Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 ગોપીનાથ ભગવાનનાં દર્શને જતાં રસ્તામાં જ ગૌડીય મઠના મેનેજર મળ્યાં. તેમણે અમને વળતાં મઠની મુલાકાત લેવા કહ્યું. તે અમને આગ્રહપૂર્વક મઠમાં લઇ ગયા. મઠમાં પ્રવેશતાં જ તેમણે કહ્યું, ‘પુરીમાં ખાસ જોવા જેવું આ એક જ શ્રેષ્ઠ સ્થળ છે-ગૌડીય મઠ.’

મેં પૂછયું, ‘જગન્નાથનું મંદિર પણ નહિ ?’ અને તે પોતે કરેલી અતિશયોક્તિને સમજી ગયા.

મઠમાં પ્રવેશ્યા પછી એમણે અમારી તરફ ફરીને પૂછયું : ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશે તથા ભક્તિમાર્ગ વિશે જેમણે કેટલાય વિદ્વતાપૂર્ણ લોકોપયોગી મહાગ્રંથો લખ્યા છે તે પરમ વૈષ્ણવ વિદ્યાવ્યાસંગી વૃદ્ધ મહાપુરુષના દર્શનનો લાભ લેવાનું તમને ગમશે ? તે અહીં જ રહે છે.’

મઠમાં બીજું કાંઇ દર્શનીય અને અસાધારણ ના હોવાથી સહેજે સાંપડેલા એ આમંત્રણથી અમે આનંદ પામ્યાં.

જોતજોતામાં વિભિન્ન વિષયો પર વાર્તાલાપ કરતા એ અમને પેલા પ્રાતઃસ્મરણીય પ્રસિદ્ધ મહાત્મા પાસે લઇ ગયા. એ અતિશય વૃદ્ધ હતા અને આકર્ષક આસન પર વિરાજેલા. એમની પીઠ પાછળ ટેકો દેવા માટે પાટલો મૂકેલો.

થોડીવાર પછી તેમણે માળાને બાજુએ મૂકી. ખૂબ જ મૃદુ સ્વરે તે અમારા તરફ જોતાં બોલ્યા: ‘હું ભગવાનના ચરણના દાસના દાસનો પણ દાસ છું. એક સાધુ તરીકે મારો તમારી સેવા કરવાનો ધર્મ છે. બોલો તમારી શી સેવા કરું ?’

એમની વાણી ખૂબ જ મીઠી ને નમ્રતાથી ભરેલી. બોલનારનું દિલ નિર્મળ ને નમ્ર છે એ તેમની મુખાકૃતિ પરથી સ્પષ્ટ જણાતું.

મેં કહ્યું : ‘અમને તમારા દર્શનથી જ આનંદ થયો છે. તો તમારા જેવા મહાપુરુષ પાસેથી સેવાની બીજી શી આશા રાખી શકાય ?’

તેમણે કહ્યું : ‘શરીરના દર્શનમાં શું આનંદ છે ?’

મેં કહ્યું : ‘શરીરનું જ નહિ પણ શરીરમાં બેઠો છે ને શરીર દ્વારા વ્યક્ત થઇ રહ્યો છે તે આત્મા-તેનું દર્શન.’

તે બોલ્યા : ‘મને તો હજી તે આત્માનો અનુભવ થતો નથી. હું તો હજી ચામડું જ જોઉં છું. પણ પ્રયાસ કરું છું. મને આશીર્વાદ આપો કે પ્રભુની કૃપા મારા પર વરસે ને તે આત્માનું દર્શન હું કરી શકું. તેનો સાક્ષાત્કાર હજી મને નથી થયો.’

કેટલા નમ્ર શબ્દો ? આજના આપબડાઇના જમાનામાં નમ્રતાની આવી ભાષા-ને તે પણ એક વયોવૃદ્ધ સાધુપુરુષના મુખમાંથી ભાગ્યે જ નીકળી શકે. એ મહાપુરુષનું હૃદય ઉચ્ચ હતું એમાં શંકા નથી.

મેં કહ્યું : ‘આત્માનું દર્શન તમે નથી કરી શક્યા તે ભલે, પણ આત્માનો સાક્ષાત્કાર નથી કરી શક્યા એ વાતનો સાક્ષાત્કાર કરી શક્યા છો તે ઓછું મહત્વનું છે ? એ સાક્ષાત્કાર ઓછો છે ? એ સત્ય પ્રત્યે જાગ્રત રહેવું એ કાંઇ નાનીસૂની વાત નથી. ઇશ્વરની કૃપા હોય તો જ એવી જાગૃતિ આવી શકે. અમે સાધારણ માણસો તમને શું આશીર્વાદ આપી શકવાના હતા ? ઇશ્વરના આશીર્વાદ તમારા પર વરસી ચૂકેલા છે.’

તેમણે મારું નામ પૂછયું. મેં કહ્યું, ‘ગુજરાતી મહાત્મા તરીકે હમણાં તો સૌ ઓળખે છે.’

‘ગુરુએ કોઇ નામ નથી આપ્યું ?’

‘ગુરુએ બીજું આપવા જેવું આપ્યું છે, પણ નામ આપવાનું ભૂલી ગયા છે. મને તેની ચિંતા પણ નથી. હવે તો ઇશ્વર જે નામ આપે તે ખરું. તે સૌનોય ગુરુ છે.’

તે શાંત રહ્યા. થોડી વારે બોલ્યા, ‘હે કૃષ્ણ, હે ગોવિંદ !’

મેં પ્રેમભાવે કહ્યું, ‘બસ, એ જ નામ સૌથી પ્યારાં છે. યાદ રાખવા જેવાં ને જાણવા જેવાં પણ તે જ છે. તેથી જ પરમશાંતિ મળે છે. બીજા નામ તો હજારો છે. તેથી શું વળે ?’

હવે સાંજ પડી ચૂકી હતી એટલે અમે ઊભાં થયાં. દરિયાને કિનારે ફરતાં અને આકાશના ગુલાબી રંગોને નિહાળતાં અમે પેલા મહાપુરુષની નમ્રતાને યાદ કરવા લાગ્યાં. મહાપુરુષો ખરે જ નમ્ર હોય છે. જેમ પાકેલું ફળ તેમ તેમનું અંતર પણ અત્યંત કોમળ હોય છે. નમ્રતાને ધારણ કરવાનો એ મહામંત્ર પણ જો એ મહાપુરુષ પાસેથી શીખાય તો જીવન ધન્ય બની જાય.

અમે બહાર નીકળ્યાં એટલે તે મહાપુરુષે પાછું છાપું વાંચવા માંડ્યું ! જો કે તે વખતે અંધારું થવા માંડ્યું હતું. મહાપુરુષોની લીલા વિચિત્ર હોય છે. બાહ્ય આચરણ પરથી એમના સંબંધી સુનિશ્ચિત સનાતન અભિપ્રાય ના બાંધી શકાય.

રસિકાનંદજી

એક દિવસ જગન્નાથજીના દર્શન પછી પાછા વળતાં રસ્તામાં વરસાદ પડ્યો. મને થયું કે કોઇ આશ્રય શોધવો જોઇએ, આજુબાજુ એક નાનું સરખું મંદિર હતું. તેના છાપરા નીચે બે સાધુ બેઠેલા. એમાં એક મહાત્મા ઊંચી કોટિના લાગ્યા. મને થયું કે ચાલો એ છાપરા નીચે જ બેસીએ. બંને કામ થશે-વરસાદથી રક્ષા કરવાનું અને સાધુપુરુષનો પરિચય મેળવવાનું.

મેં ધાર્યું હતું તેમ તે બેમાંથી એક સાધુપુરુષ ખરે જ ઊંચી કોટિના હતા. તેમની સાથેની વાતચીત પરથી જણાયું કે તે મૂળ ગુજરાતી ને મુંબઇના એમ. એ. હતા. સંન્યાસીનું નામ રસિકાનંદજી હતું. પણ હાલ તેમણે સંન્યાસનો પણ ન્યાસ કર્યો હતો ને પ્રેમદશામાં રહેતા. તેમનું નવું નામ હરિદાસજી હતું અને એ નામ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપેલું. તે પહેલા વૃંદાવનમાં રહેતા. ત્યાં એક દિવસ ચૈતન્ય મહાપ્રભુએ તેમને સાક્ષાત્ દર્શન આપ્યાં. તે વખતે મહાપ્રભુએ પીતાંબર પહેર્યું હતું ને તેમના કંઠમાં મોટી ફૂલમાળા હતી. અંતરિક્ષમાં ઊભા રહીને એમણે આપણા હરિદાસજીને સંકેતથી કહ્યું, ‘જગન્નાથપુરી જાઓ. ત્યાં તમારી કૃષ્ણદર્શનની ઇચ્છા પૂરી થશે.’ તે પછી છેલ્લા પંદરેક દિવસથી તે પુરીમાં આવેલા ને પ્રભુપ્રેમમાં સમય પસાર કરતા. રાત આખી સમુદ્રની રેતીમાં પસાર કરતા. તેમની યોગ્યતા જાણીને તેમના પર પ્રેમ થયો. અમે પરસ્પર કેટલીક વાતો કરી. મારી સાથે તે ધર્મશાળામાં પણ આવ્યા, જમ્યા, ને ભજન સાંભળીને આનંદ પામ્યા.

આવા અનેકવિધ આનંદ વચ્ચે જગન્નાથપુરીના દિવસો વીતી ગયા. બરાબર પંદર દિવસના નિવાસ પછી ભાદરવા વદી અગિયારસ ને બુધવારે અમે જગન્નાથપુરી છોડ્યું.