Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશનું વાતાવરણ બધી રીતે અનુકૂળ રહ્યું. ચોમાસાના દિવસો રળિયામણા બની રહ્યા. લીલાછમ પર્વતો ને નવા રસથી તરબતર બનેલી ગંગાના સાનિધ્યમાં એવો કયો કઠોર હૃદયી માણસ હોય જેને આનંદ ના થાય ? એ વરસે ગંગાજીમાં ભારે પૂર આવી ગયું. ચંદ્રેશ્વર મહાદેવમાં ગયા વરસની જેમ એ વરસે પણ પાણી ભરાઇ ગયું. એ તો ઠીક, પણ ગંગાતટ પર આવેલા માયાકુંડને માટે મોટો ભય ઊભો થયો. કેટલાંક ઝૂંપડાં તૂટી પડ્યાં પણ ખરાં. પાણી જરાક વધ્યું હોત તો ઘણાં વરસો પહેલાં થયેલું તેમ એ વરસે પણ માયાકુંડના બધાં મકાનો સાફ થઇ જાત. પરંતુ ત્યાં રહેનારા સંતમહાત્માઓના સદભાગ્યે બધો ભય ટળી ગયો.

ઋષિકેશનું વાતાવરણ એકંદરે અત્યંત આનંદકારક અને આશીર્વાદરૂપ બની રહ્યું. માતાજીનો સાથ પણ સ્વર્ગીય હતો. તેમનો પ્રેમાળ અને આનંદી સ્વભાવ અમારા એકાંતવાસમાં અજબ રસ રેલી રહ્યો હતો. પરંતુ તે સાથ એ વરસે છેવટે સુધી ના રહ્યો. ઇશ્વરની ઇચ્છાને માન આપીને તેમને સરોડા જવું પડ્યું. તારાબેનને સુવાવડ આવવાની હતી. તેની સેવા કરનાર કોઇ હતું નહિ. તેથી માતાજીને જવાની જરૂર પડી. એ પ્રસંગે પણ માતાજીના મહાન હૃદયની પ્રતીતિ સહેજે થઇ શકી. વાત નીકળતાં તે કહેવા માંડ્યા કે આપણી પાસે પ્રભુકૃપાથી સાધના છે, સમય છે, સાનુકૂળ સંજોગો છે, ને શક્તિ છે. વળી કોઇ બીજા માણસને મદદ કરવાની આપણને ઇચ્છા થાય છે, તો આ તો આપણું પોતાનું માણસ છે. તેની સેવા શા માટે ના કરીએ ? બીજી કોઇ સાધારણ વ્યક્તિ હોત તો આવે વખતે તે પોતાના સુખનો અને સ્વાર્થનો વિચાર કરત. પરંતુ માતાજીની વાત જુદી હતી. તેમણે સ્વાર્થનો વિચાર છોડી દીધો. મારી સાથે રહેવામાં એમને આનંદ મળતો. છતાં બેનની સેવા માટે એમણે એ આનંદને જતો કર્યો, કેમ કે એનું હૃદય મહાન હતું.

માતાજીને મોટી ચિંતા તો મારા વ્રતની હતી. નવરાત્રીમાં મારે વ્રત કરવાનો વિચાર હતો. હજી સુધી 'મા'ની કૃપા થઇ ન હતી. વળી શ્રી સાંઇબાબાએ છેલ્લે છેલ્લે આપેલો જેઠ સુદી પાંચમનો દિવસ પણ મિથ્યા ગયેલો. તે દશામાં નવરાત્રીમાં ફરી ઉપવાસ કરીને 'મા'ની પૂર્ણકૃપા માટે તલસવાની મારી ઇચ્છા હતી. તે દિવસોમાં માતાજીની હાજરી આશીર્વાદરૂપ થઇ પડે તેમ હતી. છેલ્લાં કેટલાય વરસો તેમણે મને ઉપવાસ દરમ્યાન મારી સેવા કરીને મદદ કરેલી. તે મને બધી રીતે અનુકૂળ થઇ પડેલાં. તેમને હું જગદંબારૂપ માનું છું ને તે રૂપે જ જોઉં છું. નવરાત્રી વ્રત દરમ્યાન તે મારી પાસે હોય તો સારું એવી આશા હું જરૂર રાખું. પણ ઇશ્વરની ઇચ્છા જુદી હતી. માતાજીને પણ એ વાતની ચિંતા હતી કે વ્રતમાં પોતે હાજર નહિ રહે તો શું થશે ? પરંતુ ઇશ્વરની કૃપાથી છેવટે હિંમત આવી ગઇ ને તેમને માટે સરોડા માટે પ્રસ્થાન કરવાનું નક્કી થયું.

તેમને વિદાય થવાના આગલા દિવસે મુંબઈમાં મારી સાથે કોલેજના પ્રથમ વરસમાં ભણતા ભાઇ જમનાશંકર બદરીનાથ યાત્રા કરીને ભરત મંદિરમાં મારી તપાસ કરતા આવી પહોંચ્યા. તે ખૂબ જ માયાળુ ને સંસ્કારી હતા. દિવાળી સુધી તેમણે ઋષિકેશ રહેવાનો વિચાર કર્યો. એટલે માતાજીની ચિંતા જરા ઓછી થઇ. ઉપવાસ દરમ્યાન તે ભાઇ મારી પાસે આવતા રહેશે એવી ખાતરી થવાથી તેમણે રાહતની લાગણી અનુભવી. ઇશ્વરની દયા અપાર છે. તેના આશ્રયે જે બેસે છે તેને તે કોઇ જાતનું કષ્ટ પડવા દેતો નથી. કોઇ ને કોઇ પ્રકારે તેને મદદ મળી જ રહે છે. એ વાતની ખાતરી જીવનમાં આજ સુધી અનેક વાર થઇ ચુકી છે.

ભાદરવા વદી છઠને શનિવારનો દિવસ હતો. અંગ્રેજી તારીખ ૧૮ સપ્ટેમ્બર. માતાજીને વિદાય આપવા હું ને જમનાશંકર હરિદ્વાર સુધી સાથે ગયા. ગાડી ઉપડી ત્યારે હૃદય ખૂબ જ ગદગદ અને ભાવવિભોર બની ગયું. ગાડીમાંથી નીચે ઉતરીને મેં માતાજીને કહ્યું : મારી ચિંતા કરશો નહિ. દિવસો ક્યાંયે જતા રહેશે. બેનની ખૂબ જ પ્રેમથી સેવા કરજો. કોઇ જાતની કસર રાખશો નહિ. હમણાં દિવાળી આવી જશે, ને મારે ગુજરાતમાં આવવાનું થતાં આપણે પાછાં ભેગાં થઇશું.

ગાડી વિદાય થઇ ત્યાં સુધી અમે સ્ટેશન પર ઊભા રહ્યાં. આ વખતે અણીને વખતે માતાજીને મારી પાસેથી દૂર કરીને ઇશ્વરે જાણે મારી કસોટી કરવા ધારેલી. તેમાંથી તેની ઇચ્છા પ્રમાણે પાર ઉતર્યા સિવાય છૂટકો ન હતો.