એક ભાડૂતે શહેરમાં તાજેતરમાં તૈયાર થયેલા નવા જ મકાનને ભાડે રાખ્યા પછી એની સારી પેઠે સંભાળ રાખીને અને સરસ રીતે સાચવીને ચિત્તાકર્ષક બનાવી દીધું. એની દિવાલોને સુંદર રંગે રંગી દીધી, એની આગળની ઉજ્જડ જેવી જગ્યાનો ઉપયોગ કરીને સરસ બગીચો બનાવી દીધો, પ્રવેશદ્વારને આકર્ષક બનાવ્યું અને આખાયે મકાનને સરસ રીતે સજાવી દીધું. જે પણ એની મુલાકાત લેતા એ એના અવલોકનથી આશ્ચર્યચકિત અને આનંદમગ્ન બની જતા. એની મુક્ત કંઠે, કોઈ પણ પ્રકારના સંકોચ સિવાય પ્રશંસા કરતા. વાહવાહ પોકારી ઉઠતા.
એની બાજુમાં તાજેતરમાં જ તૈયાર થયેલા એવા જ એક બીજા મકાનને બીજા ભાડૂતે ભાડે રાખેલું. એણે એને સારી પેઠે સાચવવાને બદલે બગાડી નાંખેલું. એની દિવાલો પરના રંગને ઉખાડી નાખેલો, આંગણાને અશુદ્ધ કરેલું, અને બારીના કેટલાક કાચને તોડી નાખેલા. મુલાકાતીઓ એને અવલોકીને પ્રસન્ન બનવાને બદલે ઉદાસીનતા ધારણ કરતા. એમને એ સ્મશાન જેવું લાગતું. ભાડૂતે એને સારું રાખવાનો અને શણગારવાનો પ્રયાસ જ નહોતો કર્યો.
માનવને મળેલું માનવશરીર અને જગત પણ ભાડૂતી મકાન જેવું જ છે. કેટલાક માનવો એમાં આવીને એને સુરક્ષિત રાખે છે, શણગારે છે, વધારે ને વધારે સારું કરવાનો પુરુષાર્થ કરે છે, તો કેટલાક એને બગાડે છે, એની શોભામાં વધારો કરવાને બદલે ઘટાડો કરે છે. જે ઘર પોતાનું નથી એને પોતાનું સમજે છે, એમાં મમતા અને આસક્તિ કરે છે અને એને છોડવાનો સમય આવતા બેચેન બને છે, શોક કરે છે, ને સંતાપ અનુભવે છે.
માનવજીવન અને જગત એક ભાડૂતી ઘર જેવું છે. એમાં મમતા અથવા માલિકીભાવ કરવો અસ્થાને છે. એના મૂળ માલિક આપણે નથી. આપણે તો ભાડૂત છીએ, એ યાદ રાખવાનું છે. આ ઘરમાં શ્વાસ લેવાનું સૌભાગ્ય સાંપડ્યું છે ત્યારે એને અધિકાધિક સ્વચ્છ, સુંદર, સમૃદ્ધ અને સમુન્નત કરવાનો અને એના ગૌરવને જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ એ આવશ્યક છે. એને બગાડવાનો, આસુરી સંપત્તિથી ભરી દેવાનો પ્રયાસ તો ન જ કરીએ. આ જગત-ઘરને છે એનાં કરતાં વધારે સરસ, શોભાસ્પદ બનાવવાનો વ્યક્તિગત તથા સમષ્ટિગત પ્રયાસ કરીએ તો એના સ્વરૂપને પલટાવી શકીએ. એવું ના કરીએ તો આપણા સિવાય બીજા કોઈનેય દોષ દેવાનો ના હોય. ભાગ્યને, ગ્રહ-નક્ષત્રને, કાળને, કર્મને, ઈશ્વરને, કોઈનેય નહીં.
- શ્રી યોગેશ્વરજી