if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 વરસો સુધી ધર્મ ને સાધનાના ગ્રંથોનું વાંચન ને મનન કરવાથી જે ફળ મળે, તેથી પણ વધારે કીમતી ફળ સાધના ને ધર્મથી જીવનને ઉજ્જવલ કરી ચુકેલા એક સંતપુરુષના દર્શન ને સમાગમથી મળે છે. તેવા સંતપુરુષની હાજરી ખૂબ જ પ્રેરણારૂપ નીવડે છે ને તપેલા અંતરને માટે શાંતિ આપનારી સાબિત થાય છે. તેના સમાગમથી મનને અશાંત કરનારી કે બેચેન બનાવનારી શંકાઓનું સુખદ સમાધાન થાય છે ને કેટલાક અવનવા અનુભવોની માહિતી મળે છે.

વેદબંધુ વધારે ભાગે યોગી હતા. યોગ તરફ તેમનું વલણ વધારે હતું. પણ તે એકલા યોગી ન હતા. તેમને વેદાંત તરફ ખાસ રુચિ હતી. તેમની દૃષ્ટિ જ્ઞાનમયી હતી. અષ્ટાવક્ર ગીતાના શ્લોકો પર તેમને ખાસ પ્રેમ હતો. તે ઉપરાંત, તેમને ભક્તિમાર્ગ માટે પણ માન હતું. તેના સિદ્ધાંતોને તે સારી પેઠે સમજી શકતા. એટલે તેમની વિચારદૃષ્ટિ વિશાળ હતી. તેમાં સંકુચિતતા ન હતી.

અમારી વચ્ચે પરસ્પર પ્રેમ વધતો ગયો તેમ તેમ અમે વધારે ને વધારે પાસે પહોંચતા ગયા. અમારી વચ્ચેનું બહારનું અંતર ઓછું થતું ગયું એટલે અમે એકમેકની આગળ અમારા વ્યક્તિગત અનુભવોની આપ-લે કરવા લાગ્યા. ઋષિકેશમાં મને જે ત્રિકાળજ્ઞ મહાત્માનો મેળાપ થયો હતો તેમના વિશે મેં વેદબંધુને વાત કરી તો તે રાજી થયા ને બોલી ઉઠ્યા : 'આ દેશમાં આજે પણ એવા ત્રિકાળજ્ઞાની મહાપુરુષો કેટલાય છે. કોઇ વાર પ્રભુની કૃપાથી તેમનું દર્શન થઇ જાય છે ત્યારે અતિશય આનંદ થાય છે. હમણાં થોડાક મહિના પહેલાં અમે એક સુંદર સ્થળમાં રહેતા હતા. પ્રભુદત્તજી પણ મારી સાથે હતા. ત્યાં તે ભાગવતની કથા કરાવતા. એક દિવસ ત્યાં એક મહાપુરુષ આવી પહોંચ્યા. તે તદ્દન નગ્ન દશામાં રહેતા. કથા પૂરી થયા પછી રાતે તે અમારી પાસે આવ્યા. અમે તેમનો સત્કાર કર્યો. થોડી વાર સુધી એમ ને એમ બેસી રહ્યા પછી તેમણે મને ને પ્રભુદત્તજીને અમારા ભૂત ને ભાવિ જીવનની વાતો કહેવા માંડી. તેમની ભૂતકાળની વાતો અમારા જીવન સાથે બંધબેસતી હતી, તેથી અમને ભારે નવાઇ લાગી. અમને તેમની મહાનતાની ખાત્રી થઇ. વાતો પૂરી થયા પછી અમે એમને આરામ કરવાની વ્યવસ્થા કરી આપી. પછી નિર્ણય કર્યો કે તે લોકોત્તર સંતપુરુષનું અમે સવારે સારી રીતે સન્માન કરીશું ને તેમની યોગ્ય સેવા કરીશું. પરંતુ સવારે તો તેમનું દર્શન જ ના થયું. વહેલી સવારે જ તે ક્યાંક રવાના થઇ ગયા. અમારા હાથમાં ઓચિંતો આવેલો હીરો આમ તદ્દન અજ્ઞાત રીતે જતો રહ્યો અને અમે એમની સેવાથી વંચિત રહ્યા. એથી અમને દુઃખ થયું. પણ બીજો કોઇ ઉપાય પણ ન હતો. એટલે તેમની થોડીક નિષ્ફળ શોધ કરીને અમે શાંતિ મેળવી. આ દેશમાં આવાં કેટલાં ગુપ્ત રત્નો છે તેની કોને ખબર છે ?'

મેં કહ્યું : 'કોઇ વાર તેમનો સમાગમ થઇ જાય ત્યારે જ તેની ખબર પડે છે. તે પોતે જ્યાં સુધી કૃપા કરીને તેમના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ ના આપે ત્યાં સુધી તેમના સમાગમમાં આવવાનું થાય તો પણ તેમને કોણ ને કેવી રીતે ઓળખી શકે ? તેમના સાચા સ્વરૂપને સમજવાનું કામ સામાન્ય તો શું પણ અસામાન્ય માણસોને માટે પણ મુશ્કેલ છે. બાકી તો આ દેશનું સદભાગ્ય ને ગૌરવ છે કે એમાં આવા લોકોત્તર મહાપુરુષો આવા કઠિન સંક્રાતિકાળમાં પણ પ્રકટે છે ને વિચરણ કરે છે. ધર્મ, સાધના ને તેની લોકોત્તર શક્તિમાં ના માનનારા માણસોના જીવનમાં તે મોટી અસર કરે છે. તેમને પ્રેરણા પાય છે, વિચાર કરતા કરી મૂકે છે, ને મનમાં જળોની જેમ જામી ગયેલા કેટલાક રૂઢ ખ્યાલોના પાયાને હચમચાવીને તોડી પાડવામાં મદદ કરે છે. એ દૃષ્ટિથી વિચારીએ તો તેમની સેવા ઓછી નથી.'

વેદબંધુ મારી વાત સાથે સંમત થયા. એ પ્રમાણે રોજ વિવિધ વિષયોની ચર્ચા ચાલ્યા કરતી. કોઇ વાર ધર્મશાળાના વિશાળ ચોકમાં આંટા મારતા તો કોઇ વાર ઓસરીમાં આરામ કરતા. તે દિવસોમાં વેદબંધુને મેં મારા દશરથાચલ પરના અનુભવોનો ખ્યાલ આપ્યો. તેથી મારા પ્રત્યેનો તેમનો પ્રેમભાવ વધી પડ્યો. તે ખૂબ પ્રસન્ન થયા.

'મને પણ કેટલાક મહાન સંતપુરુષોના દર્શન થયા છે.' તે કહેવા માંડ્યા, 'જે પ્રમાણિકપણે સાધના કરે છે, તે એવા એવા અનેક અનુભવો મેળવી શકે છે. પણ અનુભવોને સર્વસ્વ માની લેવાની જરૂર નથી.'

'બરાબર છે. અનુભવોથી પ્રેરણા ને ઉત્સાહ મેળવીને માણસે આગળ વધવાનું છે. તેમને સર્વસ્વ માનીને બેસી જવાનું નથી. તેથી તો વિકાસ રુંધાય છે. આત્મસાક્ષાત્કાર અથવા ઇશ્વરદર્શન ના થાય ત્યાં સુધી આગેકૂચ ચાલુ જ રાખવાની છે, ધ્યેયની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી ખોટો સંતોષ પામીને કે ફુલાઇ જઇને બેસી રહેવાની વૃતિ બરાબર નથી. તે વૃતિથી સાધકે સદાયે સાવધ રહેવાનું છે.'

તે પછી તેમણે પોતાને થયેલા કેટલાક અનુભવોનો ઉલ્લેખ કરવાની શરૂઆત કરી : 'એક વાર મને મહમ્મદ સાહેબનું દર્શન થયું. તેમના હાથમાં પોપટ હતો. તેમનો ચહેરો તેજોમય ને સુંદર હતો. એ એક મહાપુરુષ હતા તે વાત તો જાણીતી જ છે. એમનામાં પ્રેમ ને વિશ્વાસ હોય એને આજે પણ એમનું દર્શન થઇ શકે છે. બીજા પણ કેટલાક સંતોના દર્શનનો લાભ મને મળી શક્યો છે. ભાગવત જેવા શાસ્ત્રો ને પુરાણોમાં ભગવાન વ્યાસની વાત આવે છે. તેમના દર્શનનો પણ લાભ મળ્યો છે.'

'વ્યાસનો ?'

'હા.' તે જરા વિચારમાં પડ્યા ને કહેવા માંડ્યા, 'તે વખતે હું ઉત્તરકાશી હતો. ઉત્તરકાશીથી દોઢેક માઇલ દૂર ગંગોત્રીની સડક પર લક્ષેશ્વર મહાદેવનું સુંદર એકાંત સ્થળ આવેલું છે. ત્યાં ગંગાતટ પાસેની એક નાની કુટિયામાં હું રહેતો. મેં મારાથી બનતી સાધના કરી પણ મને શાંતિ ના સાંપડી. તેથી મારી બેચેની વધતી જતી હતી. તેને દૂર કરવાનો કોઇ ઉપાય મારા હાથમાં આવતો ન હતો. મારી મૂંઝવણ વધી ગઇ. મેં વ્રત કરવાનો વિચાર કર્યો. નવરાત્રિના દિવસોમાં નવ દિવસ સુધી અન્નનો ત્યાગ કરીને પ્રભુની પ્રાર્થના કરવાનો સંકલ્પ કર્યો. તે પ્રમાણે નવરાત્રિના દિવસો આવી પહોંચ્યા ને મેં મારું વ્રત શરૂ કર્યું. કેવળ ગંગાજળ પર રહીને હું દિવસરાત એ એકાંત સ્થળમાં રહીને પ્રાર્થના કરવા લાગ્યો. નવમો દિવસ પૂરો થયો ત્યાં સુધી મને શાંતિ ના મળી. તે દિવસે સાંજે હું કુટિયાની બહાર બેઠેલો. તે વખતે ત્યાં એક સાપ આવ્યો. તે ખૂબ જ તેજસ્વી હતો. મારી પાસે આવીને તે ઊભો રહ્યો. એટલે બીજા દિવસને માટે મંગાવી રાખેલું દૂધ મેં તેની સામે ધર્યું ને પ્રભુનો પાર્ષદ માનીને તેના પર બેચાર ફૂલ નાખ્યા. દૂધ પીને તે જંગલને રસ્તે રવાના થઇ ગયો. પણ મને કોઇ વિશેષ અનુભવ ના થયો. તેથી મારી ચિંતા મટી નહિ. દસમે દિવસે સવારે હું ખૂબ જ ચિંતામાં હતો. મને થતું હતું કે અરેરે, મેં આટલી મહેનત ને પ્રાર્થના કરી પણ શાંતિ ના મળી. હવે મારું શું થશે ? મારે શું કરવું ? મારી આંખ ભીની થઇ. તે જ વખતે કુટિયામાં મારી સામે પ્રકાશ પથરાઇ ગયો ને તેમાં એક મહાપુરુષનું દર્શન થયું. મને સમજાયું કે તે મહાપુરુષ બીજા કોઇ નહિ પણ મહર્ષિ વ્યાસ હતા. તેમનું શરીર સોના જેવું તેજસ્વી ને ચમક ભરેલું હતું. આંખ જાણે અમૃતથી આંજેલી. તે શુદ્ધ સંસ્કૃતમાં મને શાંતિનો સંદેશ સંભળાવવા લાગ્યા. તેમના બધા શબ્દો મને યાદ નથી, પણ તેમના સંદેશના છેલ્લા શબ્દો कैवल्यं प्राप्यसि । તું કૈવલ્યની પ્રાપ્તિ કરીશ, એવા હતા. તેમણે જે કહ્યું એનો સાર આવો હતો : પૂર્વજન્મમાં તું શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદાચાર્યનો શિષ્ય હતો. તે વખતે તારામાં જ્ઞાન હતું પણ વિજ્ઞાન ન હતું. તેથી તું મુક્તિ ના મેળવી શક્યો. તે જન્મમાં તેં તારા એક મિત્રને સુવર્ણની ચોરી કરવામાં સાથ આપેલો. તેના પ્રાયશ્ચિત રૂપે તું આ જન્મમાં અશાંતિને અનુભવી રહ્યો છે. હવે ઉત્તરકાશીમાં જઇને અમુક જાતનો હવન કર, બ્રહ્મભોજન કરાવ. તેથી તારું પ્રાયશ્ચિત પૂરું થશે, તને શાંતિ મળશે, અને આ જન્મમાં તું કૈવલ્યની પ્રાપ્તિ કરી શકીશ.'

'એમ કહીને ભોજપત્રના કૌપીનવાળા એ મહાપુરુષ અદૃશ્ય થઈ ગયા. એ અનુભવથી મને શાંતિ મળી. ઉત્તરકાશીમાં આવીને તેમણે કહેલી વિધિ પ્રમાણે મેં હવન કરાવ્યો ને બ્રહ્મભોજન પણ કરાવ્યું. તે પછી થોડા દિવસમાં એક ધન્ય પળે મને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થયો. તેથી મારી બધી અશાંતિ દૂર થઇ. આજે મને શાંતિ છે, સંપૂર્ણ શાંતિ છે.'

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.