કઠ ઉપનિષદમાં યમદેવે નચિકેતાને કહ્યું છે. નચિકેતા ! અધ્યાત્મયોગના સફળ સમજપૂર્વકના અનુસરણ અથવા અનુષ્ઠાનથી માનવ દેહદેવળમાં વિરાજેલા દેવોના દેવ પરમદિવ્ય પરમાત્માનો સાક્ષાત્કાર સાધી શકે છે, અને એ ધૈર્યવાન શ્રેષ્ઠ સાધકપુરુષ હર્ષ તથા શોક જેવા દ્વંદ્વોમાંથી અથવા એમની અનુકૂળ-પ્રતિકૂળ પ્રતિક્રિયામાંથી મુક્તિ મેળવે છે.
अध्यात्मयोगाधिगमेन देवं ज्ञात्वा धीरे हर्षशोकौ जहाति ।
એ ઉદગારોમાં યમદેવે અધ્યાત્મયોગ શબ્દનો પ્રયોગ કરેલો છે. એ શબ્દપ્રયોગ મૌલિક, અભિનવ અને સારગર્ભિત છે. અધ્યાત્મની વ્યાખ્યા આપતાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે स्वभावोडध्यात्ममुच्यते । એટલે કે સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે. માનવ મૂળભૂત રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. એ પરમાત્મા સ્વરૂપ, પરમાત્માનો અલૌકિક અંશ છે. શુદ્ધ બુદ્ધ મુક્ત છે. એ જ એનો સ્વભાવ છે. પ્રકૃતિના પાશમાં બંધાઈને, ત્રિગુણાત્મિકા પ્રકૃતિના ગુણધર્મોમાં આસક્ત બનીને, પોતાના સ્વરૂપનું વિસ્મરણ કરીને, એ સ્વ-ભાવમાં પ્રતિષ્ઠિત બનવાને બદલા પર-ભાવમાં પ્રવાહિત બને છે. જે સાધના અથવા આરાધના દ્વારા એ પ્રકૃતિના પાશમાંથી મુક્તિ મેળવીને સચ્ચિદાનંદ પરમાત્મા તરફ વળે છે અને છેવટે પોતાના શુદ્ધ, બુદ્ધ, મુક્ત પૂર્ણસ્વરૂપનો અથવા પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે તે સાધના અથવા આરાધનાને અધ્યાત્મયોગ તરીકે ઓળખવામાં આવે છે. એને અધ્યાત્મ પણ કહી શકાય.
અધ્યાત્મયોગની મદદથી માનવ સ્વરૂપનો સાક્ષાત્કાર સાધી શકે અથવા પરમાત્માના અપરોક્ષ અનુભવથી કૃતાર્થ બની શકે. પરંતુ એને માટે એણે ધીર બનવું જોઈએ એવો ગર્ભિત સંકેત પણ ઉપનિષદના એ મંત્રમાંથી મળી રહે છે. માટે તો તેમાં ધીરઃ શબ્દપ્રયોગ કરાયો છે. જે ધીર બને છે, વીર બને છે, સંપુર્ણ સ્થિરતા, સ્વસ્થતા, મક્કમતાપૂર્વક આગળ વધે છે; જીવનના મુખ્ય સાધનાત્મક ધ્યેયને ભૂલ્યા વિના સઘળા સંજોગોમાં સર્વ સ્થળે સઘળી શક્તિથી એની સિદ્ધિના પાર વિનાના પ્રામાણિક પ્રયત્નોમાં લાગેલા રહે છે અને કોઈ કારણે આડા માર્ગે અટવાતાં, ભ્રાંતિમાં ભળતા કે પ્રથભ્રાન્ત બનતા નથી, ને ગમે તેટલો વખત વીતે કે ગમે તેટલો ભોગ આપવો પડે તો પણ સિદ્ધિને પામીને જ અટકે છે; તે જ ધીર તથા વીર છે. પરમાત્માદર્શન, સ્વરૂપ સાક્ષાત્કાર, અથવા આધ્યાત્મિક અભ્યુત્થાનને માટે એવી ધીરતા-વીરતાની અનિવાર્યરૂપે આવશ્યકતા હોય છે.
હર્ષ અને શોક, જયવિજયની, લાભહાનિની તથા અપ્રાપ્તિની, સ્તુતિ અને નિંદાની સર્વ સામાન્ય પ્રતિકિયા છે. એ પ્રતિકિયામાંથી બીજી નાનીમોટી અનેક પ્રતિકિયાઓ પેદા થાય છે ને માનવને પરવશ બનાવે છે. એ પરવશતા, દીનતામાંથી મુક્તિ મેળવવા માટે અધ્યાત્મયોગનું આલંબન અત્યંત આવશ્યક છે. ઉપનિષદે એ પણ સુસ્પષ્ટ કર્યું છે. આધ્યાત્મિકતાનું અનુષ્ઠાન જીવનને વધારે ને વધારે સ્વસ્થ, સ્થિર, સંવાદી, શાંતિસભર, સંયમી, પરમાત્માદર્શી કરે છે. આજે સર્વત્ર એવા જીવનની આવશ્યકતા પ્રતીત થાય છે ત્યારે ઉપનિષદનું એ વચન વિશેષ મહત્વ ધારણ કરે છે. બીજો કોઈ વિકલ્પ જ ક્યાં છે ?
- શ્રી યોગેશ્વરજી