ધર્મના સારતત્વ પરમાત્મા છે. સઘળા સુસંસ્કૃત શ્રેષ્ઠ ધર્મો ધર્મના સારતત્વરૂપે પરમાત્માનું સમર્થન અને પ્રતિપાદન કરે છે. ધર્મો પરમાત્માને પામવાની સાધના પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે. ધર્મનું અનુષ્ઠાન જીવનને નિર્મળ કરવા, જ્યોતિર્મય બનાવવા, અને સ્વરૂપના સાક્ષાત્કાર દ્વારા પરમાત્માને ઓળખવા માટે જ કરવામાં આવે છે અને કરાવું જોઈએ. ધર્મ જો માનવને પોતાના એ મૂળભૂત ધ્યેયથી દૂર લઈ જાય અથવા વિપથગામી બનાવે અને બીજી આડવાતોમાં અટવાવે તો એ ધર્મ માનવની સાચી સેવા ના કરી શકે અને સાચા ધર્મના નામકરણને યોગ્ય પણ ના ઠરે. એણે માનવના અંતરાત્માને ઉદાત્ત કરી, આલોકિત બનાવી, પરમાત્માભિમુખ કે પરમાત્મપરાયણ બનવાની ક્ષમતા ધરી પરમાત્માના સાક્ષાત્કારથી સાર્થક કરવો જ જોઈએ.
ધર્મના સારરૂપ અથવા પરમતત્વરૂપ એ પરમાત્મા ક્યાં વિરાજે છે ? મહાભારતમાં યક્ષના પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે યુધિષ્ઠરે જણાવ્યું છે કે એ હૃદયરૂપી ગુફામાં વિરાજમાન છે. એનો અર્થ એ થયો કે એમના અવલોકનની આકાંક્ષાવાળા માનવે એમના અવલોકનકાર્યમાં સફળતા મેળવવા માટે પોતાના હૃદયમાં દૃષ્ટિપાત કરવો જોઈએ અથવા પોતાની અંદર, પોતાના દીલની દુનિયામાં ખોજ કરવી જોઈએ. માનવ મોટેભાગે બહિર્મુખ બનીને દેવસ્થાનોમાં, તીર્થોમાં, શાસ્ત્રોમાં, કર્મકાંડોમાં અને સાધનાત્મક ક્રિયાકલાપોમાં એમની શોધ કરે છે. એથી સાત્વિકતા વધે છે, પરમાત્માપરાયણતા તથા પવિત્રતા પણ કેળવાય છે અને જીવનના આધ્યાત્મિક ઉચ્ચત્તમ આદર્શ પ્રત્યે જાગ્રત થવાય છે એ સાચું, પરંતુ માનવે એમનાથી ઉપર ઊઠીને, અંતર્મુખ વૃત્તિને ધારીને, અંતરંગ સાધનાત્મક અભ્યાસક્રમનો આધાર લઈને, મનને સ્થિર અને શાંત કરી, પોતાની અંદર રહેલી પરમાત્માની પરમજ્યોતિને પેખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે જ પરમાત્માના સાક્ષાત્કારની કે પરમ તત્વના દર્શનની સાધના સફળ થઈ શકે.
ગુરુ નાનકદેવે એ સંદર્ભમાં જ કહ્યું છે કે વનમાં એમને શોધવા માટે શા માટે જાય છે ? એ તો અંતરની અંદર બેઠેલા છે, અલિપ્ત છે, તારામાં સમાયેલા છે.
‘કાહે રે બન ખોજન જાઈ,
અંતરદર્શી સદા અલેપા તો હી સંગ સમાઈ’
પુષ્પમાં પરિમલ, દર્પણમાં દૃશ્ય, સરિતામાં સલિલ ને મધમાં મધુતાની પેઠે એ તારા અંતરાત્મા બનીને વિરાજમાન છે.
સમસ્ત બ્રહ્માંડ પણ એક વિશાળ અનંત ગુફા જ છે. એની અંદર, એના અણુએ અણુમાં એ પરમાત્માનો પરમપવિત્ર પ્રકાશ પથરાયેલો છે. એ પાવન પ્રકાશને પેખવાની ટેવ પાડીએ તો સમસ્ત સંસાર પરમાત્માના પરમધામ જેવો લાગશે. ઈશાવાસ્ય ઉપનિષદે જણાવ્યું છે કે ‘ઈશાવાસ્યમિદં સર્વમ્’ - સઘળું પરમાત્માથી છવાયેલું છે. એવો અસાધારણ અનુભવ પણ સહજ થઈ જાય.
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે’
એ સ્વાનુભવસંપન્ન ભક્તકવિ નરસિંહ મહેતાની સ્વાનુભૂતિ સાથે આપણો અંતરાત્મા પણ સુસંવાદી સૂર પુરાવે.
- શ્રી યોગેશ્વરજી