શાસ્ત્રો તથા સત્પુરુષોએ મનને બંધન અને મોક્ષનું, શાંતિ અને અશાંતિનું, અભ્યુત્થાન અને અધઃપતનનું, સુખ તેમજ દુઃખનું, એકમાત્ર અગત્યનું કારણ કહી બતાવ્યું છે. એમના અભિપ્રાયને અનુસરીને વિચારીએ તો મગજ સંવાદ તથા વિસંવાદનું, સ્થિરતા અને અસ્થિરતાનું, મૂળભૂત કારણ છે. એ એક એવું અમોઘ અસરકારક માધ્યમ છે જેની મદદથી આત્મોન્નતિના ક્ષેત્રે સફળતા સહિત સંગીન રીતે આગળ પણ વધી શકાય છે અને પાછળ પણ પડી શકાય છે. એ સ્વર્ગની સૃષ્ટિ પણ કરે છે ને નરકના નિર્માણમાં પણ નિમિત્ત બને છે. પળમાં પ્રસન્નતા તો પળમાં અપ્રસન્નતા, ક્ષણમાં આહલાદ તો ક્ષણમાં અવસાદ ધરે છે.
સામાન્ય રીતે પરંપરાગત પ્રાચીન કહેવત ચાલી આવે છે કે માનવ જેવા વિચારોને સેવે છે તેવો જ ઓછા-વત્તા પ્રમાણમાં બને છે. વિચારોનો પ્રભાવ વ્યવહાર પર અથવા મનનો પ્રભાવ તન પર પણ પડે છે. માટે જ કહ્યું છે કે - तन्मे मनः शिवसंकल्पमस्तु - મારું મન પવિત્ર વિચારોથી સંપન્ન બનો
એક પુરુષને ઘરના બધાં જ પ્રેમભાવે જોયા કરતાં. એમની પત્ની પણ એની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરતી. પરંતુ એમના મનમાં કોણ જાણે કેમ પણ એવી અવિદ્યામૂલક ગ્રંથિ પડેલી કે દુનિયામાં મારું કોઈ જ નથી અને મારા પ્રત્યે કોઈને પ્રેમ નથી. એટલે એ અહર્નિશ ઉદાસ રહેતા. એમની આજુબાજુનું અસાધારણ ઐશ્વર્ય પણ એમને આનંદ આપી શકતું નહી. આખરે એમણે અવસાદગ્રસ્ત બનીને આપઘાત કર્યો. બીજા પુરુષે પોતાના મનને એવી રીતે કેળવ્યું કે સૌ પ્રત્યે પ્રેમભાવ પ્રકટે અને સૌ કોઈ સારું જ લાગે. પરિણામે એમનું જીવન અભાવ અને આપત્તિની વચ્ચે પણ આનંદ અનુભવવા લાગ્યું. એ એમના જીવનને ઉત્સવમય બનાવી શક્યા.
એટલે મન પર જીવનનો આધાર છે. એટલા માટે તો આધ્યાત્મિક ઉત્કર્ષને માટે કરાતી સઘળી સાધનાઓ મનને વિશુદ્ધ, ઉદાત્ત અને અનાસક્ત બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જ્ઞાન, ભક્તિ, યોગ કે કર્મ દ્વારા છેવટે તો મનની સર્વતોમુખી સંશુદ્ધિ જ સાધવાની છે. મન સંશુદ્ધ અને સમુદાત્ત બનશે એટલે વાસનારહિત, ક્લેશરહિત, બંધનમુક્ત બનશે. અંદરથી જ શાંતિ અથવા આનંદનો અનુભવ કરશે. પોતાના મૂલાધાર જેવા સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્માના સાક્ષાત્કારના સર્વોત્તમ સુખાસ્વાદને પામીને કૃતાર્થ બનશે.
- શ્રી યોગેશ્વરજી