તારી વેળા વીતી જાય.
વીતે તે પહેલાં ચેતી લે,
જોજે મોડું થાય ... તારી વેળા
કાળ કરે છે ક્રીડા નિશદિન,
જીવન તારું ખાય;
રાતદિવસની રમત રમે છે,
ગીત સનાતન ગાય ... તારી વેળા
આજ દિસે તે કાલ રહે ના,
યુગયુગ એમ જ જાય;
જન્મમરણના રથમાં તારૂં
જીવન ફેરા ખાય....તારી
કલ્પ કૈક વીતી જાયે ને
અભિનવ જગ સરજાય
ચક્ર સનાતન છે આ એવું,
નિત ઠલવાય ભરાય....તારી
જાગે તેજ પરમપદ પામે,
હરખ પછી ન સમાય
'પાગલ' સોનેરી અવસર ના
વારંવાર પમાય....તારી
- શ્રી યોગેશ્વરજી