Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશની ભૂમિ છે તો સુંદર, આકર્ષક અને આહલાદક. પરંતુ ઉનાળામાં એટલી બધી તપી જાય છે કે માણસને અકળાવી નાખે છે. વરસાદ સારા પ્રમાણમાં ના વરસે ત્યાં સુધી એટલી બધી ગરમી પડે છે કે વાત નહિ. ધ્યાનાદિ સાધનામાં સતત રીતે મનને લગાડવાનું કામ કઠિન લાગે છે. એવો અનુભવ હોવા છતાં ઇશ્વરની ઇચ્છાને અનુસરીને અમારે ઋષિકેશમાં રહ્યા સિવાય છૂટકો ન હતો. ગરમી હોવા છતાં કુદરતી સૌંદર્યથી ભરેલા ઋષિકેશના પ્રવિત્ર પુરાણપ્રસિદ્ધ પ્રદેશમાં અમારા દિવસો શાંતિપૂર્વક પસાર થવા માંડ્યા.

વરસાદ વરસવા માંડે છે પછી તો એ ભૂમિ વધારે રસમય, સુંદર અને આહલાદક બની જાય છે. પર્વતો લીલાંછમ બનીને હસવા માંડે છે ને ધરતી હરિયાળી બને છે. વરસાદને લીધે ગંગામાં અવારનવાર પૂર પણ આવે છે. થોડીવારમાં પૂર શમી જાય છે ત્યારે સ્મશાનવૈરાગ્યનો ક્ષણિક ઉભરો શાંત થતાં સામાન્ય માણસની અવસ્થા પહેલાં જેવી થઇ જાય છે, તેવી જ સ્વાભાવિક અવસ્થાની તે પ્રાપ્તિ કરે છે. ગંગાની રમણીયતા અને આહલાદકતાને અનુભવવાનો એ અવસર અનોખો હોય છે.

એ આનંદના અનોખા અનુભવની સાથે સાધનાના અંતરંગ અનુભવોનો આનંદ પણ ચાલુ હતો. સાધનાની સુભગ સુખદ સરિતા પોતાના પુણ્યપ્રવાહ સાથે આગળ ને આગળ વહી રહેલી. તે દિવસોમાં કેટલાક ઉત્તમ ઉલ્લેખનીય અનુભવો થયા. એમાંનો અદભૂત અસાધારણ અનુભવ ભગવાન બુદ્ધનો હતો.

જીવનના શરૂઆતનાં વરસોમાં મને બુદ્ધ ભગવાનનું સાક્ષાત્ દર્શન થયું હતું. વડોદરામાં થયેલા દર્શનના એ અનુભવનો ઉલ્લેખ મેં આગળ પર કરી જ દીધો છે. તેવો જ સુંદર અને અનેરો પરંતુ જરા જુદી જાતનો અનુભવ મને ઋષિકેશના નિવાસ દરમ્યાન થયો. તારીખ ૫-૧૦-૧૯૫૫ ને બુધવારની સવારનો સમય હતો. ત્યારે આંતર જગતમાં ધ્યાનમાં ભગવાન બુદ્ધનું દર્શન થયું. તે દર્શન ખરેખર આનંદદાયક હતું. બુદ્ધ ભગવાન બોધિ વૃક્ષની નીચે ધ્યાનમગ્ન દશામાં બેઠા હતા. તેમના શરીર પર સ્વચ્છ અને સફેદ વસ્ત્રો શોભી રહેલાં. તેમની મુખાકૃતિ અત્યંત તેજોમય અને શાંત હતી. તેમને માથે નાની સરખી આકર્ષક જટા હતી. ખાસ વિશેષ વાત તો એ હતી કે તેમના ગળા અને હૃદયની આસપાસ એક ચળકતો સફેદ રંગનો નાગ વીંટળાયેલો.

નાગ કે સાપની કલ્પના વધારે ભાગે શંકર સાથે સંકળાયેલી છે, એટલે બુદ્ધ ભગવાનનું નાગ સાથેનું દર્શન જરા નવાઇ પમાડે તેવું હતું. પણ તેમાં નવાઇ જેવું કાંઇ જ નથી. બુદ્ધ ભગવાનનું અદભૂત દર્શન કરીને મને તરત જ અંતઃપ્રેરણા થઇ કે સાપ અથવા નાગ માયાનું સ્વરૂપ છે. મનની વાસના જે સાધકને પરમ સિદ્ધિની પ્રાપ્તિના કામમાં નડતરરૂપ થાય છે, તે નાગ જેવી જ વિષમય છે. તેનો સફળતાપૂર્વક સામનો થાય અને તેને જીતી લેવાય એટલે પરમ શાંતિ, સિદ્ધિ, નિર્વાણ અથવા બુદ્ધ ભગવાનના શબ્દોમાં કહીએ તો બોધિની પ્રાપ્તિનું કામ છેક જ સહેલું થઇ જાય છે. અંતરના ઉંડાણમાં સૂતેલી એ વાસનારૂપી નાગણ મહાભયંકર છે. અહંકાર, મમતા, રાગદ્વેષ કે સ્વાર્થબુદ્ધિની એ નાગચૂડમાંથી મુક્ત થવા માટે સાધકે બનતો પ્રયાસ કરવાનો છે. ભગવાન બુદ્ધને પણ બોધિની પ્રાપ્તિ પહેલાં એવો પ્રખર પ્રયાસ કરવો પડેલો. બીજાએ તેમાંથી બોધપાઠ લેવાનો છે.

ભગવાન બુદ્ધના લાંબા વખતે થયેલા એ અદભૂત દર્શનથી મને આનંદ થયો. વિતરાગ અને ઇશ્વરમય મહાપુરુષોનું દર્શન સદાયે આનંદરૂપ છે. તેમના દર્શનથી પ્રેરણા મળે છે અને ઉત્સાહ સાંપડે છે.

સવારે આંખ ઉઘડી ત્યારે બુદ્ધ ભગવાનનું એ મંગલ દર્શન મન પર એવું જ તાજું હતું, એમનું એ અનોખું સ્વરૂપ કાયમ માટે યાદ રહેશે.