થોડાક વખત પહેલાં અમે અમદાવાદથી લક્ઝરી બસમાં બેસીને રાજકોટ જઈ રહેલા. અમદાવાદના બસસ્ટેન્ડ પર બસ આવી એટલે મુસાફરો પોતપોતાની સીટ પર બેસવા માટે આગળ વધ્યા. એ દરમ્યાન એક કોટ-પાટલુનવાળા ગૃહસ્થ બસમાં સૌથી પહેલાં ચઢી ગયા, અને એમનો સામાન મૂકવા માંડ્યા. બીજા મુસાફરો બસમાં બેસવા માટે આગળ વધ્યા પરંતુ પેલા ગૃહસ્થે બસના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને એમનો રસ્તો રોકી રાખ્યો. થોડી વાર પછી એમણે નીચે કૂદકો માર્યો. એક વયોવૃદ્ધ પુરુષના પગ પર એમનો પગ પડતાં સહેજમાં જ બચી ગયો. એ બૂમ પાડી ઊઠ્યા. બીજા મુસાફરો પણ કહેવા માંડ્યા કે તમે લક્ઝરી બસના પેસેન્જર છો અને આવું બીનજવાબદાર વર્તન કરો છો ? એ ગૃહસ્થે ગર્જના કરી કે તમે તમારા મનમાં શું સમજો છો ? હું તો એમ.એ., એલ.એલ.બી. છું. કોઈએ કહ્યું અરે ભાઈ, તમે એમ.એ., એલ.એલ.બી હો તેથી શું થયું ? તમારું વર્તન તો અભણ માણસથી પણ ખરાબ છે. તમારા કરતાં તો અભણ માણસનો વ્યવહાર સારો હોય છે.
પેલા મહાશય બસની અંદર આવીને ધૂમ્રપાન કરવા લાગ્યા. અમે અંદર જઈને જોયું તો એમણે અમારી સીટને રોકી રાખેલી. અમને એ આગળ જ વધવા નહોતા દેતા. મેં બસના કંડક્ટરને વાત કરી. કંડક્ટરે એમની પાસે ટિકિટ માગી તો સૌને આશ્ચર્ય થયું. એમની પાસે ટિકિટ જ ન હતી. એમણે બસનું રિઝર્વેશન જ નહોતું કરાવ્યું. પરંતુ એ એમ સહેલાઈથી સમજે એવા ન હતા. એમને જેમતેમ કરીને નીચે ઉતારવા પડ્યા. નીચે ઉતરતી વખતે એમણે જણાવ્યું કે હું જોઈ લઈશ. હું એમ.એ., એલ.એલબી. છું.
એક બીજા સાધારણ શિક્ષાપ્રાપ્ત પુરુષ એ જ બસમાં મુસાફરી કરવા આવેલા. તે સેવાભાવી અને સંસ્કારી લાગ્યા. તે બીજાને એમની સીટ પર બેસવામાં મદદ કરતા અને એમના સામાનને પણ યોગ્ય રીતે મુકાવતા. એ બન્ને દ્રશ્યો પરસ્પર વિરોધી અને વિચારપ્રેરક હતાં.
કેળવણી એનો આશ્રય લેનારને કેળવે નહિ, વિનયી, શિસ્તપ્રેમી, અનુશાસનાત્મક, શુદ્ધ, સત્યનિષ્ઠ ના બનાવે તો એની કિંમત કેટલી ? કેળવણી કેવળ ચિંતન, મનન કે જ્ઞાનવિજ્ઞાનની સામગ્રી નથી. મસ્તિષ્કની શોભા નથી. વિવિધ વિષયોની નિતનવી માહિતી નથી, ડીગ્રી નથી. તે તો તન, મન, વચન, વર્તનની વિશુદ્ધિ છે. એ જ એક એવી વસ્તુ છે જે માનવને પશુ કરતાં જુદો પાડે છે. વિચારશીલ ને વિવેકી બનાવે છે, સમાજજીવનમાં સ્વસ્થતાપૂર્વક શ્વાસ લેતાં ને બીજાને સ્વસ્થતાપૂર્વક શ્વાસ લેવા દેતાં શીખવે છે, માનવને માનવતાથી મંડિત કરે છે. કેળવણી જીવનનું આમૂલ પરિવર્તન, ઉદાત્તીકરણ અને સ્વભાવનું સંશોધન અથવા ઉર્ધ્વીકરણ છે. માટે પેલા પ્રાચીન સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે જેનામાં વિદ્યા નથી, તપ, દાન, જ્ઞાન, શીલ, સદગુણ કે ધર્મપરાયણતા નથી, તે મૃત્યુલોકમાં ભૂમિને ભારરૂપ છે અને મનુષ્યરૂપે પશુની પેઠે શ્વાસ લે છે.
येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः ।
ते मृत्युलोके भूमि भारभूता, मनुष्यरुपेण मृगाश्चरन्तिः ॥
વિદ્યા અથવા કેળવણી તપ છે, દાન છે, જ્ઞાન છે, શીલ છે, સદગુણ છે, ધર્મ છે - એવો પણ એનો ભાવાર્થ કરી શકાય. વિદ્યા માનવને બીજું બધું બનાવે - વકીલ, ડોક્ટર, ઈજનેર, અધ્યાપક, વેપારી બધું જ - પરંતુ માનવ ના બનાવે તો શું કામનું ? વિદ્યા પોતાને ને પોતાના કર્તવ્યને જણાવનારી હોવી જોઈએ ત્યારે જ તેને આદર્શ કહી શકાય.
- શ્રી યોગેશ્વરજી