યોગસાધનાની વિશેષતા, મહાનતા અને ઉપકારકતાનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, યોગાગ્નિમય શરીરવાળા યોગીને મૃત્યુ, ઘડપણ કે રોગ નથી આવતા. એ ત્રણેની અસરથી એ મુક્ત રહે છે. प्राप्तस्य योगाग्निमयं शरीरम् । યોગાગ્નિમય શરીરનો અર્થ યોગની સાધના દ્વારા પરિપક્વ કે સિદ્ધ થયેલું શરીર એવો લઈ શકાય.
ઉપલક દૃષ્ટિએ જોતાં યોગની સાધના દ્વારા સિદ્ધ થયેલા શરીરવાળા યોગીની અવસ્થાની એ વાત ઘણી જ અસામाન્ય અને અસંભવિત લાગે છે. અલબત્ત એ અસામાન્ય તો છે જ, પરંતુ અસંભવિત તો નથી જ. અસંભવિત જેવી એટલા માટે લાગે છે કે એવી ઉત્તમોત્તમ અવસ્થાએ પહોંચેલા યોગીપુરુષોના દર્શન- સમાગમનો લાભ કોઈને ભાગ્યે જ મળતો હોય છે. એવી અવસ્થાએ પહોંચવાની કોશિશ પણ સમ્યક્ સાધનાપદ્ધતિનો આધાર લઈને કોઈ ભાગ્યે જ કરતું હોય છે. અને કોશિશ કરે તો પણ સફળતાપૂર્વક એમાંથી પાર પણ કોઈક જ ઉતરતું હોય છે. સામાન્ય રીતે સંસારમાં જે દેખાય છે તે ચિત્ર જુદું જ હોય છે. જન્મ, મૃત્યુ જરા ને વ્યાધિ સૌને સારું સ્વાભાવિક હોય છે અને સ્વાભાવિક તથા અપરિહાર્ય હોય છે એવું માનવામાં આવે છે. એનાથી મુક્ત થવાની ઈચ્છા માણસને થાય છે ખરી, પરંતુ એનાથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકાય છે એવું માનવાની એની તૈયારી નથી હોતી. એવી આત્મશ્રદ્ધાનો એમનામાં અભાવ હોય છે એટલે એ સંદર્ભમાં જોતાં, યોગ અને યોગી વિશેનાં આવાં વિધાનો એના મનમાં આશ્ચર્ય ઉપજાવે એ સહેલાઈથી સમજી શકાય તેવું છે.
યોગ અને યોગી વિશેનું એવું વિધાન ખાસ કરીને હઠયોગ અને હઠયોગીના સંબંધમાં સાચું ઠરે છે. પ્રાચીન ભારતમાં હઠયોગની જે સાધના પરંપરા શરૂ થઈ એનો એ મુદ્રાલેખ હતો એમ કહીએ તો ચાલે. હઠયોગની સાધનાનું લક્ષ્ય પરમાત્માનો સાક્ષાત્કાર હતું એ સાચું છે, પરંતુ એ પણ એટલું સાચું છે કે સાધનાના પ્રયોજકો કે પુરસ્કર્તાઓ શરીરને પણ મહત્વનું માનતા અને જુદીજુદી ક્રિયા-પ્રક્રિયાઓની મદદથી શરીરને વૃદ્ધાવસ્થા તથા વ્યાધિથી રહિત તેમજ મૃત્યુંજય અથવા અમૃતમય બનાવવામાં રસ લેતા. મત્સ્યેન્દ્ર અને ગોરખ જેવા કેટલાક યોગીપુરુષો એ અવસ્થા પર પહોંચેલા ખરા. પ્રકૃતિના સ્વાભાવિક નિયમો પર વિજય મેળવીને એ અલૌકિક અવસ્થા પર પહોંચવાની મહત્વાકાંક્ષા માનવમનમાં ઉત્પન્ન થઈ, અને એને માટે એણે સમજપૂર્વકની સુયોજીત સાધનાનું નિર્માણ કર્યું, એ પણ એને માટે જેવી તેવી ગૌરવવાળી અભિનંદનીય વાત નથી. માનવ-સંસ્કૃતિનું અને ભારતની આધ્યાત્મિક સાધનાનું એ એક અમર, અમુલખ, ઉજ્વળોજ્વળ પાસું છે. એના પરથી વિશેષ ખાતરી થાય છે કે ભારતવર્ષનો પ્રાચીન, માનવજીવનની ઉત્ક્રાંતિની વિચારણાની દૃષ્ટિએ પણ જરાકેય પાછળ નહોતો, બલ્કે ઘણો જ આગળ હતો.
મૃત્યુ, વૃદ્ધાવસ્થા ને વ્યાધિના વિજયની એવી અસાધારણ અવસ્થાએ પહોંચેલા કોઈ કોઈ વિરલ મહાપુરુષોનાં દર્શન-સમાગમનો લાભ કોઈક વિરલ સાધકોને મળતો હશે. યોગની પરમ સંસિદ્ધિની એ વાત સામાન્ય કક્ષાના સાધક તેમજ માનવના જીવનમાં ચરિતાર્થ થયેલી ના દેખાય એ સહેજે સમજી શકાય એવું છે. એટલા માટે જ યોગના એ ઉત્તમોત્તમ વિધાન માન્ય રાખવા છતાં એમને માટે અનુકરણીય અને ઉપયોગી થાય એવો એક ભાવાર્થ રજૂ કરવાનું મન થાય છે.
યોગીને વૃદ્ધાવસ્થા નથી હોતી એવા વિધાનને બીજી રીતે સમજી શકાય કે એ ચિર-યુવા હોય છે. એનું શરીર વૃદ્ધાવસ્થાની અસર નીચે આવેલું લાગે, તો પણ એનું મન હંમેશા સ્ફૂર્તિ, તાજગી તથા ચેતનાથી ભરેલું હોય છે. વૃદ્ધાવસ્થાનો સંસ્પર્શ એને નથી થઈ શકતો. એ શિશુ જેવો શુદ્ધ ને સરળ તથા યુવાન જેવો નૂતન ને વીર્યવાન હોય છે. નિરોગી શરીર એની મુખ્ય મૂડી હોય છે. એને કોઈવાર રોગ આવે તો પણ એની આત્મનિષ્ઠા એથી અલિપ્ત રહી શકે છે. મૃત્યુ એને મૂંઝવણમાં નથી મૂકી શકતું. આત્માની અમરતાનો નિશ્ચય હોવાથી એ એનાથી નિર્ભય ને નિશ્ચિંત રહે છે. એટલી સિદ્ધિ માણસ મેળવી લે તો પણ ઘણું. એવી અવસ્થા એને માટે આશીર્વાદરૂપ થઈ પડશે.
- શ્રી યોગેશ્વરજી