Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભુમાં શ્રધ્ધા રાખ ને કર મંગલમય કામ.

પ્રવાસ કરવો એકલો, સાથ ન કોઈ હોય,
આશ્વાસનના શબ્દયે કહેનાર ના કોય;
અજાણ મારગ કાપવો, તોપણ હાર ન હામ ... પ્રભુમાં શ્રધ્ધા રાખ.

વળાંક આવે કૈંક ને વિઘ્નોનો ના પાર,
ચઢાવ ને ઉતરાવમાં સ્હેજ મળે ના સાર;
બિહામણો છો પંથ હો, શોકતણું ના કામ ... પ્રભુમાં શ્રધ્ધા રાખ.

ગુલાબની ના સેજ આ, ધરતી પર શય્યા,
કરતા લાડ ન પાસમાં તાત વળી મચ્યા
મિત્રોને સ્નેહી ભલે છોડી જતા તમામ ... પ્રભુમાં શ્રધ્ધા રાખ.

કોઈ નિંદે ને કહે કટુ શબ્દો કોઈ,
સત્કાર તિરસ્કારથી રહીશ ના રોઈ;
ઠરવાનું એકે તને મળે ભલે ના ઠામ ... પ્રભુમાં શ્રધ્ધા રાખ.

પ્રલોભનોથી ચેતજે, કુકર્મથી ડરજે,
પ્રેમ સત્ય ને નીતિને સ્વજન સદા કરજે
જીવનની પળપળ રહી જાગ્રત લેતાં નામ ... પ્રભુમાં શ્રધ્ધા રાખ.

પ્રભુમાં મનને જોડજે, ડરતો ના કો’થી,
હિંમતને ના છોડતો, ચળતો ના કો’થી
સેવાભાવથી લેતાં શ્વાસ તમામ ... પ્રભુમાં શ્રધ્ધા રાખ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit