પ્રવાસનો પંથ અને એમાંય પર્વતીય પ્રદેશના પ્રવાસનો પંથ ધાર્યા જેટલો સરળ નથી હોતો. એમાં અનેક પ્રકારની આકસ્મિક અણધારી આપત્તિઓ આવે છે. પ્રવાસીને એમનો સસ્મિત સામનો કરીને એમાંથી માર્ગ કાઢવો પડે છે.
અમે બદરીનાથની યાત્રામાં જોશીમઠથી મોટરમાં આગળ વધ્યા ત્યારે સંધ્યાનો સમય સમીપ હતો. થોડીવારમાં સંધ્યાની સુરખી આકાશના આંગણમાં છવાવા લાગી. એવે વખતે પ્રવાસ કરવાનું પ્રવાસી ભાગ્યે જ પસંદ કરે. અમારા સાથીઓએ પણ સ્વાભાવિક રીતે જ પસંદ ના કર્યું. કિન્તુ મારી ઈચ્છા બદરીનાથ પહોંચીને ત્યાંના પુણ્યપ્રદેશમાં વિશ્રામ કરવાની હોવાથી સૌ મને કે કમને આગળ વધ્યા. અમારી બંને ટેક્ષીઓ જોષીમઠથી નીચે ઉતરતી આગળ વધી. પાંચેક મિનિટનું અંતર કપાયું ત્યાં તો અમારા ટેક્ષી ડ્રાઈવરે ટેક્ષીને બ્રેક મારીને બૂમ પાડી કે ખતમ. મરી ગયા ! એ ગભરાઈ ગયો. નાહિંમત બન્યો. સમીપવર્તી પર્વત પરથી એક મોટો તોતીંગ શિલાખંડ નીચે પડ્યો, અને અમારા માર્ગને રોકીને ઊભો રહ્યો. ડ્રાઈવરે જો સમયસૂચકતા વાપરીને બ્રેક ના મારી હોત તો એના આઘાતથી અમારી મોટરના ફૂરચેફુરચા ઊડી જાત અથવા મોટર નીચે ગંગામાં પડત.
બંને ટેક્ષીઓ રસ્તામાં અટકી પડી. આજુબાજુ અંધકારના ઓળા ઉતરવા માંડ્યા. હવે શું કરવું ? આગળ વધવાની મુશ્કેલી હતી. અને એ પર્વતીય માર્ગે પાછળ પણ જઈ શકાય તેમ ન હતું. મેં સૌને પ્રાર્થના કરવાની સૂચના કરી. એવે વખતે પ્રાર્થના કોણ કરે ? સૌનાં મન વિક્ષિપ્ત હતાં. મેં શાંતિપૂર્વક, સર્વેશ્વર પરમાત્મામાં શ્રદ્ધાભક્તિ સહિત એમના અસાધારણ અનુગ્રહ માટે પ્રાર્થના કરી. ત્યાં તો એક ચમત્કાર બન્યો. હા, એને ચમત્કાર જ કહી શકાય. અમે જે પથ પરથી પસાર થઈને આગળ વધેલા તે પર્વતપથ પર દૂર કેટલાક મજૂર જેવા માણસો દેખાયા. અમારી પ્રાર્થનાને માન્ય રાખીને એ દેવદૂતની જેમ અમારી પાસે પહોંચી ગયા. એમણે એમના ઓજારોથી પેલા પાષાણખંડને પથની એક બાજુએ ખસેડી દીધો. એ પછી અમારી મોટરો આગળ વધી. મેં અને અન્ય સૌએ સર્વેશ્વર પરમાત્માનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો.
જીવનના પુણ્યપ્રવાસનું પણ ઓછેવત્તે અંશે એવું જ છે. એ પુણ્યપ્રવાસ સદાને સારું, સરળ, સુખસભર, શાંતિમય નથી હોતો. એમાં પાર વિનાની પ્રતિકૂળતાઓ, પ્રલોભનો, પરિતાપો, પીડાઓ આવ્યા કરે છે. પાષાણો પથરાયા હોય છે કે પડે છે. એમાં મખમલની મુલાયમ જાજમો નથી બિછાવી હોતી. ગુલાબો ક્વચિત અને કંટક જ અધિક હોય છે. છાયા સ્વલ્પ અને તાપની માત્રા વિશેષ હોય છે. તો પણ જીવનના એવા જટિલ પુણ્ય-પ્રવાસમાં નિરાશ થવાનું, નાહિંમત બનવાનું કે નાસીપાસ થવાનું નથી.
પાર વિનાની પ્રતિકૂળતાઓ, પીડાઓ, પ્રલોભનવૃત્તિઓ અને અનેકવિધ અવરોધોની વચ્ચેથી પણ મનને બનતું મક્કમ કે મજબૂત રાખીને સર્વેશ્વર પરમાત્માનું શરણ લેતાં ને સ્મરણ કરતાં આગળ વધીએ તો પ્રતિકૂળતાઓને પાર કરીને પ્રવાસને પ્રશાંતિપૂર્વક પૂરો કરી શકીએ. જીવનના જટિલ પ્રવાસને સાચા અર્થમાં પુણ્યપ્રવાસ કરીએ.
- શ્રી યોગેશ્વરજી