ચારે તરફથી ફરિયાદ કરવામાં આવે છે કે દેશમાં દુરાચાર વધતો જાય છે. માનવતા, નીતિમત્તા, નેકી અથવા પ્રામાણિકતાના ને પવિત્રતાના પાયા હાલી ઊઠ્યા છે ને તૂટવા લાગ્યા છે. સત્તાની સ્પર્ધા, પદ ને પ્રતિષ્ઠાની લાલસા, અધિકારનો ઉન્માદ, છળકપટ, યેનકેન પ્રકારેણ પોતાનું મહત્વ તથા પ્રભુતા જાળવવાની ને ખુરશીને સાચવવાની પ્રવૃત્તિ, વાતો મોટી પરંતુ વર્તન ખોટું. જેમ તેમ કરીને ધનસંગ્રહ કરવાની કે સંપત્તિશાળી બની જવાની તૃષ્ણા, સિદ્ધાંતનિષ્ઠા અને આદર્શનો અભાવ, લાંચરૂશ્વત, કાળાબજાર - દેશમાં ઠેરઠેર એનું દર્શન થાય છે. આઝાદી પછી એ બધું ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતું જાય છે. એ ફરિયાદ ઓછાવત્તા પ્રમાણમાં સાચી હોય તો પણ એનો ઉપાય શું ? એને મટાડવાનો માર્ગ કયો ? સરકાર પોતાની રીતે જે કરવા જેવું હશે તે કરશે, પરંતુ આપણે પણ એ દિશામાં સક્રિય એવું કરી શકીએ.
એક ગામમાં એકાએક વીજળીનો સંબંધ કપાવાથી અંધારું ફરી વળ્યું. લોકોએ અંધાર, અંધારની બૂમો પાડવા માંડી. એ વખતે કેટલાક યુવકોએ પોતાના ફાનસ સળગાવ્યાં અને પહોંચાડી શકાય તેટલા ઘરોમાં મીણબત્તીઓ પહોંચાડી. થોડા વખતમાં તો મોટાભાગના ઘરોમાં રોશની ફરી વળી ને લોકોની ફરિયાદ દૂર થઈ ગઈ. ગામના બધા માર્ગો મેલા થઈ ગયા ને લોકો ફરિયાદ કરવા લાગ્યા ત્યારે એ યુવકોએ પોતાના માર્ગો સાફ કર્યા ને ગામને સ્વચ્છ કરવાનું સેવાકાર્ય આરંભ્યું.
આપણે પણ કેવળ ફરિયાદો કરવાને બદલે અને બીજાને દોષ દઈને બેસી રહેવાને બદલે આપણા પોતાના જ ઘરની ગંદકીને દૂર કરીએ અને આપણી જીવનશેરીઓને સ્વચ્છ કરવાનો પ્રયત્ન આદરીએ, બીજાને એ શુદ્ધિકાર્યનો ચેપ લગાડીએ અને સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીને સમજીને કોઈ પણ સંજોગોમાં દુરાચારી ન થવાનો ને સદાચારી બનવાનો સંકલ્પ સેવીએ તો આસપાસનો અંધકાર ધીમેધીમે છતાં મક્કમ રીતે દૂર થાય અને આજુબાજુની અશુદ્ધિનો અંત આવે. શુદ્ધિની શરૂઆત આપણા પોતાના જ જીવનથી કરીએ. આપણી પોતાની જીવનવાટિકામાં પરિમલ પુલકિત પ્રાણવાન પુષ્પો પ્રકટાવીએ. સમાજ વ્યક્તિનો જ બનેલો છે, વ્યક્તિઓનો સમૂહ છે, એનું ધ્યાન રાખીએ. એકેક વ્યક્તિ આદર્શ જીવન જીવવાનો સંકલ્પ સેવશે, આગ્રહ રાખશે, સુધરવા માંડશે, સંનિષ્ઠ બનશે, તો સમસ્ત સમાજનું વાયુમંડળ વિશદ થશે, ઉદાત્ત બનશે. થોડી કે વધારે વ્યક્તિઓ પણ આદર્શ જીવન જીવવાનો પ્રયાસ કરશે તો એની અસાધારણ અસર અન્ય અને અનેક પર પડ્યા વિના નહિ રહે.
- શ્રી યોગેશ્વરજી