ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, मम माया दुरत्यया - મારી માયાને જીતવાનું કામ ખૂબ જ કપરું છે. મોટા મોટા મેધાવી પંડિતો, વિદ્વાનો ને મુનિવરો પણ એ કાર્યમાં પાછા પડે છે અથવા અશક્તિ અનુભવે છે. માયાનું મૂળ આશ્રયસ્થાન મન છે અને મનનો સંયમ શી રીતે સાધવો એ સવાલ છે. આજથી નહિ પરંતુ યુગોથી, સંસ્કૃતિના ઉષઃકાળથી એ સવાલ સામાન્ય અને અસામાન્ય માનવને સતાવી રહ્યો છે. એનાં ઉકેલનાં સાધનો અનાદિકાળથી શોધાઈ રહ્યાં છે.
સ્વાનુભવસંપન્ન, સ્વનામધન્ય સંતો તથા શાસ્ત્રોએ એને માટે બે પ્રકારની પદ્ધતિઓ રજૂ કરી છે. એક પદ્ધતિ આત્મજ્ઞાનની પરંપરાગત પાવન પદ્ધતિ છે. એ પદ્ધતિ પ્રમાણે જણાવવામાં આવે છે કે પ્રત્યેક માનવ મૂળભૂત રીતે શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે. शुद्धोङसि बुद्धोङसि निरंजनोङसि संसारमाया परिवर्जितोङसि । अयं आत्मा ब्रह्म । આત્મા સચ્ચિદાનંદ છે, પરમાત્મસ્વરૂપ છે. સૂર્યની ઉપર વાદળ આવી જાય ને સૂર્ય એનાથી થોડા વખતને માટે ઢંકાઈ જાય પરંતુ વાદળ સૂર્યને વિકૃત નથી કરતું અથવા સૂર્ય પર એની વિપરીત અસર પણ નથી થતી. વાદળ હઠી જતાં સૂર્યનું દર્શન સુસ્પષ્ટ બને છે, એવી રીતે અવિદ્યાનું મોહમય આવરણ હઠવાથી શુદ્ધ બુદ્ધ મુક્ત આત્માનો સ્વાનુભવ શક્ય કે સહજ બને છે. અવિદ્યાને લીધે જ માનવ પોતાના વાસ્તવિક સ્વરૂપને ના સમજવાથી પોતાને દીન-હીન, પતિત, બદ્ધ અને અશાંત સમજે છે. અવિદ્યાની નિવૃત્તિ થવાથી એ જાણે છે કે પોતે પૂર્ણ છે, મુક્ત છે, વિરાટ છે. એને શોક, મોહ, રાગ, દ્વેષ, અહંતા, મમતા, ભય, વાસના, માયાની અસર નથી રહેતી. એ પ્રકૃતિના પાશમાંથી સહેલાઈથી ને સંપૂર્ણપણે છૂટી જાય છે.
માયામાંથી મુક્તિ મેળવવા અથવા પ્રકૃતિના પ્રભાવમાંથી છૂટવા માટેની બીજી પદ્ધતિ સર્વાન્તર્યામી સર્વેશ્વર પરમાત્માની શરણાગતિની છે. પરમાત્માની પરમ સનાતન શક્તિ આપણી અંદર અને બહાર સર્વત્ર વિદ્યમાન છે. એવો અડગ આત્મવિશ્વાસ રાખીને એનું સાચા ભાવે, સર્વતોભાવે, શરણ સ્વીકારવામાં આવે, ચિંતન-મનન નિદિધ્યાસન કરવામાં આવે અને એની સહાયતા માંગતા એના અસાધારણ અનુગ્રહની અભિલાષા સેવવામાં આવે, તો સાધકનું કામ સરળ બને છે. ઈશ્વરની કૃપાથી એનો માર્ગ મંગલ અને મોકળો થાય છે. પોતાના શરણાગત ભક્તની સર્વપ્રકારે, સંપૂર્ણપણે ઈશ્વર સંભાળ રાખે છે. માતા જેવી રીતે બાળકને રક્ષે છે તેવી રીતે તેની પ્રતિપળે, પ્રતિસ્થળે, પ્રતિપદે, પરિપૂર્ણપણે રક્ષા કરે છે. તેને નિર્ભય તથા નિશ્ચિંત બનાવે છે. શોકમાંથી, મોહમાંથી, ભયમાંથી, આસક્તિઓની વિભિન્ન ગ્રંથિઓમાંથી ક્રમે ક્રમે મુક્તિ અપાવે છે. શાશ્વત શાંતિમાં સ્નાન કરાવે છે, અને પોતાના દેવદુર્લભ દર્શનનો લ્હાવો આપીને સર્વપ્રકારે કૃતાર્થ બનાવે છે.
ગીતામાં ભગવાને એ જ સંદર્ભમાં જણાવ્યું છે કે જે મારું જ શરણ સ્વીકારે છે તે આ મહાભયંકર સુદુસ્તર માયાને સહેલાઈથી તરી જાય છે. मामेव ये प्रपद्यंते मायामेतां तरन्ति ते ॥
ઈશ્વરનું સ્નેહયુક્ત શરણ લેવા માગનારને એમનું અધિકાધિક સ્મરણ કરવાથી અને સંતપુરૂષોની સંગતિથી મોટી મદદ મળે છે.
- શ્રી યોગેશ્વરજી