રામાયણમાં તલવારના બે પ્રયોગોનો પરિચય થાય છે. તલવાર એક જ છે, એનો ઉપયોગ કરવા માંગનારો રાવણ પણ એક જ છે, પરંતુ એનો ઉપયોગ જુદાજુદા પાત્રો સામે, જુદીજુદી પરિસ્થિતિમાં કરવામાં આવ્યો છે. એની પ્રતિક્રિયા પણ પૃથક પૃથક પડી છે.
આરંભનું એક પાત્ર મારીચનું છે. રાવણે એની પાસે પહોંચીને એને સીતાના સંભવિત હરણ માટે મદદ કરવા અને સુવર્ણમૃગ બનીને પંચવટીના પાવન પ્રદેશમાં રામ-સીતાને સંમોહીત કરવા વિહરવાનો આદેશ આપ્યો. મારીચે એ આદેશનો વિરોધ કરતાં રાવણને નીતિ અથવા સદાચારનો સમુચિત ઉપદેશ આપ્યો, ને જણાવ્યું કે હું મારા સિદ્ધાંતોમાં અથવા આદર્શમાં અચળ છું. મારાથી એવું જઘન્ય કાર્ય નહીં કરી શકાય. એને માટે સહયોગ નહિ આપી શકાય, અને તારે પણ પરસ્ત્રીને માતા સમાન પવિત્ર સમજીને એના અપહરણનો અમંગલ વિચાર ન સેવવો જોઈએ. રાવણે એને અનેક પ્રકારે સમજાવી જોયો છતાં એ માન્યો નહીં ત્યારે એનો નાશ કરવા માટે પોતાની તલવાર તાણી. તલવારના પ્રહારના સંભવિત પરિણામને વિચારીને મારીચની સિદ્ધાંતનિષ્ઠા અથવા આદર્શપ્રિયતા ડગી ગઈ. એણે તરત જ નમતું જોખ્યું. તલવારની દૈવી વૃત્તિ આગળ માનવની અધમ અમંગળ આસુરી વૃત્તિનો વિજય થયો.
બીજી વાર એ જ રાવણે તે જ તલવારનો પ્રયોગ સિદ્ધાંતનિષ્ઠ સીતા સમક્ષ કર્યો. પરંતુ રામના અનન્ય અનુરાગમાં ડૂબેલી સીતા એથી લેશ પણ ડરી તથા ડગી નહીં. એ આદર્શમાં મક્કમ અથવા અચળ રહી. રાવણની પટરાણી બનવાનું પ્રલોભન અને મૃત્યુનો ભય પણ એને ચલયમાન ના બનાવી શક્યો. રાવણની તલવાર પ્રહાર સિવાય જ પાછી વળી. રાવણ પોતે પણ સીતાને એક મહિનાની વધારાની મુદત આપીને પાછો ફર્યો.
આ ઘટના સૂચવે છે કે સમાજમાં મારીચ જેવા તથા સીતા જેવી પ્રકૃતિવાળા માનવો શ્વાસ લે છે. એક પ્રકારના માનવો આદર્શો તથા સિદ્ધાંતોનું પોપટપારાયણ કરી જાય છે, એમના જાપ જપે છે, બીજાને ઉપદેશ આપવામાં પણ પાછા નથી પડતા, પરંતુ અણીને વખતે પ્રલોભન, ભય, લાલસાના પાશમાં સપડાઈને આદર્શ કે સિદ્ધાંતને છોડી દે છે. છેવટ સુધી ગમે તેવો નાનો કે મોટો ભોગ આપીને વળગી રહેતા નથી. બીજા પ્રકારના માનવો ગમે તેવો ભોગ આપવો પડે તો પણ સસ્મિત આપીને પ્રલોભનો, ભયો, લાલસાઓ કે ધામધમકીને વશ ના થઈને, મૃત્યુના ભયને પણ ગૌણ ગણીને, નીતિને, સદાચારને, આદર્શને કે સમજપૂર્વક સ્વીકારેલા પોતાના સિદ્ધાંતને વળગી રહે છે.
સમાજમાં મારીચો ને કુંભકર્ણો વધે છે ત્યારે સમાજની સ્થિરતા, સ્વસ્થતા, સુખાકારી ભયમાં મૂકાય છે. પરંતુ સીતા તથા વિભીષણોની સંખ્યા વધે છે ત્યારે શાંતિ, સુદૃઢતા, સંવાદિતા વધતી જાય છે.
કુંભકર્ણે રાવણને સન્માર્ગગામી બનવાનો સદુપદેશ પ્રદાન કર્યો પરંતુ પોતે એ ઉપદેશને અનુસરી શક્યો નહીં. એણે રાવણને માટે જ યુદ્ધ કર્યું. વિભીષણે રાજ્યાશ્રયને પરિત્યાગીને એનું અનુસરણ ન કર્યું. રાવણની સાથે સદાયને માટે સંબંધ-વિચ્છેદ કરીને રામનું શરણું લીધું. પરિણામે કુંભકર્ણનો નાશ થયો અને વિભીષણનો સમુદ્વાર. મારીચ મૃત્યુ પામ્યો અને સીતાનો વિજય થયો.
- શ્રી યોગેશ્વરજી