વેદબંધુનો અનુભવ ખરેખર અદૂભુત હતો. જેમને સાધનામાં શ્રદ્ધા નથી, સાધનાના મર્મની સમજ નથી, ને જેમનું જીવન સાધનામય નથી, તેમને માટે એવા અલૌકિક અનુભવોને સમજવાનું ને માનવાનું કામ કઠિન થશે. પણ તેથી તેમની સત્યતા મટી જતી નથી. માણસ જેમ જેમ પ્રામાણિક, પવિત્ર ને પ્રભુપરાયણ થશે ને અંતરંગ સાધનાની દુનિયામાં ઊંડો ને ઊંડો ઊતરતો જશે, તેમ તેમ તેને આવા અનેક જાતના અનુભવોનું રહસ્ય સમજાતું જશે. આવા અનુભવોનો આનંદ ક્રમે ક્રમે મળતો રહેશે. મારા જીવનમાં આવી જાતના અનુભવ એક યા બીજા સ્વરૂપમાં થઈ ચૂકેલા, તેથી તેને સમજવાનું કામ મારા માટે મુશ્કેલ ન હતું. વેદબંધુને થયેલો અનુભવ આનંદદાયક હતો. તેને સાંભળવાથી પણ આનંદ મળતો. વેદબંધુ હવે સંપૂર્ણ શાંતિમાં સ્નાન કરતા હોય તેવા દેખાતા. તેમાં તેમને મળેલા અનુભવનો ફાળો ઓછો ન હતો.
વેદબંધુને વ્યાસનું દર્શન થયું કે દત્તાત્રેયનું તેની મને બરાબર સ્મૃતિ નથી. તે દર્શન ગમે તેનું હોય તો પણ શાંતિદાયક હતું એમાં સંદેહ નથી. તેમને થયેલા અનુભવનો વિચાર કરવાથી એક-બે વિશેષ વિષયો આપણી સામે ઊભા થાય છે. તેમને મળેલી માહિતી મુજબ તે શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદાચાર્યના શિષ્ય હોય તો તેમને થયે અથવા શરીર છોડ્યે ઘણો વખત વીતી ગયો કહેવાય. તો પછી વર્તમાન શરીર ધારણ કર્યા પહેલાંનો હજારથી પણ વધારે વરસોનો ગાળો તેમણે ક્યાં ને કેવી રીતે પસાર કર્યો હશે ? સાધારણ માણસને એવો પ્રશ્ન ઊઠવાનો સંભવ છે. તેના ઉત્તર માટે ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગભ્રષ્ટ પુરુષની ગતિના જે શ્લોકો છે તે મદદરૂપ થઈ પડે તેવા છે. તેમાં વર્ણવ્યા પ્રમાણે તે કોઈ પુણ્યવાન લોકમાં એટલો વખત રહ્યા હશે એમ માનવામાં જરા પણ હરકત નથી. તેવી માન્ચતા શાસ્ત્રીય છે ને તર્ક તથા અનુભવના આધાર પર સાચી ઠરે છે. શાસ્ત્રોમાં મૃત્યુલોક ઉપરાંત બીજા દૈવી લોકોનું વર્ણન અનેક ઠેકાણે આવે છે. તેની કોઈ પણ પ્રકારના વિશેષ પ્રયોગ અને અનુભવ વિના અવગણના કરવાની વૃત્તિ બરાબર નથી.
વેદબંધુને મળેલા અનુભવના આધાર પર વિચાર કરીએ તો જણાય છે કે સુવર્ણની ચોરીમાં મદદરૂપ થવા માટે હજાર જેટલાં વરસ પછી પણ તેમને જન્મ લેવો પડ્યો અને પોતાના અપરાધનું પ્રાયશ્ચિત કરવું પડ્યું. એનો અર્થ એ થયો કે માણસ જે સત્કર્મ કે દુષ્કર્મ કરે છે તેનું ફળ તેને વહેલું કે મોડું જરૂર મળે છે. પદ્મપાદનો શિષ્ય કાંઈ સાધારણ શ્રેણીનો ના હોય. જ્ઞાન ને સાધનાના પવિત્ર પ્રદેશનો પ્રવાસ તેણે સારી પેઠે કર્યો હશે. તેવા વિશેષ અધિકારી પુરુષને પણ પોતાના એકાદ અપરાધને માટે ફરી જન્મ લઈને અશાંતિ ભોગવવી પડી, તો પછી જે માણસો હાલતાં ચાલતાં જૂઠું બોલે છે, કપટ કરે છે, દંભ, પાખંડ ને અનીતિનો આધાર લે છે; ચોરી, ખૂન તથા જુગાર ને વ્યભિચાર જેવાં મહાપાપોનું પુનરાવર્તન કર્યા કરે છે, તેમનો ઉદ્ધાર સહેજ વારમાં કેવી રીતે થઈ શકવાનો છે ? જે ડગલે ને પગલે પાપ કરે છે તેમને કેટલી બધી યંત્રણા અને અશાંતિમાંથી પસાર થવું પડશે ? કરેલાં કુકર્મોને ભોગવવા જન્મોજન્મ લગી ન જાણે કેટલોય દંડ તેમની રાહ જોયા કરશે. માણસ જે કરે છે તે તેણે ભોગવવું પડે છે. સત્કર્મ અથવા દુષ્કર્મનું સારું કે નરસું ફળ આ જન્મમાં મળતું ના દેખાય તો પણ મળશે જ નહિ એમ માની લેવાની જરૂર નથી. માટે માણસે દુષ્કર્મ ને પાપથી બચવાની કોશિષ કરવી જોઈએ. કુકર્મ કરવાની વૃત્તિ જ ના થાય એવી રીતે સ્વભાવને શુદ્ધ કરી દેવો જોઈએ. જેમને આત્મોન્નતિ અથવા ઈશ્વરદર્શનની ઈચ્છા હોય તેવા સાધકોએ તો આ વાતને ખાસ યાદ રાખવાની છે. મન,વચન, કાયાથી પવિત્ર થઈને તેમણે પવિત્ર કર્મો કરવાની ટેવ પાડવાની છે, તે વિના તેમની સાધના ભાગ્યે જ સફળ થઈ શકશે. જે જીવન જતું રહ્યું છે તે ફરી આવવાનું નથી. પણ જે બાકી છે તે જીવનને સંભાળી લેવામાં આવે તો પણ ઘણું છે. બાકીના જીવનમાં કોઈ કુકર્મ ના થાય ને કલંક ના લાગે તે માટે સાવધ રહેવાથી મોટો લાભ થશે. વેદબંધુનો અનુભવ એવી પ્રેરણા પણ પૂરી પાડે છે.
ટિહરીના નિવાસ દરમ્યાન મને અનેક અનુભવો થતા. મારું વલણ તે વખતે વધારે ભાગે યોગ તરફ હતું. યોગ સાધનાનો પ્રવાહ વધારે પ્રમાણમાં ચાલી રહેલો. ધ્યાન ને સમાધિ તરફ મારું ધ્યાન વધારે રહેતું. રાતે વધારે ભાગે હું બેસી જ રહેતો. ધ્યાનમાં શરીરનું ભાન ભુલાઈ જતાં જે આરામ મળતો તે મારે માટે પૂરતો થઈ પડતો. બેસી રહેવાથી પગ દુખવા માંડતા ત્યારે તેમને થોડીવાર લાંબા કરીને રાહત મેળવી લેતો. રાતનો સમય શાંતિપૂર્વક પસાર થઈ જતો. આજે પણ મને લાગે છે કે રાતનો શાંત સમય સાધના માટેનો સર્વોત્તમ સમય છે. એ વખતે જે કુદરતી શાંતિ રહે છે તે મનને વશ અને એકાગ્ર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી સારા સાધકોએ રાતના શાંત સમયનો સદુપયોગ કરીને બને તેટલી સાધના કરવી જોઈએ.
તે વખતે મને જે જુદા જુદા અનુભવો થતા તેનો ઉલ્લેખ હું વેદબંધુ પાસે કર્યા કરતો. તેવો ઉલ્લેખ પરસ્પરના પ્રેમને લીધે સહજ રીતે જ થયા કરતો. વેદબંધુ ભારતના કેટલાય ગુપ્ત ને પ્રકટ સંત-મહાત્મા ને સાધકોના સમાગમમાં આવેલા. તે કહેતા કે તેમણે આજ સુધીમાં પાંચથી છ જેટલા ઊંચી કોટિના જીવનમુક્ત મહાપુરુષોને જોયેલા. તેમાં તે શ્રી રમણ મહર્ષિ નો સમાવેશ કરતા. મારી ઉંમર તે વખતે ખૂબ જ નાની હોઈને તે મારા પર પણ ખાસ પ્રેમ રાખતા.
તે દિવસોમાં મને એક વિશેષ ઉલ્લેખનીય અનુભવ થયો. એકવાર રાતે હું ધ્યાનમાં બેઠેલો. મધરાત પછી મને ધ્યાનમાં આનંદ આવવા માંડ્યો. જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ મારી એકાગ્રતા વધતી ગઈ. તે વખતે ખરેખર કેટલા વાગ્યાનો વખત હશે તેની મને ખબર નથી. મારી પાસે તે જાણવાનું કોઈ સાધન પણ તે વખતે ન હતું. તે દરમ્યાન મારું શરીરભાન ભુલાઈ ગયું. સમાધિ દશાના અનુભવની શરૂઆત થઈ. મને પ્રકાશ-પ્રકાશ દેખાવા લાગ્યો. હજારો દીવા એકી સાથે પ્રકટવાથી જેવો પ્રકાશ થાય તેવો તે પ્રકાશ હતો. તે પ્રકાશની અંદર મને કરોડરજ્જુનું દર્શન થવા માંડ્યું. કરોડરજ્જુની અંદરનો ભાગ દેખાવા માંડ્યો. તે પણ હજારો દીપકના પ્રકાશ જેવા પ્રકાશથી ભરપૂર હતો. તે પ્રકાશમાં મેં જોયું કે કરોડરજ્જુની નીચેના ભાગમાંથી કોઈ સૂક્ષ્મ શક્તિતત્વ ધીરે ધીરે ઉપર ચઢી રહ્યું છે. મને થયું કે આજ કુંડલિની, યોગના ગ્રંથોમાં જેનું વર્ણન છે તે કુંડલિની આ જ છે. ધીમે ધીમે ઉપર ચઢતી ચઢતી તે શક્તિ મારા હૃદય અને પછી કંઠના પ્રદેશ સુધી આવી પહોંચી. પછી તે ભૂમધ્ય પાસે આવવા લાગી. તે વખતે મને શરીરનું સ્મરણ ન હતું. કેવળ સૂક્ષ્મતર સ્વરૂપમાં જાગ્રત રહેલું મન આ બધું અનુભવી રહેલું. તે શક્તિ જેમ જેમ ઉપર ચઢતી તેમ તેમ મારું મન પ્રકાશના વમળમાં ગોળ ગોળ ફરતું. તે વખતે મારી જે દશા હતી તેની સરખામણી ગાડાં કે રથના ગોળ ફરતા પૈડા સાથે કરી શકાય. મન પણ તેમ ફરતું હતું. પણ તે ફરવાનું ધીરે ધીરે હતું. તે વખતે મને આનંદ અને અજાયબી બંનેનો અનુભવ થતો. એ પ્રમાણે ફરતું ફરતું મન ક્યાં જશે ને મારા શરીરનું શું થશે તેનો વિચાર કરીને મને થોડોક ભય પણ થતો. આવો અનુભવ મારે માટે તદ્દન નવો હતો. તે વખતે એક બીજો અનુભવ પણ થઈ રહ્યો. મારા હૃદયના ધબકારા ધીરે ધીરે ઓછા થતા જતા હતા. તે એકદમ શાંત પડી જવાની તૈયારીમાં હતા. યોગ ગ્રંથોમાં મેં વાંચ્યું હતું કે ઊંચી જાતની નિર્વિકલ્પ સમાધિમાં હૃદયના ધબકારા પણ બંધ થઈ જાય છે. એ વાતનો અનુભવ મને પ્રત્યક્ષપણે થઈ રહ્યો. મને થયું કે હું નિર્વિકલ્પ સમાધિ તરફ જઈ રહ્યો છું કે શું ? એ સમાધિ તરફ હું ધીરે ધીરે જઈ રહ્યો હતો. એ આખોયે અનુભવ ઓચિંતો હોવાથી મને સંકોચ કે ભય થતો હતો. એ અનુભવ કેટલા વખત સુધી રહ્યો તે તો કોણ જાણે, પણ તે પછી મને કોઈ પ્રકારનું સુક્ષ્મ ભાન પણ ના રહ્યું. મન પણ જાણે કે મરી ગયું
આંખ ઉઘડી ત્યારે સવાર થઈ ગયેલું. બહાર સૂર્યનો પ્રકાશ પથરાઈ ગયેલો. વેદબંધુ મારી રાહ જોઈને મારા ખંડ બહાર ઊભેલા. હું બહાર નીકળ્યો એટલે તે કહેવા માંડ્યા : 'અરે, આટલું બધું મોડું ? કેટલા વખતથી તમારી રાહ જોઉં છું. તમારા મુખ પર પ્રકાશ અને આનંદ છે. કોઈ ઉત્તમ અનુભવ થયો હોવો જોઈએ.'
મેં તેમને મારા અલૌકિક અનુભવની વાત કહી બતાવી. તેથી તે ખૂબ પ્રસન્ન થયા ને મને ભેટી પડ્યા. 'ધન્ય છે તમને !' તે બોલી ઊઠ્યા : 'તમારા પર પ્રભુની પૂરી કૃપા છે.'
કુંડલિનીનો આવો અનુભવ શ્રી રામકૃષ્ણદેવના જીવનચરિત્રમાં આવે છે. જિજ્ઞાસુજનો તે જોઈ શકે છે. હું તો છેક સાધારણ છું. મારી સાધના છેક સાધારણ છે. રામકૃષ્ણદેવની શક્તિ ને યોગ્યતા તો ઘણી લોકોત્તર હતી. હું તો તેમના ચરણની રજ થઈ શકું તો પણ ઘણું છે. છતાં તેમના જીવનચરિત્રમાં વાંચેલા એવા અનુભવ યાદ કરીને મને આનંદ થયો. ઈશ્વરની કૃપા વિના મારા જેવા સાધારણ સાધકને એવો અનુભવ ભાગ્યે જ થઈ શક્યો હોત.

