Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 જેઠ સુદી પાંચમની રાતે 'મા'ની કૃપાને માટે આતુર હૃદયે રાહ જોઇ. રાતે તાલાવેલી રહી. પ્રાર્થના પણ ઘણી ઉત્કટ થઇ. એ રાત તો આજ સુધીના સાધનામય જીવનની આશા જેવી હતી. તેના પર તો હવે પછીના જીવનનો આધાર હતો. માતાજીને પણ કહ્યું કે બદરીનારાયણ ભગવાનને પ્રાર્થના કરજો કે તેમના ધામમાં મારું કામ પૂરું થઇ જાય.

પરંતુ 'મા'ની મરજી જુદી જ હતી. જેઠ સુદી પાંચમનો દિવસ પણ મિથ્યા ગયો ! સાંઇબાબા જેવા મહાપુરુષે આપેલો દિવસ પણ સાચો ના પડ્યો. સવાર પડતાં હૃદય રોઇ ઊઠ્યું, કરુણ બની ગયું. સિદ્ધિના મળેલા દિવસો મિથ્યા જવાનું ચક્ર છેલ્લાં છ વરસથી એકધારું ચાલ્યા કરે છે. તેની પાછળ શું રહસ્ય હશે તે કોણ કહી શકે ? આ વખતે તો એ ચક્રનો અંત આવશે એવી આશા હતી. પરંતુ ... મારી માન્યતા ખોટી પડી. ચિંતા, વેદના ને બેચેની હજી બાકી હશે. દુઃખ તો થયું, પણ શું થાય ? 'મા'ની ઇચ્છાને શિરોધાર્ય કર્યા વિના છૂટકો જ ન હતો. સાધારણ સાધકની શ્રદ્ધા ડગી જાય ને ધીરજ તૂટી જાય એવા પ્રસંગો છેલ્લાં કેટલાંય વખતથી ઉપરાઉપરી બન્યા કરતા. અંધારામાં અટવાતા માણસને કોઇ આશાનું કિરણ દેખાતું, અથવા ડૂબતાં માણસને જેમ ઘડીભર કોઇ આધાર મળે અને એ આનંદમાં આવે ને હિંમતબાજ બની જાય તેમ જરાક આધાર મળતાં હિંમત આવી જતી. પણ દિવસો મિથ્યા થતાં બાજી પાછી જેવી ને તેવી જ થઇ જતી. પણ એ પ્રમાણે ક્યાં લગી ચાલ્યા કરશે ? હવે તો હદ થઇ ગઇ. 'મા'ની કૃપાને માટે એક નાનાસરખા બાળકને આટઆટલું તલસવું પડે તે શું સારું ગણાય ?

સારું ગણાય કે ના ગણાય, તલસ્યા વિના છૂટકો પણ ક્યાં હતો ? 'મા'ની સંપૂર્ણ કૃપા વિના મને ચેન પડે તેમ ન હતું. એટલે સાધનાની યાત્રાને આગળ ને આગળ લંબાવ્યા વિના કોઇ ઉપાય ન હતો. કરેલો પુરુષાર્થ નકામો નથી જતો એ વાતમાં વિશ્વાસ રાખીને મેં મારો પ્રયાસ આશા, શ્રદ્ધા ને હિંમતપૂર્વક આગળ ને આગળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. ગમે તેમ કરીને મારે ગંતવ્ય સ્થાન પર પહોંચવું જ હતું. એટલે આગળ ને આગળ માર્ગ કાપવાનું જ મારે માટે બરાબર હતું.

સાંઇબાબા જેવા મહાપુરુષનો આપેલો દિવસ પણ મિથ્યા ગયો એ કેટલું વિચિત્ર કહેવાય ? મારો વચગાળાનો વખત શાંતિ અને ઉત્સાહમાં પસાર થઇ જાય માટે મને વચ્ચેના મિથ્યા દિવસો આપવામાં આવ્યા હશે એમ મને લાગ્યું. બીજો કોઇ ઉકેલ મને સમજાતો ન હતો. પરંતુ એમ પણ થયું કે 'મા'ની કૃપા અથવા સાધનાની સિદ્ધિનો એક જ સાચો દિવસ મને મળે તો સારું. જાગૃત દશાના વધારે સ્પષ્ટ ને સાચા અનુભવની જરૂર હતી. ગમે તેમ, સાધના હજી બાકી હતી ને તે માટે મહેનત કરવાનું - 'મા'ની કૃપાને માંગવાનું કામ પણ બાકી હતું.

છઠને દિવસે સવારે સૂર્યોદય થઇ ચૂકેલો. બરફના પર્વતો સૂર્યના કિરણોથી સુશોભિત બની રહેલા. ઠંડીથી બચવા માટે માણસો તડકામાં જ્યાં ત્યાં એકઠાં મળતાં. મારે માટે સાધનાની સિદ્ધિનો સૂર્યોદય થવાની હજી વાર હતી. તેના વિના અંતરમાં ઉતરી ગયેલી ઠંડી ક્યાંથી મટે અને તન, મન, અંતરને ઉષ્મા પણ ક્યાંથી મળે ?