મહાભારતમાં કહ્યું છે કે શ્રુતિના વાક્યોમાં વિભિન્નતા છે. સ્મૃતિઓ પણ ભિન્નભિન્ન અનેકવિધ અભિપ્રાયોને રજૂ કરે છે. મુનિઓનાં વચનો પણ વિવિધ છે. એ દ્વિવિધાપૂર્ણ વચનોમાંથી કયા વચનોને પ્રમાણભૂત, અનુકરણીય અથવા આદર્શ માનવા એ પ્રશ્ન છે. ધર્મનું સારતત્વ અંતરના અંતરતમમાં રહેલું છે. એને સમજનારા સ્વાનુભવસંપન્ન સત્પુરુષો જે માર્ગે આગળ વધે છે અને આગળ વધવાનો આદેશ આપે છે એ જ માર્ગ છે.
શ્રુતિર્વિભિન્ના સ્મૃતયોઙપિ ભિન્નાઃ નૈકો મુનિર્થસ્ય વચન: પ્રમાણમ્ ।
ધર્મસ્ય તત્વં નિહિતમ્ ગુહાયામ્ મહાજનો યેન ગત: સ પંથા ॥
સંતશિરોમણી મહાત્મા કબીર એવા જ એક ઉચ્ચતમ શ્રેણીના સ્વાનુભવસંપન્ન સત્પુરુષ હતા. એમણે માનવજાતિના મંગળને માટે ધર્મના સારતત્વોની અથવા જીવનવિકાસની સાધનાની સરળ શબ્દોમાં સારગર્ભિત શૈલીમાં રજૂઆત કરી છે. એમણે એમના પેલા પ્રસિદ્ધ પદમાં જણાવ્યું છે કે પ્રિયતમ પરમાત્માની પ્રાપ્તિ માટે અવિદ્યાના આવરણને અળગું કર.
‘ઘૂંઘટકા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે’
અને પ્રિયતમ પરમાત્માની પ્રાપ્તિને માટેની સરળ સાધના પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહે છે કે સૌની અંદર એ પરમાત્માનો વાસ છે. સૌ એમનું પવિત્ર પ્રતિનિધિત્વ કરે છે. માટે મધુરભાષી બનતાં શીખો. સૌ પ્રત્યે પ્રેમ રાખીને મધુર છળરહિત માનવોચિત વ્યવહાર કરો. સંસારમાં રહીને ધન, વૈભવ, સૌંદર્ય, યૌવનાદિ બાહ્ય પદાર્થોનો ગર્વ ન કરો. એ તો ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે. વ્યોમમાં એકાએક પ્રકટીને ચમકનારી અને અદૃશ્ય થનારી ચપલાની પેઠે ક્ષણજીવી છે. માટે એમનો મોહ રાખવાને બદલે નિત્ય સનાતન પરમાત્માના પ્રેમનો પ્રાદુર્ભાવ કરો. પરમાત્માને ઓળખવા માટે પ્રવૃત્ત બનો. એ સર્વેશ્વર સર્વાન્તર્યામીનું સાચા દિલથી શરણ સ્વીકારીને, એમને ઓળખવા માટે એકાંતમાં આસન વાળો. એકાગ્ર ચિત્તે એમનું અન્વેષણ કરો. ઈન્દ્રિયોના દ્વારોને બંધ કરો. મનને સંકલ્પ-વિકલ્પોમાંથી મુક્તિ આપો. એમ કરતાં આનંદ આનંદ થઈ જશે. શોધ પૂરી થશે. જીવન મંગલમય મહોત્સવ જેવું બનશે.
કહત કબીર આનંદ ભયો હૈ, બાજત અનહદ ઢોલ.
મન, વચન, કર્મથી પવિત્ર જીવન જીવવાનો સંદેશો પાઠવવાની સાથે સાથે કબીરે અંતરંગ સાધનાત્મક અભ્યાસક્રમનો આધાર લેવાનો પાઠ પૂરો પાડ્યો છે. આજનો માનવ, એ મહાપુરુષે પ્રદર્શાવેલી સરળ સુસ્પષ્ટ સાધનાને અપનાવીને આત્મોન્નતિ, આત્મશાંતિ અને આત્માનુભૂતિને મંગળ માર્ગે આગળ વધી શકે છે.
- શ્રી યોગેશ્વરજી