if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માતાજી તારાબેનની સુવાવડ માટે સરોડા જવાં ઉપડ્યા પછી સાતેક દિવસ સહેજે પસાર થઇ ગયા. નવરાત્રીના પવિત્ર દિવસો શરૂ થયા. તે દિવસોમાં ને તે પછી લાંબા વખત સુધી 'મા'ની કૃપા મેળવવા માટે 'મા'ની જ પ્રેરણાથી મારે જે વ્રત કરવું પડ્યું ને ઉપવાસનું આકરું કષ્ટ સહેવું પડ્યું તેની નોંધ આની પહેલાં આવી ગઇ છે. તે પરથી મારા તે વખતના મનોભાવનો આછોપાતળો ખ્યાલ સહેલાઇથી આવી શકશે. નવરાત્રી દરમ્યાન ભાઇ જમનાશંકર ઋષિકેશ રહેવા માટે આવેલા. તેમણે રોજ મારી પાસે આવીને ચંડીપાઠ કરવાનું ચાલુ રાખેલું. તેને લીધે ઘણો આનંદ રહ્યો. ઉપવાસના દિવસોમાં બપોરનો વખત જરા આકરો હોય છે. પણ બપોરે લગભગ એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી ચંડીપાઠ ચાલતો તેથી એ સમય કેવી રીતે પસાર થઇ જતો તે જણાતું નહિ. પૂનમ સુધી મેં મૌનવ્રત રાખેલું. તેને લીધે પણ નવરાત્રીના પાણી પરના ઉપવાસમાં ઘણી જ રાહત રહી. વળી એ ઉપવાસ પ્રત્યેક વખતના ઉપવાસની પેઠે 'મા'ની પ્રેરણાથી થઇ રહ્યા હતાં એટલે તેને માટે જરૂરી શક્તિ પણ 'મા'એ જ પૂરી પાડી. આરંભમાં તો એમ હતું કે પૂનમ સુધીમાં સાધનાનું કામ પતી જશે પરંતુ 'મા'ની મરજી જુદી જ હતી. તે પ્રમાણે ઉપવાસ આગળ પર ચાલુ જ રહ્યા. પાછળના ઉપવાસ સાધારણ દૂધ પરના ઉપવાસ હતા, પણ દૂધનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી અશક્તિ સારા પ્રમાણમાં લાગવા માંડી. ઠંડી પણ દિવસે દિવસે વધતી જતી. માતાજીની ગેરહાજરી પણ તરી આવતી. માતાજી ના હોવાથી રોજનું કપડાં ધોવાનું, કચરો કાઢવાનું ને દૂધના વાસણ ઉડકવાનું સાધારણ કામકાજ મારે જ કરવું પડતું. છતાં 'મા'એ શક્તિ, સમજ ને હિંમત સારા પ્રમાણમાં આપી હોવાથી બધું આનંદપૂર્વક થઇ શક્યું. સાધનાની સિદ્ધિની લગની દિલમાં પ્રબળપણે લાગી ગઇ હોવાથી બહારની તકલીફને ના ગણકારતાં મારું કામ મેં ચાલુ જ રાખ્યું.

ઋષિકેશના છેલ્લાં દિવસોમાં નબળાઇને લીધે ઠંડી ઘણી લાગતી. છતાં આશા ને શ્રદ્ધા સાથે ઉપવાસ ચાલુ જ રાખ્યા. 'મા'ની પ્રેરણા પણ આ વખતે ઉપવાસ ચાલુ રાખવાની જ હતી. ભરત મંદિરના સુંદર સ્થાનમાં સિદ્ધિ મેળવવા બનતા પ્રયાસ કરી જોયાં, પણ 'મા'ની મરજી જુદી જ હતી, એટલે ઉપવાસ ચાલુ હતા ત્યારે જ, કારતક સુદી ૧૧ ને શનિવારે, ઉપવાસને ૪૧મે દિવસે મારે દહેરાદુન આવવાનું થયું. દહેરાદુનથી ત્રણેક માઇલ દૂર કોલાગઢ નામે ગામ છે. ત્યાંના પટવારીભાઇ શ્રી મનમોહનલાલના આગ્રહને લીધે મારે તેમને ત્યાં જવાનું થયું. તે ભાઇ ઋષિકેશ આવેલા. ત્યાં પરિચય વધવાથી પ્રેમ થયેલો ને તે પ્રેમ એવી રીતે વધારે નીકટ લાવનારો સાબિત થયો. 'મા'ની પ્રેરણા સદા મંગલ જ હોય છે. એટલે તેને વફાદાર રહીને મેં ઉપવાસ ચાલુ હોવા છતાં પણ કોલાગઢની ભૂમિમાં પ્રવેશ કર્યો. ઉપવાસનો ક્રમ કોલાગઢમાં પણ ચાલુ જ રહ્યો. કોલાગઢની ભૂમિ ઘણી સુંદર હતી. વળી ઋષિકેશ કરતાં ત્યાં ઠંડી પણ જરા ઓછી લાગી. રહેવાનું મકાન પણ એકાંતમાં. એટલે ખૂબ જ આનંદ રહ્યો. મારો ઉતારો ઘરથી અલગ એકાંત ઓરડામાં હતો. મકાનની બહાર મોટું મેદાન હતું એટલે તાપ પણ સારા પ્રમાણમાં રહેતો. સવારે નવ વાગ્યાથી સાંજે સાડા ચાર સુધી હું ખાટલા પર બહાર તાપમાં જ બેસતો. કોલાગઢની પાસે પર્વતીય દૃશ્ય પણ સારું હતું. એ પ્રદેશ પણ પવિત્ર મનાય છે. કહે છે કે દ્રોણાચાર્યે ત્યાં તપ કરેલું. બીજા સિદ્ધોના નામો પણ પ્રસિદ્ધ છે.

કોલાગઢમાં ઉપવાસનો ક્રમ ચાલુ રહ્યો. એ વખતે દિલને એમ જ લાગતું હતું કે આ વખતનું કષ્ટસહન જરૂર સફળ થઇ જશે ને હિમાલયની પવિત્ર ભૂમિમાંથી વિદાય થવાનું થશે તે પહેલાં સાધનાની સિદ્ધિ સાંપડશે. ઉપવાસ ને વિરહની વેદના અપાર હતી. પરંતુ અંતરમાં ઉગેલા આશાના અવનવા અંકુરને લીધે બધો જ વખત એકંદરે શાંતિ અને આનંદમાં પસાર થઇ ગયો. એટલા લાંબા ઉપવાસનો ક્રમ આજ સુધીના જીવનમાં આ પ્રથમ જ હતો. તેની અસર શરીર પર ઘણી ભારે થઇ. નબળાઇ ઘણી વધી પડી. પણ માનસિક શાંતિ કાયમ રહી. રોજનું કામકાજ નિયમિત રીતે ચાલુ રહ્યું. નિંદ્રાનો તો જાણે જય જ થઇ રહ્યો. તકલીફ જરૂર હતી પરંતુ નજર સામે જે લક્ષ્ય હતું તેને પૂરું કરવા 'મા'ની ઇચ્છાનુસાર તેને સહન કર્યા વિના છૂટકો જ ન હતો. જે વેદના વેઠવાની હતી તેના પ્રમાણમાં મળવાના ફળનો લાભ ઘણો મોટો હતો. એટલે જે વેદના વરસી તે મેં સસ્મિત સહન કરી લીધી.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.