ગંગાની બરાબર સામે આવેલા ભરત મંદિરનું સ્થાન સાધનાની દૃષ્ટિએ અત્યંત અનુકૂળ થઇ પડ્યું. હિમાલયની લીલીછમ પર્વતમાળાનું દર્શન કરતાં અંતરમાં આનંદ ઉભરાઇ રહે છે. જાણે ચિરકાલના સાથી ન હોય તેમ હિમાલય અને ગંગા ખૂબ પ્રિય લાગે છે. વિદ્યાર્થી દશાનું હિમાલયવાસનું સ્વપ્ન નજીકના જ ભાવિમાં એક ધ્રુવસત્ય થઇ જશે એ વાતની કોને ખબર હતી ? હિમાલયની આ ઋષિમુનિસેવિત પવિત્ર ભૂમિમાં વાસ કરવાનું સૌભાગ્ય તો સાંપડશે પણ સાથે સાથે સાધનાના અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડશે, અને એ રીતે જીવનને પરમશાંતિ, પરમાનંદ અને પૂર્ણતાનું દાન કરનાર ભૂમિ પણ આ જ થશે તેની કોને જાણ હતી ?
ખરી રીતે તો મારું સમસ્ત જીવન જ ઇશ્વરની કૃપાનો નમૂનો છે. તેમાં જે કાંઇ છે ને હશે તે ઇશ્વરની કૃપાનું જ ફળ છે. છેક બાળપણમાં એક સાધારણ ગામડામાં તેણે મારો હાથ પકડ્યો અને મને મુંબઈના વાતાવરણમાં મૂક્યો. તે પછી પણ, જીવનની પ્રત્યેક પળે મારી સંભાળ લઇ, મારો ઘાટ ઘડવાનો વ્યવસાય ચાલુ રાખ્યો. તે માટે હું ઇશ્વરનો ઋણી છું. સાધનાનો કાર્યક્રમ સુઝાડનાર પણ તે જ છે અને તે જ તેને ક્રમેક્રમે સફળતા તરફ લઇ જાય છે. એ વિચારથી મને સાધના બાબત કદી નિરાશા નથી થઇ. ચિંતા થઇ છે, પણ તે વધારે ટકી નથી. સાથે સાથે મારા પ્રયાસનો પ્રવાહ કદી અટક્યો નથી.
છેલ્લા દોઢ માસ દરમ્યાન ઉપવાસને લીધે શરીર જરા નબળું પડ્યું હતું. વળી ઠંડી પણ સારી પેઠે શરૂ થઇ હતી અને વધતી જતી હતી. છતાં 'મા'ની ઇચ્છાથી મેં ઉપવાસમાં આનંદ જ માન્યો.
એક વાર આવેલો અવસર ફરી ફરી આવતો નથી. તેનો પૂરો ઉઠાવી શકાય તેટલો લાભ ઉઠાવી લેવો જોઇએ. વળી ગંગા, હિમાલય ને ભરતજીના મંદિરનું અનુકૂળ સ્થાન અને અનુકૂળ ઋતુ ... એ બધાંનો બરાબર લાભ લઇ લેવો જોઇએ. એ વિચારથી મેં સાધના માટેના પ્રયાસ ચાલુ રાખ્યા. એ દિવસોમાં થતા અનુભવથી મારો ઉત્સાહ વધતો જતો હતો. છતાં સાંઇબાબાનો જાગૃતિમાં અનુભવ થાય એવી ઇચ્છા કાયમ જ હતી.
ત્યાં તો 'મા'ની અને સાંઇબાબાની પરમ કૃપાથી એ અનુભવ પણ થઇ ગયો. કારતક સુદી અગિયારસે ને બારસે 'મા'ની આજ્ઞાથી મેં ઉપવાસ કર્યા. તે દિવસોમાં ઠંડી ખૂબ લાગતી. ખાસ કરીને રાતની ઠંડી તો ઘણી હતી. કારતક સુદી અગિયારસે રાતભર મેં 'મા'ને અને સાંઇબાબાને પ્રાર્થના કરી. સાંઇબાબાની પ્રાર્થના પાછળથી વધારે ઉત્કટ બની. સાધના વિશેનો ખુલાસો સાંઇબાબા દ્વારા જાગૃતિમાં મળે અને કંઇ નહિ તો તેમનો સ્પષ્ટ અવાજ સંભળાય એવી ઇચ્છા હતી. રાતના ૩।।। વાગી ગયા. થાક લાગવાથી જરાક આડો પડ્યો અને સૂતાં સૂતાં પ્રાર્થના કરવા માંડ્યો. સાંઇબાબાની શક્તિ વિશે ઘણી ઘણી વાતો સંભળાય છે. તે શું સાચી હશે ? તેમના ચમત્કારો પણ પ્રસિદ્ધ છે તે સાચા હશે ? તેની સત્યતાનો અનુભવ તો મને પણ થયો છે, પણ જાગૃતિમાં અનુભવ થાય તો તેની સત્યતા વધારે માનું.
એવા વિચારો મનમાં ચાલતા હતા. સાંઇબાબાને કહેતો કે શું આ જ તમારું પરગજુપણું ? શું આ જ તમારો માનવપ્રેમ ? મારી ઇચ્છા પૂરી કરવી એ તમારે માટે રમત છે, બે મિનીટનું જ કામ છે. છતાં કેમ મૂંગે મોઢે જોયા કરો છો ? ત્યાં તો 'મા'ની અને સાંઇબાબાની કૃપા થઇ. ઓરડામાં સાંઇબાબાનો ફોટો હતો. ત્યાંથી સાંઇબાબાનું સફેદ વસ્ત્રવાળું પણ દાઢી વિનાનું સુંદર સ્વરૂપ મારા તરફ આવ્યું. મારી આંખ બંધ હતી. છતાં તેનું મને સ્પષ્ટ દર્શન થયું. મને આનંદ થયો કે મારી પ્રાર્થના સાંભળીને સાંઇબાબાએ જાગૃતિ દશામાં જ મને દર્શન આપ્યું. પણ ત્યાં તો સાંઇબાબા તરત જ મારા ઓશીકા પાસે આવ્યા અને જાણે અડધા અદૃશ્ય થયા. તેમનું મુખ પણ ઝાંખુ ઝાંખુ દેખાવા માંડ્યું. તે વખતે મને લાગણી થઇ કે તે હવે કાંઇક કહેશે. અને 'મા'ની કૃપાથી થયું પણ તેમ જ. એમનો અવાજ મંદ ગતિએ છતાં કોઇ લાઉડસ્પીકરનો અવાજ હોય તેમ જોરથી મારા જમણા કાનમાં સંભળાવા લાગ્યો. અવાજ ખૂબ મીઠો હતો. જાણે ઘંટડી વાગે તેવો તેનો રણકાર હતો. એકેક અક્ષર પર ભાર દઇને, ડીક્ટેશન લખાવતા હોય તેમ, સાંઇબાબા અલગ અલગ અક્ષરે બોલતા હતા. તે સાંભળીને મને આનંદ થતો. વધારે આનંદ તો હું સારી પેઠે જાગું છું એ જાણવાથી થઇ રહ્યો. સાંઇબાબાએ અવર્ણનીય એવા મધ જેવા મીઠા શબ્દોમાં ક્હ્યું :
'ચિંતા કરશો નહિ. આ વરસે જેઠ સુદી પાંચમને દિવસે બદરીનાથમાં તમને સાક્ષાત દર્શન થઇ જશે ને તમારી બધી ઇચ્છા પૂરી થશે.'
એ અનુભવ પૂરો થયો અને કેટલા વાગ્યા હશે તે જાણવાની મને ઇચ્છા થઇ ત્યાં જ મંદિરમાં ચારના ટકોરા પડ્યા.
એ અલૌકિક અનુભવ માટે મેં મહાપુરુષ શ્રી સાંઇબાબાનો ખૂબ આભાર માન્યો. એ અનુભવથી, સાંઇબાબાના એ સાક્ષાત્કારના પ્રસંગથી મારા હૃદયમાં તેમને માટે પૂજ્યભાવ અને પ્રેમ વધે એ સ્વાભાવિક હતું. એ સમર્થ મહાપુરુષને મારા પ્રણામ છે, અનેકાનેક પ્રણામ છે.
ઋષિકેશથી મુંબઈ જવાનો આદેશ થઇ ચૂક્યો હતો. ઋષિકેશ છોડવાની 'મા'ની પ્રેરણા પણ પહેલાં મળી ચૂકી હતી. તે પ્રમાણે ઋષિકેશ છોડવાનો વિચાર તો હતો જ. આ વખતે હિમાલયના પ્રદેશની વિદાય સાધનાના સમાધાન ને સારા એવા લાભ સાથે લેવાની હતી. જે સાધના આ પ્રદેશમાં થઇ તેના સાક્ષી ગંગા, હિમાલય, ભરતજી, ભગવાન, પૃથ્વી, આકાશ તેમજ ઓરડામાં સૂક્ષ્મ રૂપે બિરાજેલા ભારતના પ્રાતઃસ્મરણીય મહાત્માઓ માત્ર હતા. વળી માતાજી પણ તેના પ્રત્યક્ષ સાક્ષી હતા. તે સૌ સરખાં પવિત્ર અને મંગળ હતા. તેમને પ્રેમપૂર્વક પ્રણામ કરીને એ પ્રદેશની વિદાય લેવાની હતી. જતાં જતાં મેં કહ્યું કે હે ગંગા, હે હિમાલય ! તમારે શરણે આવેલા બાળકને સદાયે યાદ રાખજો, તેના પર તમારા અનંત આશીર્વાદ વરસાવજો, અને તેને તમારો પ્રેમપાત્ર બનાવીને સર્વ રીતે સફળ અને સિદ્ધિસંપન્ન કરી દેજો.

