Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભગવાન બુદ્ધ એકાંત અરણ્યમાંથી મંદ ગતિએ આગળ વધી રહેલા. એમની પાછળ પડેલા એ અરણ્યમાં વસતા દસ્યુશ્રેષ્ઠ અંગુલિમાલે એમને જોઈને બૂમ પાડી, બુદ્ધ, ઊભો રહે.

ભગવાન બુદ્ધે શાંતિ તથા સ્વસ્થતાપૂર્વક ઉત્તર પૂરો પાડ્યો કે હું તો ઊભેલો જ છું. તારે ઊભા રહેવાનું બાકી છે.

અંગુલિમાલે પુનઃ એવું જ કહ્યું ને બુદ્ધે એવા જ ઉદગારો કાઢ્યા, ત્યારે અંગુલિમાલને અતિશય આશ્ચર્ય થયું. બુદ્ધની આગળ આવીને એણે પૂછ્યું કે તમે અસત્યભાષણ કરો છો ?

બુદ્ધે કહ્યું : ‘બુદ્ધ કદી અસત્ય ભાષણ નથી કરતો. અસત્યભાષણ કરે તેને બુદ્ધ ના કહેવાય.’

‘તો પછી ? તમે તો ચાલો છો, તો પણ કહો છો કે હું ઊભો છું. તો તે કેવી રીતે ?’

બુદ્ધ બોલ્યાઃ ‘મારું શરીર ચાલે છે પરંતુ મન નથી ચાલતું, સ્થિર છે. બોધિપ્રાપ્તિ પછી એણે વિષયોના વનમાં વિહરવાનું કે પવનલહરથી હાલતી દિપશીખાની જેમ ચલાયમાન બનવાનું છોડી દીધું છે. તું હજી વિષયોમાં, વિકારોમાં, વાસનામાં ફર્યા કરે છે. તારે તારી અંદર સ્થિતિ કરવાની બાકી છે.’

ભગવાન બુદ્ધના એ શબ્દો ખૂબ જ પ્રેરક તથા જીવનોપયોગી સંદેશથી સભર છે. માનવનું મન મોટે ભાગે બહિર્મુખ બનીને ભટક્યા કરે છે. અસ્વસ્થ અને અશાંત બને છે. પદાર્થો, વિષયો, પ્રસંગો અને પરિસ્થિતિઓ એના પર પોતપોતાના સાનુકૂળ-પ્રતિકૂળ, સંમિશ્રિત પ્રભાવો પાડ્યા કરે છે. માનવ વાસના, વિકાર, સ્વાર્થ, અહં, મમતા અને આસક્તિનો દાસ બનીને અવનિમાં અટવાય છે. એણે આત્મસ્થ થવાની, પોતાની અંદરની દુનિયામાં ડૂબકી મારીને નિર્વિકાર, નિર્વાસનિક અવસ્થામાં આસીન થવાની, પ્રજ્ઞાસ્વરૂપ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મનો પરિચય સાધી, પ્રેમ જગાવી, એમની સાથે અનુસંધાન સાધવાની આવશ્યકતા છે. માનવે બુદ્ધ બનવાનું છે, એટલે કે વિષયોના વાસનાયુક્ત અવિદ્યાજન્ય જગતમાંથી જાગીને આત્માના આ લોકમાં પદાર્પણ કરવાનું છે. એવા પદાર્પણ પછી શરીર સંસારમાં રહેશે, વિરોધાભાસી વાતાવરણમાં કે વ્યવહારમાં રહેશે તો પણ મન ચંચળ નહિ બને, વિદ્રોહ નહિ કરે, અશાંત નહિ બને. આત્મામાં સ્થિત રહેશે. જીવનના પરમ લક્ષ્યનું કદી વિસ્મરણ નહીં થાય.

"જૈસે નાવ ફિરે ચારો દિશ, ધ્રુવતારા પર રહત નિશાની"ની જેમ એના ચિત્તની વૃત્તિ, એની અસ્મિતા, પરમાત્માભિમુખ બનીને પરમાત્મા પ્રત્યે જ પ્રવાહિત થશે. આંખ જોશે છતાં નહિ જુએ એટલે કે પરમાત્માને જ જોશે. કાન સાંભળશે તો પણ નહીં સાંભળે, શરીર, મન, ઈન્દ્રિયો કાર્ય કરશે તો પણ અંતરાત્મા એથી અલિપ્ત રહેશે.

પળેપળે ચંચળ ચાલે ચાલતા માનવને આત્માની અંદર સ્થિતિ કરવાની, ગીતાની પરિભાષામાં સ્થિતપ્રજ્ઞ બનવાની, ઊભા રહેવાની આવશ્યકતા છે. બીજું બધું જ ચાલતું હોય પરંતુ એની વચ્ચે માનવ અડગ રીતે ઊભો રહેતો હોય, આત્મસ્થ રહેતો હોય એથી અધિક કલ્યાણકારક બીજું શું હોઈ શકે ?

- શ્રી યોગેશ્વરજી