એક માગું છું, બસ એક માગું છું
કૃપાનું કિરણ, બસ એક માગું છું.
આસપાસ અંઘકાર વ્યાપી છે ગયો,
સુર્યનો પ્રકાશ પૂરો અસ્ત છે થયો,
જાણું ના કે છાયામહીં ક્યાં હું ભાગું છું ... કૃપાનું કિરણ
બીન બધાં બંધ બન્યા વાગતાં નથી,
તાર ના સંધાય હવે થાક્યો છું મથી,
શ્રધ્ધા ભરી આશ લઈ હું જ વાગું છું ... કૃપાનું કિરણ
તમારો ભંડાર કદી ખુટતો નહીં,
માગી રહ્યો કોડી માત્ર આવીને અહીં,
વારંવાર પ્રાર્થું તો ના ઠીક લાગું છું ... કૃપાનું કિરણ
વરસો એકાદ બિંદુ તોય ચાલશે,
પ્રાણ મારો ધન્યતામાં નિત્ય મ્હાલશે,
તમારા જ પ્રેમ જગે રોજ જાગું છું ... કૃપાનું કિરણ
- શ્રી યોગેશ્વરજી