માનવજીવન કેટલું બધું મૂલ્યવાન, કેટલું બધું અનેરું, આર્શીવાદરૂપ છે ? મહીમંડળની એ મોટામાં મોટી મૂડી છે. એના રૂપમાં ઈશ્વરે માનવ પર એમના અસાધારણ અનુગ્રહની વર્ષા વરસાવી છે. છતાં પણ એનો મહિમા બહુ ઓછા માનવો સમજે છે. માનવસમાજનો એક વર્ગ એવો પણ છે જે જીવનને વેઠ સમજે છે, ઉપાધિ કે વળગાડ સમજે છે, બોજો માને છે, અભિશાપમાં ખપાવે છે. એ જીવે છે ખરા પણ ના-છુટકે, કોઈ બીજો વિકલ્પ નથી દેખાતો માટે જીવે છે. જીવનને દોષ દેતા, ફરિયાદ કરતા, વિષના કટોરાને પીતા હોય તેમ ક્લેશપૂર્વક જીવે છે. એ સંદર્ભમાં ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે જીવન વિશે જે કાંઈ કહ્યું છે તે ખાસ સમજવા ને યાદ રાખવા જેવું છે.
આપણા ત્યાં સફર શબ્દ છે, પ્રવાસ શબ્દ છે, મુસાફરી શબ્દ પણ વપરાય છે. ભગવાને ગીતામાં એમાંથી કોઈયે શબ્દને વાપરવાને બદલે એક અભિનવ છતાં સરસ, સુમધુર, સારગર્ભિત શબ્દનો પ્રયોગ કર્યો છે - એ શબ્દ છે યાત્રા. યાત્રા શબ્દમાં જે ધ્વનિ છે, વ્યંજના છે, એની પાછળ જે પવિત્રતા છે, ભાવમયતા, મંગલકારકતા છે તે સફર, પ્રવાસ, પરિભ્રમણ, પર્યટન, મુસાફરી જેવા કોઈયે શબ્દમાં નથી. પ્રવાસ, સફર, પર્યટન ગમે તેવા સ્થળનું હોઈ શકે પરંતુ યાત્રા તો પવિત્ર સ્થાનની જ હોય. પવિત્રતાથી ભરેલી પ્રવૃત્તિ જ હોય. જીવનયાત્રા, શરીરયાત્રા. ગીતામાં કહ્યું છે - शरीरयात्रापि व ते न प्रसिध्येदकर्मण:।
તું કર્મ નહીં કરે તો તારી શરીરયાત્રાની પ્રસિદ્ધિ નહીં થાય, સાર્થકતા નહીં સધાય.
યાત્રા શબ્દ સૂચવે છે કે જીવન આશીર્વાદરૂપ છે, મંગલમય છે, નિરર્થક નથી પરંતુ પરમોચ્ચ ધ્યેયથી સંપન્ન છે. એનું ધ્યેય અલૌકિક છે. એ ધ્યેયની પૂર્તિના પ્રયત્નો થવા જોઈએ. એ ધ્યેયની દિશામાં જ ઉત્તરોત્તર આગળ વધવું જોઈએ. યાત્રાના માર્ગમાં વચ્ચે અનેક તીર્થો આવે, સૌંદર્યસ્થાનો મળે, ચિત્તાકર્ષક દ્રશ્યો દેખાય, તો પણ યાત્રી એમાં આસક્તિ કરીને, કાયમી મુકામ માનીને, નથી બેસી રહેતો. એમને એ અવલોકે છે, એમનો આસ્વાદ લે છે, એમની વચ્ચે વચગાળાનો વિશ્રામ પણ કરે છે, પરંતુ એનું ઘ્યાન પોતાના ગંતવ્યસ્થાન તરફ હોય છે. ત્યાં ના પહોંચાય ત્યાં સુધી એને ચેન નથી પડતું, શાંતિ નથી સાંપડતી. જીવનની મંગલમય મહાયાત્રા સંબંધી પણ એવું જ સમજવાનું છે. એ યાત્રામાં આવતાં અનેકવિધ દ્રશ્યો, અનુભવાતા રસો, અને રૂપોમાં આસક્ત થવાને બદલે યાત્રાના પ્રયોજનને યાદ રાખીને એની પૂર્તિ માટે સર્વ કાંઈ કરી છૂટવું જોઈએ.
યાત્રા શબ્દમાંથી એક બીજો ધ્વનિ પણ નીકળે છે. યાત્રા દરમિયાન માર્ગમાં બીજા કેટલાય સહયાત્રી મળે છે. એમાનામાંના કેટલાકની સાથે વાતો થાય છે, સ્નેહ બંધાય છે, એમને એક અથવા બીજી રીતે સહાયતા પણ પહોંચાડાય છે. યાત્રા દરમિયાન એ આનુષંગિક પ્રયોજનની પણ પૂર્તિ થાય છે. જીવનની મહાયાત્રામાં પણ જે સહયાત્રીઓનો સમાગમ થાય, સ્નેહ સાંપડે, એમને હૂંફ આપી શકીએ, એક અથવા બીજી રીતે સહાયતા પહોંચાડી શકીએ, અને એમની યાત્રાને સરળ, સુખમય, શાંતિપ્રદ, સમુન્નત, શ્રેયસ્કર કરવામાં શકવર્તી સ્મરણીય ફાળો આપી શકીએ તો એથી અધિક ઉત્તમ બીજું શું હોઈ શકે ? આપણી પોતાની જીવનયાત્રા સફળ કે સાર્થક કરવાની સાથેસાથે અન્ય અનેકની જીવનયાત્રાને પણ એવી રીતે સફળ કે સાર્થક કરી શકીએ.
યાત્રામાં જીવનોપયોગી વ્રતો પળાય છે, નિયમો લેવાય છે, ને આદતો કેળવાય છે. વ્યસનો ને દુષ્કર્મોથી દૂર રહેવાય છે. જીવનની યાત્રામાં પણ એવી રીતે તપ-વ્રત-નિયમનો આશ્રય લઈને આગળ વધીએ તો એના સાચા ફળની પ્રાપ્તિ થાય. એ ચિરસ્મરણીય બની જાય. આપણે માટે અને અન્યને માટે પણ.
- શ્રી યોગેશ્વરજી