દેવતાઓ જે રૂપમાં આપણી પાસે આવે છે, તે રૂપમાં આપણે તેમને નથી પૂજતા; પરંતુ તેમની પથ્થરની પ્રતિમાઓને પૂજીએ છીએ : એવી પાંગળી આપણી પૂજા છે !
ઉત્તમોત્તમ ને ફોરમવંતા ફૂલોથી આપણે તેમને શણગારીએ છીએ ને તેમના શરીરે સુગંધિત પદાર્થો ને અત્તર લગાડીએ છીએ. પરંતુ આપણા પથપ્રદર્શક થઈને જે આપણા માર્ગને સાફ કરવા આવે છે, એમનું અપમાન કરીએ છીએ ને કેટલીવાર એમને અપશબ્દો પણ કહીએ છીએ. એવી પાંગળી આપણી પૂજા છે !
વરસોની ઉપાસનાને અંતે પણ તે હાલતા નથી, ને એક અક્ષરેય બોલતા નથી. છતાં પણ અચળ શ્રદ્ધા ધારણ કરીને આપણે તેમની પૂજા કરીએ છીએ; પરંતુ અમૃતનો વરસાદ વરસાવીને, વહાલથી ભરેલા વચને આપણી અશુદ્ધિનો અંત આણવા જે તન તોડીને મહેનત કરે છે, એમની આપણે અવગણના કરીએ છીએ, એમનો સત્કાર પણ કરતા નથી : એવી પાંગળી આપણી પૂજા છે !
જે આપણી સામે, સાથે ને આજુબાજુ જ રહે છે, એમની તરફ જોતા પણ નથી; જે આપણા માટે આંસુ સારે છે, મહેનત કરે છે ને બલિદાન આપે છે, એમને આપણે ઓળખતા પણ નથી; ને દૂરના દેવને પૂજીએ છીએ. આવી આંધળી આપણી આરાધના છે !
એક યુવકને જગદંબા પ્રત્યે પુષ્કળ પ્રેમ હતો. એ જગદંબાની ઉપાસના કરતો. એને જગદંબાનાં સાક્ષાત્ દર્શનની આનંદાનુભવની આકાંક્ષા જાગી. એથી પ્રેરાઈને એ એકાંત અરણ્યમાં આવેલા દેવમંદિરે ગયો અને અનશન આરંભીને આરાધનામાં બેઠો. એકાદ અઠવાડિયામાં એનું શરીર સુકાઈ ગયું અને નિર્બળ બન્યું. એને ઘોર નિરાશા, ચિંતા અને અસફળતાને પરિણામે અશ્રદ્ધા થઈ. એક દિવસ સ્વપ્નમાં એને એક સુકુમારી કન્યાએ દર્શન આપીને કહ્યું કે હું તો તારા ઘરમાં માતારૂપે વિરાજમાન છું, છતાં પણ મારી પ્રત્યે તું સારો વ્યવહાર નથી કરતો. મારું પૂરતું ધ્યાન નથી રાખતો, મને દુઃખી કરે છે અને હવે મારા સાક્ષાત્કારની ઈચ્છા રાખે છે ? મને ઓળખવાની દૈવી-દૃષ્ટિની તો પ્રાપ્તિ કર. એ પછી તને સમજાશે કે હું તો તારી સાથે ને પાસે જ છું. તું જ મારાથી દૂર છે.
યુવકની આંખ ઉઘડી. એને નવીન દિવ્યદૃષ્ટિની પ્રાપ્તિ થઈ. ઘેર પહોંચીને એણે માતાની સેવા કરવા માંડી.
આપણામાંના અનેકને એવી રીતે પરમદેવ પરમાત્માના દર્શનની ઈચ્છા થઈ આવે છે, પરંતુ આપણી સમીપમાં અને આજુબાજુ એ પરમ દેવતાનો પવિત્ર પ્રકાશ પથરાયેલો છે એને પેખવાનો પ્રયત્ન આપણે ભાગ્યે જ કરીએ છીએ. દૃષ્ટિ બદલાય તો સૃષ્ટિ બદલાય અને સમસ્યા પણ ઉકલી જાય.
- શ્રી યોગેશ્વરજી