માનવની પાસે પંચમહાભૂતનું શરીર છે. એ શરીર ગમે તેવું પરિવર્તનશીલ, મલિન અને વિનાશશીલ લાગતું હોય તો પણ તિરસ્કરણીય નથી. એને સાધના કરવા માટેનું અમોઘ સુંદર સાધન અને મુક્તિનું મંગલદ્વાર કહેવામાં આવ્યું છે. એની દ્વારા ‘સ્વ’ અને ‘પર’ની સમુન્નતિ સાધી શકાય છે. એની અવજ્ઞા કદી પણ ના કરી શકાય. એના મોહમાં અથવા એની આસક્તિમાં ના પડીએ એ બરાબર છે, પરંતુ એના પ્રત્યે દુર્લક્ષ તો ના જ રાખી શકાય. એને અભિશાપરૂપ માનવાની, દંડ દેવાની અને નિર્બળ બનાવવાની વૃત્તિ તથા પ્રવૃત્તિને તંદુરસ્ત, અભિનંદનીય કે આદર્શ ના કહી શકાય. એને સ્વસ્થ, સુદૃઢ, શક્તિશાળી અને નીરોગી રાખીએ અને સત્કર્મના અનુષ્ઠાન માટે સાધન બનાવીએ એ આવશ્યક છે. એનો આધાર લઈને જ આત્મવિકાસની સાધના કરી શકાશે ને બીજાં લોકકલ્યાણનાં કાર્યોમાં પ્રવૃત્ત થઈ શકાશે.
પરંતુ માનવ એકલા શરીરનો જ નથી બનેલો. એની પાસે મન પણ છે, એ મનને નિર્મળ, સાત્વિક, સુદૃઢ, સંસ્કારી, સદવિચાર સંપન્ન ના બનાવવામાં આવે અને નિયંત્રણમાં ના રાખવામાં આવે ત્યાં સુધી જીવનની સાચી શાંતિ ના સાંપડી શકે અને વિકાસ પરિપૂર્ણ ના બને. દૃઢ મન અને સંશય-વિપર્યયરહિત નિશ્ચયાત્મિકા સદબુદ્ધિ જીવનની મહામૂલી મૂડી છે. એનો ઈન્કાર કોઈનાથી નહિ કરી શકાય. એ મનને સુખ તથા દુઃખમાં, સંપત્તિ ને વિપત્તિમાં, લાભ અને હાનિમાં, જય તથા પરાજયમાં તથા અધઃપતન અને અભ્યુત્થાનમાં સ્વસ્થ રાખવું, નિર્લિપ્ત બનાવવું અને આસક્તિ તેમજ અહંતારહિત કરવું - એ સાધનાનું અનુષ્ઠાન પણ કરવાનું છે, જેથી જીવનના ને જગતના અનુકૂળ અને પ્રતિકૂળ પ્રવાહો એને ચલાયમાન, પથભ્રાંત અથવા અશાંત ના કરી શકે.
શરીર, મન અને બુદ્ધિ ઉપરાંત માનવને હૃદય છે. એ હૃદય પ્રેમમય, સહાનુભૂતિસંપન્ન, સુવિશાળ અને સંવેદનશીલ બને અને એ છતાં પણ એ સંવેદનશીલતાનો પ્રવાહ માનવને પરવશ બનાવીને પોતાની સાથે ખેંચી ના જાય એનું એણે ધ્યાન રાખવાનું છે. પ્રેમ હોય છતાં મોહ ના હોય, દયા કે કરુણા હોય છતાં મમત્વ ના હોય, અને સરળતા, મધુરતા, ઊર્મિશીલતા હોય છતાં તટસ્થતા હોય એવી ભૂમિકાની એણે પ્રાપ્તિ કરવાની છે. પ્રાણના સઘળા વિકારો અને લૌકિક-પારલૌકિક લાલસાઓ અને વાસનાઓથી ઉગરવાનું છે.
પરંતુ માનવ તન, મન અને અંતરનો જ બનેલો છે ? ના, એની પાસે જ્યોતિની પણ જ્યોતિ જેવો અજર-અમર આત્મા છે, અને એનું મૂળભૂત વાસ્તવિક સ્વરૂપ એ જ છે. એનો એણે સાક્ષાત્કાર કરવાનો છે. કેવળ બૌદ્ધિક રીતે જ નહિ પરંતુ બુદ્ધિ તથા મનનું અતિક્રમણ કરીને એનો સીધો, પ્રત્યક્ષ સંપર્ક અથવા સ્વાનુભવ કરવાનો છે. અંદર જે શક્તિ છે, શાંતિનો સમુચ્ચય અને પ્રજ્ઞાનો પવિત્રતમ ભંડાર છે, તેની ઉપલબ્ધિ કરવાની છે. એને સ્વાનુભૂતિ પણ કહી શકાય. ત્યારે પોતાની - જીવનના મૂલાધારની - શોધ પૂરી થાય છે. જીવન સફળ, સાર્થક, શાંતિમય બની જાય છે.
એટલે સાધનાનો એવો અભ્યાસક્રમ જ માનવને માટે આશીર્વાદરૂપ ઠરે અને એ સાધનાના નામને યોગ્ય ઠરે. જે એના તન-મન-અંતર અને આત્માનો સંયુક્ત વિકાસ સાધે, એ સર્વેના મહત્વને સ્વીકારે, ન્યાય આપે અને માનવને પૂર્ણ માનવમાં પલટાવે. એ દૃષ્ટિએ વિચારીએ તો કહી શકાય કે યોગ, ભક્તિ, જ્ઞાન તથા કર્મ સૌનો સમન્વય કરવો જોઈએ. સાધક સાધકાવસ્થાને વટાવીને સિદ્ધાવસ્થાએ પહોંચે છે. પૂર્ણ માનવ જેનો આધાર લઈને પોતે આગળ વધે છે તે પોતાની આજુબાજુના જગતને તો નહિ જ ભૂલે. એને માટે પણ શક્ય એટલું કરી છૂટશે એવી આશા રાખીએ.
- શ્રી યોગેશ્વરજી