એક માણસ માંદગીના જ વિચારો કર્યા કરતો. પોતે ખૂબ જ બિમાર છે, સંસારમાં સૌથી વધારે બિમાર છે, એવી ભાવનાઓનું સેવન કરતો. પરિણામે સ્વાસ્થ્યને ના સાચવી શકતો. વારંવાર માંદગીમાં અને કેટલીક વાર તો ભયંકર માંદગીમાં સપડાતો. દવાઓ કરતો તો પણ દવાઓ એને લાગુ પડતી નહિ. એની પાસે અઢળક સંપત્તિ હતી તો પણ એનો ઉપયોગ એ નહોતો કરી શકતો. એ વિચારતો કે સંસારમાં હું સૌથી વધારે કંગાળ છું, મારી પાસે કશું જ નથી. મારે વધારે ને વધારે ઐશ્વર્ય મેળવવાની અને એને માટે મહેનત કરવાની આવશ્યકતા છે. એના અનેક મિત્રો અને સ્વજનો હોવા છતાં એ માનતો કે સંસારમાં મારું કોઈ જ નથી, હું એકલો જ છું. મારા જીવનમાં કશો રસકસ નથી. એવા વિપરીત વિચારોને લીધે એનું મુખમંડળ મ્લાન રહેતું, દિલ દુઃખી રહેતું અને જીવનના રહ્યાસહ્યા આનંદને અનુભવવાનું કાર્ય એને માટે આકાશકુસુમ સમાન અશક્ય બની જતું.
એની પડોશમાં રહેતો બીજો માણસ અભાવગ્રસ્ત હોવા છતાં પોતાને અભાવગ્રસ્ત માનવાને બદલે આનંદપૂર્વક જીવતો. એ પોતાને સુખી સમજતો અને પોતાની તથા બીજાની સુખાકારી અને શાંતિના સંકલ્પો કરતો. એનું શરીર કોઈ વાર અસ્વસ્થ બનતું તો પણ એને અન્ય ઔષધની આવશ્યકતા ના પડતી. એનો આનંદી સ્વભાવ એને માટે ઔષધ સમાન બની જતો. એ વહેલી તકે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરતો. પહેલો માણસ અકાળે વૃદ્ધ થઈ ગયેલો, જ્યારે બીજો માણસ વૃદ્ધાવસ્થામાં પણ યુવાન દેખાતો.
માનવના વિચારોની અસર એના મન તથા તન પર ઘણી મોટી, શકવર્તી પડે છે. માટે તો કહ્યું છે કે માનવ જેવા વિચારો કરે છે તેવો બને છે. વિચારો એનો ઘાટ ઘડે છે. એને સુધારે છે ને બગાડે છે. આનંદ અર્પે છે ને શોકમાં ધકેલે છે. સ્વસ્થ રાખે છે ને અસ્વસ્થ બનાવે છે. આજે માનવ જેવો છે, એવો એના ભૂતકાળના ભાવો, વિચારો, સંકલ્પોને લીધે છે અને ભવિષ્યમાં જેવો બનવા માગશે એવો એના વર્તમાનકાળના ભાવો, વિચારો, સંકલ્પોને અનુસરીને એમને અનુરૂપ બની શકશે. વિચારો, ભાવો તથા સંકલ્પોમાં ધાર્યા કરતાં ઘણી મોટી શક્યતા ને શક્તિ સમાયેલી છે. એ દ્વારા માનવ પોતાની કાયાપલટ કરવાની સાથે સાથે એથી આગળ વધીને બીજાની કાયાપલટ કરી શકે છે.
વૈદિક ઋષિવરે કહ્યું છે કે મારું મન પવિત્ર, કલ્યાણકારક, હિંસક નહીં પરંતુ અહિંસક, દ્વેષયુક્ત નહીં પરંતુ પ્રેમપૂર્ણ, ભંજનાત્મક નહિ પરંતુ મંડનાત્મક ભાવો અને વિચારોથી સંપન્ન થાવ. तन्मे मनः शिवसंकल्पमस्तु । - એ કથનમાં ઘણો મોટો, સર્વોપયોગી, સૂચિતાર્થ સમાયેલો છે. આપણે એનો લાભ લઈએ.
- શ્રી યોગેશ્વરજી