃતિને નાથીને બાહ્ય સુખોપભોગના સાધન વસાવ્યા છે. પરંતુ પ્રકૃતિના આટલા બધા એકધારા પ્રવાસ પછી હવે એને લાગે છે કે જીવનમાં અશાંતિ અને અસંતોષના ઓળા ઉતર્યા છે. સંતાપ નથી શમ્યા. શાંતિનો સૂર્યોદય નથી થયો. પ્રસન્નતાનું પુનિત પ્રભાત નથી પ્રકટ્યું. ધન્યતાના ઉલ્લાસસૂચક મંગલમય વિહંગગીતો નથી ગવાતા. સાર્થકતાની સ્વસ્થ સમીરલહરી પોતાનું લલિત લાસ્યનૃત્ય નથી શકતી. એનો પ્રાણ પોકારે છે. શાંતિને ઝંખે છે. એને આપણે કહીએ છીએ કે શાતિની સ્વર્ગગંગામાં સ્નાન કરો. તમે શાંતિસ્વરૂપ છો. સુધાસ્વરૂપ છો. તમારી અંદર રહેલા શાંતિના સ્વર્ણભંડારને શોધી કાઢો કે હસ્તગત કરવાનો પ્રયત્ન કરો. પછી સઘળા સંતાપો શાંત થશે. જીવન અને એનો પ્રવાસ સરસ, સાર્થક બનશે.
- શ્રી યોગેશ્વરજી