if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

'મા'ની પ્રેરણા પ્રમાણે કોલાગઢથી પ્રસ્થાન કરીને મહેસાણા આવવાનું થયું. હિમાલયવાસ દર વખતની જેમ આ વખતે પણ યાદગાર બની ગયો. સાધનાની પૂર્ણ સિદ્ધિ માટે 'મા'ની જ પ્રેરણા પ્રમાણે હિમાલયની દૈવી ભૂમિમાં આ વખતે જે સતત પ્રયાસ થયો તે હજી ચાલુ જ હતો. તેની પૂર્ણહુતિ થઈ ગઈ હોત તો જીવનનું એક અત્યંત મહત્વનું પ્રારંભિક પ્રકરણ પૂરું થઈ જાત, પરંતુ તેને હજી વાર હતી. વચગાળાનો વખત હજી વેદના ને પ્રાર્થનામાં પસાર કરવાનો હતો.એટલે સાધના ચાલુ હતી, તે જ દશામાં હિમાલયની પવિત્ર ભૂમિની વિદાય લેવી પડી. ૨૭મી નવેમ્બર ૧૯૫૪ને શનીવારે દહેરાદુન છોડ્યું. હિમાલયના છેલ્લા સિમાચિહ્ન સમું હરિદ્વાર આવી પહોંચ્યું ત્યારે હૃદયે એક પ્રકારની અવર્ણનીય લાગણી અનુભવી.

રવિવારે સાંજે મહેસાણા આવી પહોંચ્યું. ઉપવાસની નબળાઈને લીધે મુસાફરી જરાક કપરી બની ગઈ, છતાં આખે રસ્તે આનંદ રહ્યો. 'મા'ની પ્રેરણા પ્રમાણે ઉપવાસ ચાલુ જ હતા. સ્ટેશન પર પ્રેમી ભાઈ નારાયણભાઈને જોઈને આનંદ થઈ રહ્યો. નારાયણભાઈ ત્યાં જીલ્લા માહિતી અધિકારી નીમાયેલા. મહેસાણામાં એ એકલા જ હતા. તેમનો પ્રેમભાવ ઘણો ભારે હતો. મારા આગમનથી તેમને ઘણો આનંદ થયો. મારી સાધનાથી આજ સુધી મેં તેમને સતત માહિતગાર રાખ્યા હતા. તે તેને સમજી શકેલા. સાધના કરનાર તો કરે પણ તેને સહાનુભૂતિપૂર્વક સમજનાર વ્યક્તિ પણ જવલ્લે જ જડે છે.

મહેસાણામાં  આવીને હિમાલયના અનુસંધાનમાં મારા ઉપવાસ ચાલુ જ રહ્યા. નબળાઈ વધતી જતી હતી. 'મા'ની પ્રેરણા સાધના માટે ઉપવાસને ચાલુ રાખવાની હતી. એટલે તેને મંગળ માનીને તેનું પાલન કર્યા વિના છૂટકો ન હતો. ઉપવાસનો ક્રમ મહેસાણાની નવી ભૂમિમાં એવી રીતે ચાલુ જ રહ્યો. ગુજરાતમાં પ્રવેશ થવાથી ઠંડીમાં આભ-જમીનનો ફેર પડી ગયો.

મહેસાણામાં ઉપવાસ ચાલુ જ રહ્યા. ૩૪મે દિવસે મહેસાણા છોડ્યું. તે પછી બીજા ચાર દિવસ ઉપવાસ રહ્યા. મહુવાના શાંત ને સુંદર સ્થાનમાં આવ્યા પછી ત્રણ દિવસ એમ જ રહ્યું. તે પછી જગદંબાની ઈચ્છા પ્રમાણે નવરાત્રીથી શરૂ કરીને ગણીએ તો વ્રતને બરાબર ૧૦૧મે દિવસે ઉપવાસ પૂરા થયા. તેમાં કોલાગઢમાં 'મા'ની પ્રેરણા પ્રમાણે છ દિવસ ભોજનના ગયેલા.

મહુવાના સ્થાનમાં પહેલી જ રાતે દર્શન આપીને ઉપવાસની પૂર્ણાહુતિ કરવાનો આદેશ આપ્યો. એને અનુસર્યા વિના છૂટકો ન હતો. આ વખતના ઉપવાસ ખૂબ લાંબા હતા. આટલા લાંબા ઉપવાસ જીવનમાં આ પહેલા જ હતા. ઉપવાસ દરમ્યાન શ્રી સાંઈબાબા ને જગદંબાનું દર્શન વારંવાર થતું, નિદ્રાનો સંપૂર્ણ જય થઈ ગયેલો, ને રોજનું કામકાજ પણ સારી રીતે ચાલતું. એ બધી કૃપા જ હતી.

ઉપવાસ પૂરા થયા. પણ તેની પાછળ જે હેતુ હતો તે અધૂરો જ રહ્યો. 'મા'ના સાક્ષાત દર્શન દ્વારા એક તો ઈચ્છાનુસાર વરની પ્રાપ્તિ ને બીજું 'મા'નું નિત્યનિરંતર, અખંડ કે સતત દર્શન અથવા કહો કે 'મા'નો સદા માટેનો પ્રત્યક્ષ સહવાસ. 'મા'નું સાક્ષાત દર્શન ઈ.સ. ૧૯૪૭ના નવેમ્બરની પહેલી તારીખે ભાઈબીજને દિવસે રાતે થયું હતું. તે વખતે હું દેવપ્રયાગના શાંતાશ્રમાં હતો. પણ તે દર્શન ઈચ્છા પ્રમાણેનું સાક્ષાત દર્શન અને અખંડરૂપે થનારું સાક્ષાત દર્શન ન હતું. તેથી સાક્ષાત દર્શનની મારી ઈચ્છા ચાલુ જ હતી. છેલ્લા સાતેક વરસથી તેને માટે સતત પ્રયાસો થઈ રહેલા. આ વરસે એ પ્રયાસની પરંપરામાં એક નવો લાંબો પ્રયાસ ઉમેરાયો. જો કે એ અધૂરો જ રહ્યો. પણ નજીકના ભવિષ્યમાં પરિપૂર્ણ થવાની ખાતરી કરાવી ગયો.

 

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.