એક છે તારો આશરો,
અનાથને તો એક છે તારો આશરો.
તારા વિનાનું કોઈ નજરે ના આવે,
બીજાને ભજવાનું ના અંતરને ફાવે
તારો આધાર છે ખરો ... અનાથને તો.
હૈયામાં એક તારી મૂર્તિ આંખોમાં મારી,
રગરગમાં એક તારી જાગી રહી સિતારી;
પ્રાણ છે તારામાં મળ્યો ... અનાથને તો.
તારા વિના કહેને કોને ભજું ને ગાઉં,
સુરતામાં ધ્યાનમાંયે કોને કહેને લાવું;
તુજને છું વ્હાલથી વર્યો ... અનાથને તો.
તારી કૃપાતણો જો વરસે વરસાદ તો તો,
રહે ના ત્રિલોકમાંયે કોઈ વસ્તુનો તોટો;
કૃપાનો પ્રસાદ એ મળો ... અનાથને તો.
પાગલ કે’ તારા માટે જીવું છું શીશસાટે;
ગુણલા ગાઊં છું તારા હેતે વાટે ને ઘાટે;
ભંડાર ખાલી તેં કર્યો ... અનાથને તો.
- શ્રી યોગેશ્વરજી