એ અમીમય આંખ પર આ દિલ ગયું વારી.
કેમ પાછું તે ફરે હા, પ્રાણને ઢાળી ... એ અમીમય
ઉષાના રંગે ભરેલી આંખ રસ-પ્યાલી,
મળી આંખે ત્યાં જ હૈયા થૈ ગયા ખાલી;
મૂર્તિ અંકિત થૈ હૃદયમાં કરી મધુ ક્યારી ... એ અમીમય.
ઉમંગેભર કોક નિર્ઝર જેમ મારો પ્રાણ,
કૈંક વરસોથી વહેતો સુધાકેરી લ્હાણ;
નેહની એક જ નજરમાં દીધો ઓવારી ... એ અમીમય.
અંતરે આનંદ વ્યાપ્યો, શોક દૂર થયો,
ભીતિ ભાગી, ભેદ ત્યાગી, પ્રાણ મુક્ત્ત બન્યો;
રૂપ જોતાવેંત પાગલ હૈયું ગયું હારી ... એ અમીમય
- શ્રી યોગેશ્વરજી